પંચમહાલ (ગોધરા)7 કલાક પહેલા
- કૉપી લિંક
પોલીસ પ્રજાનો મિત્ર…
વેજલપુર ખાતે તલાટીની પરીક્ષા માટે આવેલી એક મહિલા પરીક્ષા કેન્દ્ર અન્ય જગ્યાએ હોવાના કારણે અટવાઈ હતી. જેથી વેજલપુર પોલીસે સમયસર કેન્દ્ર પર પહોંચાડી માનવીય અભિગમ પૂરો કર્યો હતો.
આજરોજ વેજલપુર પોલીસ સ્ટેશન PSI આર.આર. ગોહિલનાઓ પરીક્ષા બંદોબસ્તમાં હાજર હતા. ત્યારે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાની છેલ્લી 10 મિનિટ પહેલાં કે.કે. હાઈસ્કૂલ વેજલપુર ખાતે બંદોબસ્તમાં રહેલ ASI ધર્મેન્દ્રસિંહ સોમસિંહ તથા વુમન હેડ કોન્સ્ટેબલ મેનકાબેનનાઓએ જણાવેલું કે, એક મહિલા પરીક્ષાર્થી સંજોગોવશાત અત્રે પરીક્ષા કેન્દ્ર ઉપર લેટ આવેલી. પરંતુ તેનું કેન્દ્ર એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલ વેજલપુર ખાતે હતું અને તેની પાસે કોઈ વાહનની સગવડતા ન હતી.
જેથી તરત જ વેજલપુર પોલીસ સ્ટેશન પોલીસ મોબાઇલ વાન તરત જ મોકલી આપેલી. અને પરીક્ષાર્થીને સત્વરે સમયમર્યાદામાં એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલ વેજલપુર ખાતે પહોંચાડી દેતા મહિલા પરીક્ષાર્થી દ્વારા પંચમહાલ જિલ્લા પોલીસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમ, પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા માનવીય અભિગમ રાખી “પોલીસ પ્રજાનો મિત્ર” છે તે સૂત્રને સાર્થક કરી બતાવ્યું હતું.
પરીક્ષા સંપન્ન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો…
પંચમહાલ જિલ્લામાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં આવેલા 42 પરીક્ષા કેન્દ્રો પર તલાટી કમ મંત્રીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાની તેલંગ હાઇસ્કુલ ખાતે આવેલા સ્ટ્રોંગરૂમ ખાતેથી જિલ્લા કલેક્ટર આશિષકુમારની ઉપસ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રશ્નપત્રો સહિતનું સાહિત્ય રવાના કરવામાં આવ્યું હતું. સાથે જ તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ દ્વારા પરીક્ષાર્થીઓની સંપૂર્ણ ચેકીંગ કર્યા બાદ જ તેઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. CCTV કેમેરાના નિરીક્ષણ સાથે તલાટીની પરીક્ષા યોજાઇ હતી.
પંચમહાલ જિલ્લામાં આવેલા 42 પરીક્ષાકેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં નોંધાયેલા 14,560 પરીક્ષાર્થીઓ પૈકી 8503 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતા. એટલે કે 58 ટકા પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા સંપન્ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.ગરમીના કારણે તલાટી કમમંત્રીની પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થીઓના નિરુત્સાહ જોવા મળ્યો હોવાનું સામે આવ્યું છે.
આજે લેવાયેલી તલાટી કમ મંત્રીની પરીક્ષામા ગોધરા એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાના સ્થળે પહોંચાડવા માટે ગોધરા એસટી નિગમ વિભાગીય નિયામક બી.આર. ડિંડોર દ્વારા અલગ અલગ ડેપો ખાતે લગભગ ત્રણ જિલ્લાઓમાં 100 જેટલી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું. જે પૈકી તમામ ડેપોમાં 70થી 80 બસો વિદ્યાર્થીઓને ભરીને જે તે સ્થળે લઈ જવામા આવ્યા હતા. આમ પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે ગોધરા એસટી નિગમ દ્વારા પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી હતી. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે દરેક ડેપો ખાતે સુચારુ આયોજન કરાયું હતું.