વડોદરા20 મિનિટ પહેલા
- કૉપી લિંક
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ભવાની સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન ગુજારતા વૃદ્ધ દંપતિ વહેલી સવારે મકાન બંધ કરી ગંભીરા બ્રિજ પાસે આવેલ વોટરપાર્કમાં ગયું હતુ. આ દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી સોના-ચાંદીના ઘરેણા, રોકડ રકમ તેમજ અમેરિકન અને કેનેડિયન ડોલર અને કિંમતી કાંડા ઘડિયાળની ચોરી કરીને ફરાર થઈ જતા વૃદ્ધ દંપતિએ કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
તાળું તૂટેલું જોઈ દંપતિ ચોક્યુ
મળેલી માહિતી મુજબ શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ભવાની સોસાયટીમાં રહેતા 68 વર્ષીય શ્રીરામ પારેખ અને તેમના પત્ની મકાનને તાળું મારી ગંભીરા બ્રિજ પાસે આવેલ વોટરપાર્કમાં ગયા હતા. અને બીજા દિવસે ત્યાંથી બપોરના સમયે પરત ફર્યા હતા. ઘરે આવીને જોતા મકાનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું. તાળું તુટેલુ જોઇ પતિ અને પત્ની ચોકી ઉઠ્યા હતા. ઘરમાં જઈ તપાસ કરતા ઘરનો બધો સામાન વેરવિખેર પડયો હતો.
કબાટમાં મુકેલા ડોલરની ચોરી
દંપતીએ મકાનના બીજા માળે જઈ તપાસ કરતા લાકડાના કબાટમાં મુકેલ રોકડા રૂપિયા 20 હજાર, અમેરિકન 900 ડોલર, કેનેડિયન 400 ડોલર જેની કિંમત ભારતીય રૂપિયા પ્રમાણે અંદાજિત એક લાખ થાય તેમ છે. આ સાથે જ સોના-ચાંદીના દાગીના અને કિંમતી કાંડા ઘડિયાળ સહિત 1.08 લાખની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા.
પોલીસે તપાસ હાથ ધરી
જે અંગે શ્રીરામ પારેખે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કરી શ્રીરામ ભાઈની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી ઘટનાસ્થળની આસપાસના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.