વીજશોક લાગતા યુવાનનું મૃત્યુ; ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી યુવાન પાસે પૈસાની માગણી; RSPL કંપનીમાં હલકી ગુણવત્તાવાળો કોલસો ધાબડ્યો | Death of electrocuted youth; Demanding money from the youth by giving the identity of the crime branch officer; Inferior quality coal attacked in RSPL company | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Death Of Electrocuted Youth; Demanding Money From The Youth By Giving The Identity Of The Crime Branch Officer; Inferior Quality Coal Attacked In RSPL Company

દ્વારકા ખંભાળિયા8 કલાક પહેલા

  • કૉપી લિંક

વીજશોક લાગતા વિરમદળના યુવાનનું કરુણ મૃત્યુ…
ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામે રહેતા અરજણ વેજાણંદભાઈ પિંડારિયા નામનો યુવાન શનિવારે કુદરતી હાજતે ગયો હતો. ત્યારે તેઓ અકસ્માતે એક વીજપોલને અડકી જતા તેમને જોરદાર વિજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર ધર્મેશ અરજણભાઈ પિંડારિયાએ અહીંની પોલીસને કરી છે.

સગીરાના અપહરણ સબબ દરેડના શખ્સ સામે ગુનો…
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા એક પરિવારની 17 વર્ષ 11 માસની વયની સગીર પુત્રીને જામનગર તાલુકાના દરેડ વિસ્તારમાં રહેતો નવઘણ ભુરા સારોલીયા નામનો શખ્સ થોડા દિવસ પૂર્વે લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપીને બદકામ કરવાના ઈરાદાથી અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના માતા દ્વારા વાડીનાર મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે નવઘણ ભુરા સામે આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના સી.પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ચોક્કસ મોબાઈલ નંબર ધરાવતા ત્રણ શખ્સો સામે ગુનો…
દેવભૂમિ દ્વારકાના મીઠાપુર નજીક આવેલા રાજપરા ગામે રહેતા હનીફ હાજીભાઈ કાટીયા બામના 32 વર્ષના યુવાનને ******6692 નંબર ધરાવતા શખ્સે કોઈ બાબતે ફોન ઉપર વિશ્વાસમાં લઈ અને અન્ય એક મોબાઈલ નંબર ******5858 ઉપર રૂ. 55,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા.
આ પછી આ શખ્સ દ્વારા ફરિયાદી હનીફના ખાતામાં પૈસા જમા નહીં કરી, વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, આ પ્રકરણમાં ત્રીજા એક મોબાઈલ નંબર ******7496 ધરાવતા શખ્સે ફરિયાદી હનીફ પાસેથી બળજબરીપૂર્વક પૈસા કઢાવવા માટે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપી અને તેમની પાસેથી વધુ પૈસાની માંગણી કરવામાં આવી હતી. આમ, કથિત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપનાર ******7496 નંબર ધરાવતા શખ્સે હનીફને જેલ ભેગા કરી દેવાની ધમકી પણ ઉચ્ચારી હોવા અંગેની ધોરણસર ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે જુદા-જુદા ત્રણ મોબાઈલ નંબરધારક સામે આઈ.પી.સી. કલમ 406, 420, 384, 507, 114 તથા આઈ.ટી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણની આગળની તપાસ સાયબર સેલના પી.આઈ. એ.એમ. પટેલ ચલાવી રહ્યા છે.

છરીની અણીએ અડપલા કરતા શખ્સ સામે ગુનો…
દ્વારકા પંથકમાં રહેતા એક શખ્સ દ્વારા આશરે સવા ચૌદ વર્ષની એક તરુણી સાથે અભદ્ર વર્તન કરતા આ પ્રકરણ અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

દ્વારકામાં રહેતા એક મહિલા દ્વારા સ્થાનિક પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકા તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા પ્રકાશ નવઘણભાઈ રોશિયા નામના શખ્સ દ્વારા છેલ્લા આશરે સાતેક મહિનાથી અવારનવાર આ વિસ્તારમાં રહેતી એક પરિવારની 14 વર્ષ 4 માસની તરુણ પુત્રીનો પીછો કરી અને તેણીને પોતાના રૂમ પર બોલાવી હતી. આ બાળાના ગળા ઉપર જીવલેણ છરી મૂકી અને તેણીને તથા તેણીના ભાઈને મારી નાખવાની ધમકી આપી આ તરુણી સાથે શારીરિક અડપલાં કર્યા હતા.

આ પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસે આરોપી પ્રકાશ નવઘણ રોશિયા સામે આઈ.પી.સી. કલમ 354, 506 (2) તથા પોક્સો એક્ટ વગેરે મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એ.એલ. બારસિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

ભાણવડનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો…
ભાણવડના ટીંબા સીમ વિસ્તારમાં રહેતા પ્રવીણ ઉર્ફે કાર્યો મેરામણ રાવલીયા નામના 28 વર્ષના શખ્સને પોલીસે ફતેપુર સીમ વિસ્તારમાંથી રૂપિયા 2,000ની કિંમતને વિદેશી દારૂની પાંચ બાટલી સાથે ઝડપી લઈ, તેની સામે ગુનો નોંધ્યો હતો.

