પતિએ 'બાદમાં ઘરનું મકાન લેશું' કહેતા માતા-પુત્રીએ વખ ઘોળ્યું, જસદણમાં વિદેશી સિગારેટ વેચતો વેપારી ઝડપાયો | Mother and daughter quarreled as husband said 'we will buy house later', trader caught selling foreign cigarettes in Jasdan | Times Of Ahmedabad

રાજકોટ5 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સારવાર દરમિયાન માતાનું મોત નિપજયું - Divya Bhaskar

સારવાર દરમિયાન માતાનું મોત નિપજયું

રાજકોટના સ્વાતીપાર્કમાં રહેતા ભાર્ગવભાઈ ઢેબરીયાના લગ્ન બિલખાના હડમતીયા ગામના પારૂલબેન સાથે છ વર્ષ પહેલા થયેલ હતા જેને સંતાનમાં એક ચાર વર્ષની પુત્રી છે. ગઈકાલે વહેલી સવારે પોતાના ઘરે પારૂલબેન ભાર્ગવભાઈ ઢેબરીયા (ઉ.વ.31) એ ચાર વર્ષની પુત્રીને ઝેર પીવડાવી પોતે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા અને બાદમાં તેના પતિને પગલુ ભર્યા અંગે જાણ કરી હતી. જેથી પરીવારજનોએ માતા-પુત્રીને સારવારમાં ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન પારૂલબેનનું મોત નિપજયું હતું. જયારે પુત્રી હાલ સારવાર હેઠળ છે.

ભાડાના મકાનમાં રહેતા
બનાવ અંગે જાણ થતા આજીડેમ પોલીસ મથકના પીએસઆઈ એમ.ડી. લોખીલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવના કારણ અંગે પતિની પુછપરછમાં જણાવ્યું હતું કે, તેઓ પત્ની અને પુત્રી સાથે ભાડાના મકાનમાં રહે છે તેની પત્ની ઘરનું મકાન લેવાની વાત કરતા હતા. જેથી ભાર્ગવભાઈએ હાલ ધંધો ચાલતો ન હોય ગાડીના હપ્તા પુરા થાય પછી ઘરનું મકાન લેશું કહેતા તેનું માઠું લાગી આવતા પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું.

જસદણમાં વિદેશી સિગારેટ વેચતો વેપારી ઝડપાયો
રાજકોટ રૂરલ SOG પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે જસદણના ચિતલીયા કુવા રોડ પર, સરદાર ચોક પાસે આવેલ ચોપેરા કોમ્પ્લેક્ષમાં વિજય સેલ્સ એજન્સી નામે પેઢી ધરાવતો વેપારી વિજય નારણભાઈ માલવીયા (ઉ.વ.33) પોતાની એજન્સીમાં ગેરકાયદે વિદેશી સીગારેટ વેચી રહ્યો છે. આ સીગારેટના પેકેટ ઉપર સરકારના નિયમો મુજબની આરોગ્ય વિષયક ચેતવણી કે કોઈ ચિત્રો દોરેલા નથી અને આ સીગારેટના જથ્થાના કોઈ બિલ વગર જ તે ગેરકાયદે વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે SOG ટીમે દરોડો પાડતા વિજય પટેલની દુકાનમાંથી વિદેશી સીગારેટના 11 પેકેટ જેની કિંમત રૂ. 11000 ગણી કબ્જે લેવાઈ હતી અને આરોપી વેપારી ત્યાં હાજર હોય તેની ધરપકડ કરી મુદ્દામાલ અને આરોપીને જસદણ પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી રાજકોટથી સીગારેટ લાવ્યાની કબૂલાત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વેપારી વિજય નારણભાઈ માલવીયા

