અમરેલી અને રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો, સાવરકુંડલામાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી પાણી | Reversal in Amreli and Rajkot district weather, Savarkundla with heavy winds, heavy rain, watery roads | Times Of Ahmedabad

અમરેલી7 કલાક પહેલા

  • કૉપી લિંક

સામાન્ય રીતે વૈશાખ મહિનામાં આકરો તપ પડતો હોય છે અને કેરળમાં ચોમાસું બેસવાની આગાહીઓ પણ થતી હોય છે. પરંતુ, આ વર્ષે ગુજરાતમાં માવઠાની સ્થિતિ એવી છે કે, ભરઉનાળે પણ વરસાદ વરસી રહ્યો છે. આજે પણ રાજકોટના જસદણ અને અમરેલીના સાવરકુંડલાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સાવરકુંડલામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.

સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લામાં આ વર્ષે ઉનાળામાં લોકોએ ઉનાળા કરતા ચોમાસાનો વધુ અનુભવ કર્યો હોય તેવી સ્થિતિ છે. ગુજરાતમાં જ્યારે પણ માવઠાની આગાહી કરવામાં આવી ત્યારે ક્યારેક જ અમરેલી જિલ્લામાં માવઠું નહીં થયું હોય. આજે પણ અમરેલીના સાવરકુંડલા પંથકમાં બપોર સુધી 42 ડિગ્રી ગરમી હતી. પરંતુ, બપોર બાદ વાતાવરણમા અચાનક પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. વરસાદમાં ધરતીપુત્રોની સાથે કફોડી હાલત ઠંડાપીણાના વેપારીઓની પણ જોવા મળી હતી.

આજે આ ગામમાં વરસાદ વરસ્યો
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વીજપડી, મોદા, મઢડા, જુના સાવર, ઘાડલા સહિત ગામડામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજુલાના વાવેરા, દીપડા સહિત કેટલાક ગામડાઓમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાના કારણે લોકોને આકરી ગરમીમાં ઠંડકનો અનુભવ તો થયો હતો. પણ સાથે ઉનાળું વાવેતર કરનારા ધરતીપુત્રોની ચિંતા પણ વધી હતી.

રાજકોટના જસદણમાં ડબલ ઋતુનો અનુભવ
રાજકોટ શહેર અને જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આજે રાજકોટ જિલ્લાના જસદણમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જસદણ શહેરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે ગરમી બાદ વરસાદી માહોલ જોવા મળતા લોકોએ ડબલ ઋતુનો અનુભવ કર્યો હતો. જોકે 42 ડીગ્રી તાપમાન વચ્ચે વાદળછાયું વાતાવરણ તેમજ વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. હાલ તલી પાક લેવાની તૈયારી સમયે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ભારે ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે શહેરમાં વરસાદ પડતાં લોકોએ ભારે ગરમીમાંથી રાહત મેળવી હતી. તો બાળકોએ વરસાદની મોજ માણી હતી.

أحدث أقدم