ગાંધીનગર32 મિનિટ પહેલા
- કૉપી લિંક

- સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને મ્યુનિ. કમિશનરને સૂચન કર્યું
ગાંધીનગર કોર્પોરેશનના અનામત પ્લોટ તથા અન્ય જગ્યાએ હાલમાં કરવામાં આવલી કમ્પાઉન્ડ વોલની જગ્યાએ શક્ય હોય તો પ્રિ-કાસ્ટ આરસીસી પાટીયાની વોલ બનાવવા સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેને સૂચન કર્યું છે. આ મુદ્દે ચેરમેન જશવંત પટેલે મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલાને પત્ર પણ લખ્યો છે.
જેમાં રજૂઆત કરાઈ છે કે મનપાના અનામત પ્લોટ અને કોર્પોરેટર્સ દ્વારા સેક્ટર વિસ્તારમાં કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે ભલામણ કરવામાં આવે છે. આ જગ્યાઓમાં હાલ પાઈલીંગ, ગ્રાઉન્ડ બીમ, ચણતર, કોપીંગ, કલર અને પ્લાસ્ટર જેવી આઈટમો સાથેની વોલ તૈયાર થાય છે. જેમાં પ્રતિ ચોરસમીટર 3 હજાર જેટલો ખર્ચ થાય છે. જેમાં કામગીરીમાં સમય લાગવાની સાથે યોગ્ય ધ્યાન ન અપાય તો ગુણવત્તા જળવાતી નથી. જેની સામે 2 ઈંચની પ્રિ કાસ્ટ વોલ તૈયાર થાય તો આસીસી કોલમ, આરસીસી પાટીયા બંને તરફ પ્લાસ્ટર, કલર સાથે પ્રતિ ચોરસમીટર 1 હજારમાં તૈયાર થાય તેમ છે.
એટલે હાલની કમ્પાઉન્ડ વોલની સામે અંદાજે 67 ટકા જેટલો ફાયદો થાય તેમ છે. પ્રિ-કાસ્ટ કોલમ, પ્રિ-કાસ્ટ પાટીયાનું ઉત્પાદન ફેક્ટરીમાં થતું હોવાથી તેની ગુણવત્તાને જરૂરિયાત મુજબ જાળવી શકાય છે. હાલની પદ્ધતિથી બનતી વોલની સામે પ્રિ-કાસ્ટ વોલની કામગીરી ઝડપી થઈ જાય છે. કોર્પોરેશનના ટીપી વિસ્તારોમાં આવેલા નાના-મોટા પ્લોટને ઝડપથી અને ઓછા ખર્ચમાં સુરક્ષિત કરવા માટે પ્રિ-કાસ્ટ વોલનો વિચાર જરૂરી હોવાનું ચેરમેને સૂચન કર્યું છે.