વેપારી વિજય નારણભાઈ માલવીયા

દંપતી વચ્ચે માથાકૂટ ચાલતી હતી
રાજકોટ શહેરના રૈયા રોડ પર સવન બિલ્ડીંગ પાસે આવાસ કવાર્ટરમાં રહેતા મુકેશ ગોપીરામભાઈ ભાટી (ઉ.વ.23) ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ પોતાના ઘરે પંખાના હુકમાં ચૂંદડી વડે ફાંસો લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે અંગે તેની પત્નીને જાણ થતા યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને યુવકનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી. યુવકની પત્નીએ જણાવ્યું હતું કે દંપતી વચ્ચે થોડા દિવસથી માથાકુટ ચાલતી હતી. જેનાથી કંટાળી પગલુ ભર્યાનું જણાવ્યું હતું. યુવક મુળ રાજસ્થાનનો વતની અને કલરકામની મજુરી કરે છે.

દંપતિ વચ્ચે ઝઘડો થતાં પત્નીએ ગળેફાંસો ખાધો
રાજકોટ નજીક લોઠડામાં પ્લાસ્ટીક બેગનું કારખાનું ધરાવતા અને શ્યામપાર્કમાં રહેતા મોહીતભાઈને મેટોડામાં રહેતી રેનસીબેન સાથે બે વર્ષ પહેલા લગ્ન થયા હતાં. 6 દિવસ પહેલા દંપતિ વચ્ચે ઝઘડો થતાં પત્ની મેટોડા માવતરના ઘરે રીસામણ ચાલી ગઈ હતી. જેથી વ્યથીત રહેતાં મોહિતભાઈ સવારે નવ વાગ્યા સુધી રૂમમાંથી બહાર ન આવતાં તેના કાકા મહેશભાઈ તેમને ઉઠાડવા માટે ગયા હતાં. દરવાજો ખખડાવતા યુવકે દરવાજો ન ખોલતાં તેના કાકાએ દરવાજો તોડી તપાસ કરતાં પંખાના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લટકેલી હાલતમાં યુવક જોવા મળતાં પરીવારે આક્રંદ મચાવ્યો હતો. બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને 108ને જાણ કરતાં 108નો સ્ટાફ ઈ.એન.ટી.એ યુવકને તપાસી મૃત જાહેર કર્યા હતાં જેથી મૃતદેહને પોસમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકના પિતા એસ.ટી.માં કંડકટર તરીકે ફરજ બજાવે છે અને તે બે બહેનોનો એકનો એકભાઈ હતો.

દારૂ ગટગટાવી ઊંઘી ગયા બાદ યુવકનું મોત
રાજકોટના પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં રહેતો રૂપેશ લોર (ઉ.વ.28) ને બેભાન હાલતમાં રાજકોટ સિવીલ હોસ્પીટલમાં ઈમરજન્સી વોર્ડમાં ખસેડાયો હતો જયાં ફરજ પર હાજર ડોકટરે તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. યુવકના મોતના પગલે એ ડિવિઝન પોલીસની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. પોલીસે મૃતકનાં પરિજનોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે રૂપેશ પ્રહલાદ પ્લોટમાં રણજીતભાઈ નામના વ્યકિતના મકાનમાં ભાડે રહેતો હતો અને બાલાજી મંદીર સામે આવેલ રોયલ હોટેલમાં કામ કરતો અને તે દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. ગઈકાલે બપોરે 2.30 વાગ્યે ચિકકાર દારૂ પી પોતાના ઘેર આવેલો અને રૂમમાં સુઈ ગયો હતો સાંજે પાંચ વાગ્યે તેના પત્નિ ઉઠાડવા જતાં તે ઉઠયો જ નહતો અને સુતો રહ્યો હતો. જેથી આસપાસનાં લોકોની મદદથી રૂપેશને સિવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. જયાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. રૂપેશનું મોત હાર્ટએટેકથી થયાની શંકા છે પરંતુ તેણે દારૂ પીધો હોય અન્ય કોઈ કારણોસર મોત થયુ છે કે કેમ?તે જાણવા પોસ્ટમોર્ટમ કરાયુ હતું.. બનાવના પગલે બે નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા નેપાળી પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો.

أحدث أقدم