કંપની કર્મચારી તથા ટ્રક ચાલકો સામે વિશ્વાસઘાતની ફરિયાદ…
દેવભૂમિ દ્વારકામાં આવેલી વિશાળકાય આરએસપીએલ (ઘડી) કંપનીમાં રશિયન કોલસાના બદલે હલકી ગુણવત્તાવાળો કોલસો ઉતારીને કંપની સાથે વિશ્વાસઘાત કરવા સબબ કંપનીના એક કર્મચારી તથા જુદા જુદા બે ટ્રકના ચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા નજીક આવેલી આર.એસ.પી.એલ. કંપનીમાં ફરજ બજાવતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા પ્રશાંતકુમાર નર્વદાપ્રસાદ શુક્લા (ઉ.વ. 39) કંપનીમાં ટ્રીપ્લર સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા વાછીયા ઉર્ફે વિજય મંગાભાઈ જીવાભાઈ રૂડાચ તેમજ જી.જે. 03 એ.ટી. 0713 નંબરના ટ્રક ચાલક કમલેશ ચૌહાણ અને જી.જે. 11 વાય. 6660 નંબરના ટ્રક ચાલક રાણા કે. કટારા તેમજ સંભવિત રીતે સંડોવાયેલા મનાતા અન્ય શખ્સો સામે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

કુરંગા સ્થિત આરએસપીએલ કંપનીના લોજિસ્ટિક મેનેજર પ્રશાંતકુમાર શુક્લા દ્વારા પોલીસમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ આર.એસ.પી.એલ. કંપની દ્વારા 10,000 મેટ્રિક ટન કોલસો સપ્લાય કરવા માટે આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં જુદા-જુદા ત્રણ કોન્ટ્રાક્ટરોને કંપનીમાં કંડલા પોર્ટથી આર.એસ.પી.એલ. કંપનીમાં રશિયન કોલસાના ફેરા કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. જે પૈકી જુદા જુદા સમયગાળામાં કંપનીમાં કુલ 27 ટ્રક ગાંધીધામથી રશિયન કોલસો મોકલવામાં આવ્યો હતો. સીલબંધ રીતે મોકલવામાં આવેલા સીલ તુટેલા હોવાનું કંપનીઓના ધ્યાન આવ્યું હતું. 27 પૈકી 25 ટ્રકો કંપનીના યાર્ડમાં કોલસો ખાલી કરીને જતા રહ્યા હતા. ત્યારબાદ કંપની દ્વારા શંકા જતા કરવામાં આવેલા લેબ ટેસ્ટમાં આ કોલસો નબળી ગુણવત્તાવાળો અને ભેળસેળવાળો હોવાનું ખુલવા પામ્યું હતું.

આ ભેળસેળથી કંપનીને આશરે રૂપિયા દોઢ કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાનો રિપોર્ટ કંપનીમાં કરાયો હતો. આ પ્રકરણમાં કંપનીના ટ્રીપલર સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા વાછીયા ઉર્ફે વિજય મંગાભાઈ જીવાભાઈ રૂડાચ દ્વારા ટ્રક ડ્રાઇવર અથવા તો ટ્રકના માલિકો સાથે સંકળાયેલા ઈસમો સાથે મિલાપીપણું કરી, કોલસામાં અગાઉથી આયોજનપૂર્વક મિક્સિંગ કરી, અંદાજિત 10 થી 12 ટ્રકોમાંથી સારી ક્વોલિટીના કોલસાના જથ્થામાં ભેળસેળ કરી, વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું.

આ કંપનીના સોફ્ટવેરમાં જોતા જી.જે. 03 એ.ટી. 0713 ના ચાલક કમલેશ ચૌહાણ અને જી.જે. 11 વાય 6660 ના ચાલક રાણા કે. કટારા દ્વારા ટ્રાન્સપોર્ટરના ટ્રકોના કોલસામાં મિક્સિંગ થયું હોવાનું પણ ખુલવા પામ્યું હતું. આના અનુસંધાને કંપની સત્તાવાળાઓ દ્વારા ટ્રાન્સપોર્ટરનું પેમેન્ટ હોલ્ડમાં મૂકી દેવામાં આવ્યું હતું. આમ, કંપની કર્મચારી તથા બે ટ્રકના ચાલકો દ્વારા મીલાપીપણું રચી અને ગુનાહિત કાવતરું રચવા સબબ દ્વારકા પોલીસે ઉપરોક્ત ત્રણેય શખ્સો તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા અન્ય શખ્સો સામે પણ આઈ.પી.સી. કલમ 406, 407, 409, 420 તથા 120 (બી) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ એલ.સી.બી. વિભાગના પી.એસ.આઈ. એસ.વી. ગળચર દ્વારા હાથ ધરવામાં આવી છે.

أحدث أقدم