STનાં તોતિંગ ટાયરે 5 લોકોને ચગદી નાખ્યા, ગરમી હવે ગાભા કાઢશે, અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં અફરાતફરી | STA crushed 5 passengers in Kalol, Prime Minister Modi will come to Gujarat, the temperature in the state will exceed 45 degrees | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • STA Crushed 5 Passengers In Kalol, Prime Minister Modi Will Come To Gujarat, The Temperature In The State Will Exceed 45 Degrees

34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસીય મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 મી મે 2023 ના રોજ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) ના લાભાર્થીઓ માટે રૂ.1946 કરોડના ખર્ચે આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરાવશે. મહાત્મા મંદિર ખાતે બપોરે 12.00 વાગે યોજાનાર આ ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ અને ગ્રામીણ આવાસ મંત્રી રાઘવજી પટેલ સહિત અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહુર્ત અને 18,997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવશે, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 232 તાલુકાઓના 3740 ગામોમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ રૂ.1946 કરોડના ખર્ચે 42,441 આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરવામાં આવશે.કાર્યક્રમમાં શહેરી અને ગ્રામીણ યોજનાના સાત લાભાર્થીઓને તેમના ઘરની ચાવીનું વિતરણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો લિંક દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ કરશે અને ત્યારબાદ કાર્યક્રમને અનુરૂપ સંબોધન કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) પર એક ટુંકી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવશે.પ્રધાનમંત્રી મોદી બપોરે 3 વાગે ગિફ્ટ સિટી જશે.ગિફ્ટ સીટીમાં વિવિધ કંપનીના CEO તથા વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે કરશે બેઠક.PM 5 વાગે ગિફ્ટ સિટીથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.અમદાવાદ એરપોર્ટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થશે.

રાજ્યમાં પડશે કાળઝાળ ગરમી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ સમગ્ર રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી, રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. આગામી દિવસમાં તાપમાનમાં ઘટાડો નહીં થાય પણ 1થી 2 ડિગ્રી વધી શકે છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી ગરમ પવન આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છુટાછવાયા વિસ્તારોમાં આજે હિટવેવની આગાહી છે. સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાન 42થી 43 ડિગ્રી રહેશે. તેમણે જણાવ્યું છે કે, આગામી 4-5 દિવસ રાજ્યના તમામ વિસ્તારમાં ગરમીનો પારો આજ મુજબ રહેશે. આજે અમદાવાદમાં 43થી 44 ડિગ્રી તાપમાન રહેશે. સામાન્ય કરતા 4થી 5 ડિગ્રીનો તફાવત હોય તો હિટવેવની ચેતવણી અપાય છે. જ્યારે ગરમીનું પ્રમાણ 43થી 45 ડિગ્રીની વચ્ચે થાય ત્યારે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છેગુજરાતભરમાં હવે ઉનાળાની કાળઝાળ ગરમી લોકોને દઝાડી રહી છે. અત્યાર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ સાઇક્લોનિક સર્ક્યુલેશનના કારણે ક્યારેક કમોસમી વરસાદ પડતો તો આંશિક વાદળછાયા વાતાવરણના કારણે ગરમીની તીવ્રતાની અસર ઓછી રહેતી હતી, પરંતુ હવે આ પ્રકારનું વિષમ હવામાન દૂર થતાં સૂર્યનારાયણ સવારથી જ આકાશમાંથી અગનગોળા ઝીંકી રહ્યા છે. પરિણામે ગરમીના આધારે વિવિધ પ્રકારના એલર્ટ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા જાહેર કરાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં 3 દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે.

કલોલમાં પાંચ મુસાફરો ટાયર નીચે કચડાયા

આજે સવારમાં કલોલ અંબિકા બસ સ્ટેન્ડ નજીક અકસ્માત થયો હતો, જેમાં પૂરપાટ ઝડપે આવતી એક લક્ઝરી બસ ST બસ પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. બસની રાહ જોઈને ઊભેલા મુસાફરોને ST બસે કચડી નાખ્યા હતા. બસના તોતિંગ ટાયર મુસાફરો પર ફળી વળતાં 5 મુસાફરનાં મોત થયાં હતાં, જ્યારે 9 મુસાફરને ઈજા પહોંચી હતી. આ અંગે કલોલ ધારાસભ્ય બકાજી ઠાકોરે જણાવ્યું હતું કે અકસ્માતની જાણ થતાં જ કલોલ હોસ્પિટલ આવ્યો છું. આ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયાં છે, જ્યારે 9 લોકોને નાનીમોટી ઈજાઓ થઈ છે.આ અકસ્માતની ઘટનાને પગલે સ્થળ પર લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં.કલોલ અંબિકા બસ સ્ટેન્ડ પર મુસાફરો પોતાના કામ-ધંધા અર્થે વાહનની રાહ જોઈને ઊભા હતા. એ વખતે એક વાદળી કલરની એસટી બસ રોડ પર ઊભી હતી, જેની આગળ મુસાફરો બસની વાહનની રાહ જોઈને ઊભા રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવતી એક લકઝરી ગાડીના ચાલકે પૂરપાટ ઝડપે અને ગલતભરી રીતે હંકારીને વાદળી કલરની એસટી બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બસ એકદમ આગળ ધકેલાઈ ગઈ હતી. એ જ ઘડીએ ત્યાં ઊભેલા મુસાફરો ST બસની હડફેટે આવી ગયા હતા. આ વિચિત્ર અકસ્માતમાં ચાર મહિલા સહિત પાંચ મુસાફરનાં સ્થળ પર કરુણ મોત નીપજ્યાં છે.

