ભાજપ-કોંગ્રેસનાં નેતાઓ અને સંતોની હાજરીમાં બાબા બાગેશ્વરનાં કાર્યાલયનું ઉદ્ઘાટન | Inauguration of Baba Bageshwar's office in presence of BJP-Congress leaders and saints | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટમાં યોજાનારા બાગેશ્વરધામના કાર્યક્રમને લઇને રાજકોટનાં રેસકોર્સ ખાતે બાબા બાગેશ્વરનાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. રાત્રે 9 વાગે આ અંગે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ સામેલ થતા રાજકીય મતભેદો ભૂલાયા હતા. આ તકે ભાજપનાંધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ સનાતન હિંદુ ધર્મનો છે. ત્યારે આ કાર્યક્રમમાં રાજકીય વિરોઘ ન હોવો જોઇએ. જો કોઇ શહેરમાં આ કાર્યક્રમ માટે રાજકીય વિરોધ હોય તો તે ખરેખર દુ:ખની વાત છે. રાજકોટ શહેરના તમામ લોકો આ કાર્યક્રમમાં સહભાગી થઈને કોઈપણ પક્ષાપક્ષી વિના ધર્મલાભ લે તેવી અપીલ પણ તેમણે કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ આગામી તારીખ 1 અને 2 જૂનનાં રોજ રેસકોર્સમાં બાગેશ્વરધામ સેવા સમિતિનાં મુખીયા ધીરેન્દ્રશાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરનાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના આ કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જે અંતર્ગત આજરોજ રેસકોર્સ ખાતે ભાજપ-કોંગ્રેસના નેતાઓ અને સંતોની હાજરીમાં કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં કોઈપણ સેવા આપવા ઇચ્છતા વ્યક્તિ સંપર્ક કરી શકશે. બાબા બાગેશ્વરનાં યોજાનાર કાર્યક્રમનું સંચાલન પણ આ કાર્યાલય ખાતેથી કરવામાં આવશે.

સમગ્ર આયોજનનાં અધ્યક્ષ યોગીન છનીયારાએ કહ્યું હતું કે, બાગેશ્વર સેવા સમિતિ દ્વારા સનાતન ધર્મનાં પ્રચાર માટે આગામી 1 અને 2 જૂન બે દિવસ ધર્મસભા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 31 તારીખે જ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવી જશે. આ કાર્યક્રમ માટે રેસકોર્સ મેદાનમાં સમિતિ દ્વારા વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમ માટે જુદી-જુદી 32સમિતિ બનાવી અને તેના 600 જેટલા કાર્યકરોને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ કાર્યક્રમમાં અંદાજે 75 હજારથી વધુ લોકો હાજર રહેવાની સંભાવના છે. અને કાર્યક્રમનાં ખર્ચનું કોઈપણ અનુમાન લગાવાયું નથી.

વધુમાં તેમણે જણાવ્યું કે, બાબા ક્યાં રોકવાનાં છે એ સ્થળ હજુ નક્કી નથી. તેમજ બાબાની સુરક્ષામાં પણ અલગ અલગ સમાજ અને લોકો પણ સ્વયંભૂ આવશે. અસંતુષ્ટ લોકો બાબાની લોકપ્રિયતાને લઈને પણ વિઘ્ન નાખવા તત્પર હોય છે. પરંતુ હિન્દુ સંગઠન અમારી સાથે છે. જેમાં મુખ્યત્વે વીએચપી, કરણી સેના, તેમજ હિન્દુ જાગરણ મંચનાં કાર્યકરો તમામ પ્રકારની સેવા આપવા માટે તૈયાર છે. તેમજ પોલીસ દ્વારા પણ જરૂરી તમામ મદદ મળી રહી છે. અને સરકારી તંત્ર પણ સંપૂર્ણપણે સહયોગ આપી રહ્યું હોવાથી આ કાર્યક્રમ ખૂબ સફળ રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. બાબા બાગેશ્વરનાં કાર્યક્રમ પહેલા એક શોભાયાત્રા યોજવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

أحدث أقدم