કલોલના ગોજારા અકસ્માતમાં વધુ એકનું મોત, છ મુસાફરોને મોતને ઘાટ ઉતારનાર લકઝરી બસનો ડ્રાયવર ઝડપાયો | One more killed in Kalol's Gojara accident, driver of luxury bus caught killing six passengers | Times Of Ahmedabad

ગાંધીનગર10 કલાક પહેલા

  • કૉપી લિંક

કલોલના અંબિકા બસ સ્ટેન્ડ ખાતે લક્ઝરી બસની ટક્કરથી એસ.ટી બસની અડફેટે લોખંડની રેલીંગ સાથે મંજિલની રાહમાં ઉભેલા પાંચ મુસાફરો કચડાઈને મોતની અંતીમ સફરે પહોંચી જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. આ અકસ્માતની ઘટનામાં ઘવાયેલા વધુ એક મુસાફરનું મોત થતા કુલ મૃત્યુ આંક 6 પર પહોંચ્યો છે.આ અકસ્માતમાં આંખના પલકારામાં છ મુસાફરોને મોતના ખપ્પરમાં હોમી દેનાર લકઝરીનાં ડ્રાઈવરની કલોલ સિટી પોલીસે ધરપકડ કરી લીધી છે.

કલોલના અંબિકા બસ સ્ટેશન પાસે મુસાફરો બસની રાહ જોઈને ઉભા હતા. એ વખતે વીરમ ગામ ડેપોની મિની બસનાં ડ્રાઈવર કીર્તિસિંહ ચૌહાણે બે પેસેન્જરને ઉતારવા માટે અંબિકા બસ સ્ટેન્ડ પાસે બસને ધીમી ગતિ ધીમી કરી ડાબી સાઈડ ઉભી રાખવાની તૈયારી કરી હતી. તે વખતે અચાનક મિની બસની પાછળથી છત્રાલ તરફથી ખાનગી લક્ઝરી બસના ડ્રાયવરે ડ્રાઇવર સાઇડના ભાગે ટક્કર મારી હતી.

લકઝરીની ફૂલ સ્પીડની ટક્કરથી મિની બસને જોરથી ધક્કો વાગતાં મિની બસ આગળ ધકેલાઈ ગઈ હતી. એ વખતે બસ સ્ટેન્ડની આગળ રેલિંગ પાસે ઉભેલા મુસાફરો મિની બસની અડફેટે આવીને રેલીંગ વચ્ચે દબાઈ ગયા હતા. આ અકસ્માત સર્જીને લકઝરી બસનો ચાલક થોડેક આગળ લક્ઝરી મૂકીને નાસી ગયો હતો.

ત્યારે આંખના પલકારામાં એક સાથે પાંચ મુસાફરો મોતની ચાદરમાં લપેટાઈ ગયા હતા. આ કમકમાટી ભર્યા અકસ્માતના પગલે અંબિકા બસ સ્ટેન્ડ ઈજાગ્રસ્ત મુસાફરોની ચીચીયાંરીઓથી ગુંજી ઉઠતાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં કલોલ ડીવાયએસપી પી ડી મનવર, સીટી પીઆઈ ખેર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

બાદમાં લોખંડની રેલીંગ જોડે એકબીજા સાથે ચોંટી ગયેલી લાશોને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવી હતી. અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ કરૃણ અકસ્માતમાં સાવન સુરેશભાઇ દરજી (રહે . કલોલ), શારદાબેન રોહીતભાઇ જાઝરીયા (રહે.ગોપાલનગરના છાપરા મૂળ રહે. અમદાવાદ), પાર્થ ગુણવંતભાઇ પટેલ(રહે, કલોલ), બળવંતજી કાળાજી ઠાકોર (રહે.પિચર ગામ, તા.કલોલ) તેમજ વિહોલ દિલીપસિંહ મનુજી(રહે. કલોલ) સ્થળ પર મોત થયાનું પોલીસ તપાસમાં પુષ્ટિ થઈ હતી.

જ્યારે મહંમદ સલીમ શેખ, અમરતભાઇ ચૌહાણ, વિક્રમભાઇ પ્રજાપતિ, કલ્પેશભાઇ સેંધાભાઇ પંચાલ, વનિતાબેન સુરેશભાઇ નાયી, અહેમદકુમાર બુધ્ધીલાલ રાણા, હાર્દિક દિપકભાઇ પરમાર, કૃપાબેન બાબુભાઈ પટેલ, મિસબાબાનુ યુસુફભાઈ શેખ સહિતના અન્ય મુસાફરોને ઈજાઓ થવા પામી હતી. જે પૈકી મહંમદ શેખ અને અહેમદકુમાર બુધ્ધીલાલ રાણાને કલોલની હોસ્પિટલથી ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા.

જ્યાંથી ઉક્ત બંને ઈજાગ્રસ્તોને સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તબિયત વધુ લથડતા મહંમદ શેખનું પણ મોત નીપજ્યું છે. આમ ગઈકાલના વિચિત્ર અકસ્માતમાં મોતનો આંકડો છ પહોંચી ગયો છે. આ મામલે કલોલ સિટી પોલીસ દ્વારા મહાદેવ ટ્રાવેલ્સની નાગોરથી અમદાવાદ રૂટની લક્ઝરી બસનાં ડ્રાઈવર છત્રસિંહ સુમેરસિંહ (રહે. રાજીવ ગાંધી કોલોની, જોધપુર, રાજસ્થાન) ની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

أحدث أقدم