પાણી મુદ્દે પરેશાન મહિલાઓનો સુરેન્દ્રનગર -લીંબડી હાઈવે પર ચક્કાજામ

લાંબા સમયથી પાણી માટે પરેશાન અંકેવાળીયા ગામ અને તેની આસપાસના ગામોની મહિલાઓએ નારાજગી દર્શાવી હતી. જોકે નારાજગી દર્શાવતી આ મહિલાઓએ તંત્ર અને ટ્રાફિકમાં ફસાયેલા લોકોના પરસેવા છોડાવી દીધા હતા. મહિલાઓએ અહીં એવો હંગામો કર્યો હતો કે ન પુછો વાત. મહિલાઓએ આજે બુધવારે સુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો.સુરેન્દ્રનગર અને લીંબડીનો હાઈવે કેટલીક મહિલાઓ અને ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. બુધવારે અંકેવાળીયા ગામ પાસે મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. પાણીના મુદ્દે લાંબા સમયથી પરેશાન મહિલાઓ આખરે ગુસ્સે ભરાઈ હતી. તંત્ર દ્વારા અંકેવાળીયા ગામ અને તે સહિતના આસપાસના ગામોાં પુરતું પાણી પુરુ પાડવામાં આવતું ન હોવાના આક્ષેપો સાથે મહિલાઓ અને રહીશો દ્વારા હાઈવે પર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. મહિલાઓએ આ ચક્કાજામ સાથે પાણી પુરુ પાડવાની માગ કરી હતી. તેમણે સરકાર અને તંત્ર સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી.

વિકાસ એસ્ટેટમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ
અમદાવાદમાં આજે ભરબપોરે ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. બાપુનગર ખાતે આવેલા ફટાકડાબજારમાં એક ફટાકડાની ફેક્ટરીમાં અગનજ્વાળા ભભૂકી હતી. એને પગલે અફરાતફરી મચી ગઈ હતી. આ આગને પગલે 11 જેટલા લોકો ઘાયલ થયા હતા.ભીષણ આગને પગલે એકસાથે 25 દુકાન સળગી ગઈ હતી અને સમગ્ર આકાશ આગના ધુમાડાથી ઢંકાઈ ગયું હતું અને દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઊડી રહ્યા હતા. આગ એટલી ગંભીર હતી કે એને બુઝાવવા માટે અમદાવાદની ફાયરબ્રિગેડની તમામ ગાડીઓ ત્યાં પહોંચી ગઈ હતી.હાલ 70% આગ કાબુમાં આવી ગઈ છે. જ્યારે 30% જેટલી આગ બુઝાવવાની ટકા બાકી છે. હાલ સેક્ટર-1 JCP નીરજ બડગુર્જર અને DCP સુશીલ અગ્રવાલ ઘટના સ્થળે પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગની ઘટનાને પગલે સ્થાનિક લોકોને દૂર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના બાપુનગર ખાતે અનિલ સ્ટાર્ચ મિલ રોડ ઉપર આવેલા સંજયનગરના છાપરાની સામે આવેલા વિકાસ એસ્ટેટના ફટાકડાબજારમાં આગ લાગી હતી, જેથી અમદાવાદની ફાયરબ્રિગેડની તમામ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન ફટાકડાની ફેક્ટરીમાં ધડાકાભેર ફટાકડા ફૂટતાં આસપાસના રહીશોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો.

હાટકેશ્વર બ્રિજ કેસમાં આરોપીઓના આગોતરા જામીન ફગાવ્યા
અમદાવાદમાં નબળી કક્ષાનો હાટકેશ્વર બ્રિજ બાંધનાર અને તેની કામગીરીમાં સામેલ 9 વ્યક્તિઓ વિરુદ્ધ AMCએ ખોખરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે નવ આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 406, 420, 409 અને 120(B) અંતર્ગત ફરિયાદ નોંધી હતી. ત્યારે આ આરોપીઓ પૈકી અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ચાર ડિરેક્ટરો રમેશ પટેલ, રસિક પટેલ, ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલ દ્વારા અમદાવાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જે સેશન્સ કોર્ટે ફગાવી હતી. જે બાદ આરોપીઓ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેને આજે હાઇકોર્ટે ફગાવી દીધી છે. હવે આરોપીઓ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવશે? નહીં તો ધરપકડ કરવામાં આવશે.આરોપીઓના વકીલ તરફથી આગોતરા જામીન મંજૂર કરવા કોર્ટમાં કરી રજૂઆત કરાઈ હતી. પોતાની સામે ખોટી રીતે કેસ થયો હોવાની રજૂઆત કરાઈ હતી. જો કે, AMCએ આરોપીઓની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. AMCએ કહ્યું હતું કે, નબળા બાંધકામ અંગે અલગ-અલગ એજન્સીના રિપોર્ટ ઉપલબ્ધ છે. 40 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટમાં નબળા બાંધકામના કારણે પ્રજાને હાલાકી ભોગવવી પડી હોવાની પણ રજૂઆત કરાઈ હતી. જેની સુનાવણી પૂર્ણ થયા બાદ હાઈકોર્ટે આરોપીઓને આગોતરા જામીન આપવા ઇન્કાર કર્યો હતો.

أحدث أقدم