PM મોદીએ ગુજરાતને મોટી ભેટ આપી, લગ્નમાં DJને લઈને ગેનીબેન બગડ્યાં, ક્યાં સુધી ગરમી આગ ઓકશે? | Prime Minister Modi gave a gift of 4400 crores to the state, how long will the burning heat continue? Drugs worth 200 crores seized from Rajkot. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Prime Minister Modi Gave A Gift Of 4400 Crores To The State, How Long Will The Burning Heat Continue? Drugs Worth 200 Crores Seized From Rajkot.

30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પીએમએ ગુજરાતને આપી વિકાસકાર્યોની ભેટ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. અમદાવાદના એરપોર્ટ પર મોદી આવી પહોંચતા તેમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં ઓલ ઈન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશનના કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. અહીં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા છે. અહીં કાર્યક્રમ પૂરો કરી નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિરે પહોંચ્યા છે. રૂ.1946 કરોડના ખર્ચે બનેલાં 42,441 આવાસોનું લોકાર્પણ કર્યું હતું. નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, અમે સરકારના આવાસમાં માતા-બહેનનું નામ જોડ્યું, લખપતિ દીદી હિન્દુસ્તાનના દરેક ખૂણામાંથી મને આશીર્વાદ આપે છે. નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓ સાથે સંવાદ શરૂ કર્યો હતો. ભાવનગરના લાભાર્થીને કહ્યું હતું કે, તમે ભાવનગરના ગાંઠિયા ખાતા રહેજો. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સરકાર લાભાર્થીઓ પાસે ખુદ જઈ રહી છે. સરકારે ભેદભાવ સમાપ્ત કર્યો છે. લાભાર્થીઓમાં સરકાર નથી ધર્મ જોતી કે નથી જ્ઞાતિ જોતી. પરંતુ બધાને એકસમાન મળે છે. જ્યાં કોઈ ભેદભાવ નહીં ત્યાં જ સાચો સર્વધર્મ સમભાવ છે. દેશમાં શુદ્ધ હવા મળે તે દિશામાં કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં ગરીબ હોય કે મધ્યમ વર્ગ પણ બધાની જિંદગી સરળ કરી છે. વિકાસની આ ગતિને નિરંતર બનાવી રાખવાની છે.

16 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર
ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આજે ભીષણ ગરમી પડશે. આવતીકાલથી ગરમીમાં થોડી રાહત અનુભવાશે. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા લોકોને કામ વગર બહાર ન નિકળવા સૂચન આપવામાં આવ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે રાહતની વાત એ છે કે આવતીકાલથી ગરમીમાં થોડો ઘટાડો થશે. હવામાન વિભાગના મતે પવનની દિશા બદલવાના કારણે આવતીકાલથી તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. આજે રાજ્યના 16 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો છે. જે અમદાવાદ, કંડલા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, કેશોદ ડીસા, વલ્લભ વિદ્યાનગર અને વડોદરા સૌથી ગરમ રહ્યા છે. આ તમામ શહેરોમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતના મોટાભાગના ભાગોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી અને રાજ્યના ઉત્તરીય પ્રદેશમાં પાટણ ગઈકાલે મહત્તમ તાપમાન 45.4 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ હતું. આ અંગે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, 13 મે પછી લોકોને ગરમીથી થોડી રાહત મળે તેવી શક્યતા છે. સાથે જ ‘મોચા’ વાવાઝોડાના ભણકારા વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના થોડા ભાગોમાં ભારે લૂ પડી શકે છે.

લગ્નમાં DJ મામલે ગેનીબેન ઠાકોરની ટકોર

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સમસ્ત ઠાકોર સમાજને એક ટકોર કરી છે. વાત જાણે એમ છે કે, ગેનીબેન ઠાકોરે કહ્યું છે કે, લગ્નમા DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઇએ. તેમણે કહ્યું કે, સમાજના દીકરા-દીકરીઓ DJ વિના લગ્ન નથી કરતા. આ સાથે ઉમેર્યું કે, DJના કારણે લગ્ન પ્રસંગમાં મતભેદો ઉભા થાય છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે, માતા-પિતાએ દીકરા-દીકરીઓને સમજાવવાની જરૂર છે. બનાસકાંઠા જિલ્લાના ભાભરના ઈન્દરવા ગામમાં એક કાર્યક્રમમા ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે. વિગતો મુજબ વાવના કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સમાજના દિકરા-દીકરીઓને ટકોર કરતાં કહ્યું છે કે, લગ્નમાં DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે. ગેનીબેને ઉમેર્યું હતું કે, સમાજના દિકરા-દીકરીઓ DJનો મોહ રાખી DJ વગર લગ્ન નથી કરતા. તેમણે કહ્યું કે, DJ વગર લગ્ન ન કરતા દિકરા-દિકરીઓને માતા-પિતાએ સમજાવાના હોય. ગેનીબેન ઠાકોરે કહ્યું કે, DJ ના કારણે લગ્ન પ્રસંગમાં મતભેદ ઊભા થાય છે. જેને લઈ હવે DJ વગર લગ્નના ફેરા ફરવાની ના પાડનારાઓને સમજાવવાના હોય. સમાજના દીકરા-દીકરીઓ DJ વિના લગ્ન નથી કરતા તો હવે સમાજે પણ લગ્નમા DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઇએ.

