શહેરના પ્લાનિંગ અને નવી ટીપી આયોજન માટે નવી કંપનીની ઓફિસ શરૂ, મહેસાણા-પાટણ પેસેન્જર સ્પે. ટ્રેનને ભીલડી સુધી લંબાવાઇ | New company office for city planning and new TP planning opened in AUDA, Mehsana Patan passenger special train extended to Bhildi | Times Of Ahmedabad

અમદાવાદ5 કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) અંતર્ગત “ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલટન્સી કંપની (GTPCL) બનાવવામાં આવી છે. જેમાં નવા આયોજન, અર્બન પ્લાનિંગ મોડેલ વગેરે બનાવવાની કામગીરી કરવામાં આવશે. જેની આજે ઔડા ખાતેની ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મ્યુનિ. કમિશનર અને ઔડાના ચેરમેન એમ. થેંન્નારેસન, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કંપનીને ઔડાએ આ ઓફિસ ભાડે આપી છે. જેનું નિયમ મુજબ રૂપિયા 17,500 આસપાસ ભાડું GTPCL દ્વારા ઔડાને ચૂકવવામાં આવશે.

GTPCL સ્વાયત્ત કંપની તરીકે કામ કરશે
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ના નગર આયોજન માટેના અનુભવ એટલે કે વિકાસ યોજના બનાવવી, મુસદ્દારૂપ નગર રચના યોજના બનાવવી, લોકલ એરીયા પ્લાન બનાવવા અને તેનું અમલીકરણ કરવુ તે બાબતની સક્ષમતા ધ્યાને લેતાં રાજ્યના સત્તામંડળ વિસ્તાર તથા નગરપાલિકાઓ વિસ્તારમાં મુસદ્દારૂપ નગર રચના યોજના બનાવવાના કામમાં પ્રગતિ આવશે અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના અનુભવનો લાભ મળે તે હેતુથી અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ અંતર્ગત “ગુજરાત ટાઉન પ્લાનીંગ કન્સલટન્સી લિમીટેડ” આ એક સ્વાયત્ત કંપની તરીકે કામ કરશે.

લોકલ એરીયા પ્લાન સાથેનું ત્રિ-સ્તરીય અર્બન પ્લાનિંગ મોડેલ
ઔડાની કચેરીમાં ગુજરાત રાજ્ય સિવાયના અન્ય રાજ્યોમાંથી વિકાસ યોજના, ટી.પી.સ્કીમ તથા લોકલ એરીયા પ્લાન સાથેનું ત્રિ-સ્તરીય અર્બન પ્લાનિંગ મોડેલ સમજવા અલગ અલગ ઓથોરીટીના ઉચ્ચ સ્તરના અધિકારીઓ તથા મંત્રીઓ ઔડાની મુલાકાત લેતા હોય છે. આ કંપનીની રચના થવાથી સમગ્ર દેશના ઓથોરીટીને પ્રજાના સુખાકારી માટે વિકાસ યોજના, ટી.પી.સ્કીમ તથા લોકલ એરીયા પ્લાન સાથેનું મોડેલ અપનાવવાથી શહેરી વિકાસને વેગ મળશે.

મહેસાણા-પાટણ પેસેન્જર સ્પે. ટ્રેન ભિલડી સુધી લંબાવાઇ
અમદાવાદ રેલવે ડિવિઝનના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 09481/09482 મહેસાણા-પાટણ પેસેન્જર સ્પેશિયલ ટ્રેનને ભિલડી સુધી લંબાવવામાં આવી છે. આજે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પાટણ સ્ટેશનથી મહેસાણા-પાટણ નવી લંબાવેલી સ્પેશિયલ ટ્રેનનું પ્રસ્થાન સંકેત બતાવીને શુભારંભ કરાવ્યું હતું. આ પ્રસંગે ડિવિઝનલ રેલવે મેનેજર તરૂણ જૈન, સીનીયર ડિવિઝનલ કોમર્શીયલ મેનેજર પવનકુમાર સિંહ અને અન્ય રેલવે કર્મચારીઓ હાજર રહ્યા હતા. ટ્રેન નંબર 09481 મહેસાણા-ભિલડી સ્પેશિયલ મહેસાણાથી સાંજે 06:05 કલાકે ઉપડશે અને 06.58 કલાકે પાટણ પહોંચશે અને સાંજે 7 કલાકે ઉપડશે તથા 8:30 કલાકે ભિલડી પહોંચશે. ટ્રેન નંબર 09482 ભિલડી-મહેસાણા સ્પેશિયલ ટ્રેન ભિલડીથી સવારે 06:10 કલાકે ઉપડીને 07:28 કલાકે પાટણ પહોંચીને 07:30 કલાકે ઉપડશે તથા 08.25 કલાકે મહેસાણા પહોંચશે. બંને દિશાઓમાં આ ટ્રેન ધીણોજ, સેલાવી, રણુંજ, સંખારી, પાટણ, ખલીપુર, કાંસા, વાયડ અને સિહોર સ્ટેશનો પર રોકાશે.

ગાંધીનગર-વારાણસી-ગાંધીનગર એક્સપ્રેસ ટ્રેન રદ
ઉત્તર રેલવેના વારાણસી સ્ટેશન યાર્ડના રિમોડેલિંગ કામ માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે ટ્રેન નંબર 22468/22467 ગાંધીનગર-વારાણસી-ગાંધીનગર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. ટ્રેન નંબર 22468 ગાંધીનગર-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ (દર ગુરુવારે) 04 મે 2023થી 25 મે 2023 સુધી કુલ 04 ટ્રિપ્સ રદ રહેશે. ટ્રેન નંબર 22467 વારાણસી-ગાંધીનગર સાપ્તાહિક એક્સપ્રેસ (દર બુધવારે) 03 મે 2023થી 23 મે 2023 સુધી કુલ 04 ટ્રિપ્સ રદ રહેશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંયોજનો સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.

ઉનાળામાં પાણીજન્ય રોગચાળો વધ્યો
અમદાવાદ શહેરમાં ઉનાળાની સીઝનમાં પાણીજન્ય રોગચાળો વધ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હરકતમાં આવ્યું અને પાણીના સેમ્પલ લઈ ચેકિંગ હાથ ધર્યું છે. શહેરમાં એપ્રિલ મહિનામાં ઝાડા ઉલ્ટીના 373 કેસ નોંધાયા છે. જ્યારે કમળાના 92 અને ટાઈફોઈડના 269 કેસ નોંધાયા છે. જો કે, પીવાના પાણીના 72 સેમ્પલ પરીક્ષણમાં ફેઇલ થયા છે. ખાડીયા, દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર વિસ્તારના પાણીના સેમ્પલ ફેઇલ થયાં છે. મચ્છરજન્ય રોગ એવા ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતના કેસો હાલ ઘટયા છે.

أحدث أقدم