RTE - રાજ્યમાં આ વર્ષે 9560 વિદ્યાર્થીઓ ઓછા | RTE - 9560 less students this year in the state | Times Of Ahmedabad

ભાવનગર9 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 13 મે સુધીમાં પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે
  • પ્રથમ રાઉન્ડના અંતે રાજ્યમાં 28,423 જગ્યા ખાલી

રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રથમ રાઉન્ડની જાહેરાત એક દિવસ મોડી કરવામાં આવી છે. ગુજરાતમાં આ વર્ષે નબળા અને તકવંચિત સમુદાયના બાળકો માટે ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.1માં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે જેમાં આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ગઇ કાલ તા.3 મેના રોજ પ્રથમ રાઉન્ડ જાહેર થવાનો હતો અને એક દિવસ મોડી આજે જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત રાજ્યમાં કુલ 54,903 બાળકોને આ વર્ષે RTE હેઠળ એડમિશન અપાયું છે.

ગત વર્ષે પ્રથમ રાઉન્ડમાં રાજ્યમાં કુલ 64,463 બાળકોને પ્રવેશ અપાયો હતો. આ વર્ષે બાળકની વય 6 વર્ષ પૂર્ણ હોય તો જ પ્રવેશ માટે લાયક ગણાશે તે નિયમને લીધે પ્રવેશની સંખ્યામાં 9560નો જબ્બર ઘટાડો નોંધાયો છે. જે તે શાળા દ્વારા પ્રથમ રાઉન્ડ જાહેર થયા બાદ 13 મે ને શનિવાર સુધીમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓએ પ્રવેશની નિયત તમામ કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે. આ વર્ષે શાળાઓમાં કુલ 83,326 બેઠક ઉપલબ્ધ છે અને તે પૈકી પ્રથમ રાઉન્ડમાં 54,903 બાળકોને પ્રવેશ મળતા હજી 28,423 બેઠકો ખાલી રહી ગઇ છે.

પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે તેવા બાળકોના વાલીઓને એસએમએસથી જાણ કરાશે. વાલીઓએ એપ્લિકેશન નંબર અને બાળકની જન્મ તારીખ દ્વારા rte.orpgujarat.com વેબસાઇટ ઉપરથી એડમીડ કાર્ડ મેળવીને જરૂરી આધારો સાથે શાળામાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. સમગ્ર ગુજરાતમાં જેને આરટીઇના પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળ્યુ઼ છે તેઓને 13 મે સુધીમાં શાળામાં એડમિશન માટે પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. વિદ્યાર્થીઓને શાળામાં આ રીતે પ્રવેશ લીધો હોય પણ શાળાએ એડમીટ બટન ક્લિક કરીને પ્રવેશ નિયત કરવાની કાર્યવાહી નહી કરી હોય તો તે જગ્યા ખાલી છે.

તેમ સમજીને પછીના રાઉન્ડમાં એ જ જગ્યા માટે અન્ય વિદ્યાર્થીને પ્રવેશ ફાળવવામાં આવશે. એટલે એક સીટ ઉપર બે વિદ્યાર્થીઓને પ્રવેશ થશે. આવી સ્થિતિ ન થાય તે માટે શાળાએ કાળજી લેવા તાકીદ કરાઇ છે. અન્યથા આ બાબતે જે તે શાળાની જવાબદારી રહેશે. જિલ્લામાં પ્રવેશ ફાળવેલો હોય તે વિદ્યાર્થીઓ સમયમર્યાદામાં પ્રવેશ મેળવી લે તે માટે જિલ્લા લોગ ઇનમાંથી પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની માહિતી મેળવીને જરુર જણાયે તો તાત્કાલિક ફોન દ્વારા સંપર્ક કરીને પ્રવેશ મેળવી લેવા જણાવવાનું રહેશે. હેલ્પલાઇનના નંબરની વિગત એડમિટ કાર્ડમાં મુકવામાં આવી છે.

ભાવનગરમાં 3574 છાત્રો ઘટ્યા
ભાવનગર શહેર અને જિલ્લામાં ગત વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત કુલ 5165 બાળકોને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવાયો હતો તે સંખ્યા આ વર્ષે ઘટીને માત્ર 1591 થઇ જતા આ વર્ષે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવનારાની સંખ્યામાં 3474નો ઘટાડો થયો છે. આ વર્ષે ભાવનગર શહેરમાં પ્રથમ રાઉન્ડમાં 993 અને ગ્રામ્યની શાળાઓમાં કુલ 598 બાળકોને પ્રવેશની ફાળવણી કરવામાં આવી છે.

સંખ્યા ઘટવાના મુખ્ય કારણ
ધોરણ 1માં નિયમ મુજબ પ્રવેશ મેળવવા માટે આ વર્ષે 6 વર્ષ પૂરા કરનાર બાળકને જ ધોરણ-1માં પ્રવેશ આપવાનો હોવાથી આરટીઈના ફોર્મ ભરનારની સંખ્યા પણ ઘટી છે. આ વખતે વાલીઓએ પાન કાર્ડની વિગતો આપવાની સાથે આઇટી રિટર્ન ના ભરતા હોય તો સેલ્ફ ડીકલેરેશન પણ જરુરી બનાવાયું હતુ.

أحدث أقدم