રાજકોટમાંથી ઝડપાયું 200 કરોડનું ડ્રગ્સ
ગુજરાત ATS ને વધારે એક મહત્વપુર્ણ સફળતા મળી છે. રાજ્યમાં સતત વધી રહેલા ડ્રગ્સના વ્યાપને નાથા માટે પોલીસ તંત્ર કથિત રીતે કામકરી રહ્યું છે. જેના અંતર્ગત સમયાંતરે પોલીસ દ્વારા કેટલોક માલ પકડી પણ લેવામાં આવતો હોય છે. રાજકોટમાં એટીએસ દ્વારા દરોડા પાડીને 31 કિલો ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. રાજકોટમાંથી 31 કિલો ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ થઇ છે. આ ડ્રગ્સની બજાર કિંમત આશરે 200 કરોડ રૂપિયા હોવાનો અંદાજ પોલીસ લગાવી રહી છે.હાલ તો રાજકોટ પોલીસ માટે આ શરમજનક સ્થિતિ છે. કારણ કે જ્યારે કોઇ એજન્સી દ્વારા દરોડા પાડીને જુગાર, દારૂ કે ડ્રગ્સ પકડવામાં આવે ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા આ સૌથી મોટી નુકસાનકારક સાબિત થઇ શકે છે. કારણ કે આવી સ્થિતિમાં સ્થાનિક પોલીસની નિષ્ફળતા તરીકે જુએ છે. આવા કિસ્સાઓમાં સ્થાનિક પોલીસ ઇન્સપેક્ટર કે સબ ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે છે. તેવામાં આને કારણે સ્થાનિક પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે.

વડોદરામાં દબાણ શાખાએ બોલાવ્યો સપાટો
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરના પ્રવેશ દ્વાર સમા સેવાસી-ગોત્રી રોડ ઉપરના રસ્તા રેષામાં આવતી કાચી-પાકી દુકાનો તેમજ લારીઓના દબાણો દૂર કર્યા હતા. પોલીસ બંદોબસ્ત સાથે 30 મીટર સુધીના દબાણો દૂર કરવા માટે પહોંચેલી પાલિકાની ટીમ અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ થયું હતું. દુકાનદારની પત્નીએ ભારે હોબાળો મચાવ્યો હતો. વેપારીઓએ પાલિકા દ્વારા કામગીરીમાં વહાલા-દવલાની નિતી અપનાવી હોવાના આક્ષેપ કર્યા હતા.સવારે 8 જેટલા જે.સી.બી., ડમ્પરો સહિતના કાફલા સાથે સેવાસી ગામ ખાતે પહોંચેલી દબાણ શાખાની ટીમ દ્વારા મુખ્ય રસ્તાની બંને બાજુમાં આવેલી કાચી-પાકી 40 જેટલી દુકાનો તેમજ લારીઓ દૂર કરવાની કામગીરી હાથ ધરતા દુકાનદારો અને દુકાનદારોના પરિવારજનોએ કામગીરી કરી રહેલી પાલિકાની ટીમનો વિરોધ કર્યો હતો.જોકે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવા માટે પહોંચેલી પાલિકા દ્વારા દુકાનદારોનો વિરોધ હોવા છતાં, કામગીરી ચાલુ રાખતા દુકાનદારો કામગીરી અટકાવવા માટે ઘર્ષણમાં ઉતરી પડ્યા હતા. પોલીસે દુકાનદારોને સમજાવી દૂર કરવાનો પ્રયાસ કરતા દુકાનદારો પોલીસ સાથે પણ ઘર્ષણમાં ઉતરી પડ્યા હતા. દુકાનદારો પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે ઘર્ષણમાં ઉતરતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

બદલીની રાહ જોતા શિક્ષકો માટે મહત્ત્વના સમાચાર

રાજ્યમાં પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ વિભાગે બદલીના નિયમો જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી અટકી પડેલી શિક્ષકોની બદલી પ્રક્રિયા ફરી શરૂ થશે તેમજ જિલ્લા વિભાજન અન્વયે થતી બદલીઓનો ઠરાવમાં સમાવેશ કરાયો છેશિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે જે અનુસાર જિલ્લા ફેર બદલી તેમજ આંતરિક બદલીનો ઠરાવ જાહેર કરાયો છે. વધ-ઘટ બદલી, જિલ્લા આંતરિક બદલી, જિલ્લા એક તરફી બદલીનો ઠરાવમાં સમાવેશ કરાયો છે. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય તે પહેલા જ બદલી કેમ્પ પૂર્ણ કરવાનું આયોજન અને શાળાઓ બંધ અથવા મર્જ થતા સમયે થતી બદલીનો પણ ઠરાવમાં ઉલ્લેખ કરાયો છે.નિયમોના પરિપત્ર અંગે દિગ્વિજયસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું કે, લાંબા સમયથી અટકી પડેલી શિક્ષકોના બદલી પ્રક્રિયા ફરી શરૂ થશે તેમજ ગઈકાલે શિક્ષણમંત્રીએ નિયમોને લઈ મંજૂરી આપી હતી તેમણે વધુમાં ઉમેર્યું કે, નવા સત્ર સુધી તમામ શિક્ષકોને લાભ મળશે તેમજ 40 હજાર શિક્ષકોને સીધો લાભ થશે.અત્રે ઉલ્લેખીય છે કે, ગત એપ્રિલ 2022ના રોજ થયેલા સુધારા ઠરાવ સામે વાંધો પડતાં શિક્ષકો કોર્ટમાં પહોંચ્યા હતા. હાઈકોર્ટમાં 250થી વધુ પિટિશન હાઈકોર્ટમાં કરાઈ હતી. હાઈકોર્ટમાં મામલો પહોંચતાં બદલી કેમ્પ મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. બીજી તરફ નવા શિક્ષકોની ભરતીની પ્રક્રિયા પણ બદલી કેમ્પુ મોકુફ રહેતા અટકી પડી હતી. જો કે, હવે શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યો છે.

أحدث أقدم