મુંબઈ2 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
- મુખ્ય આરોપી વિરુદ્ધ અમદાવાદમાં મોટરસાઈકલ ચોરીના 30 ગુના દાખલ છે
ગુજરાતથી મુંબઈ આવીને વરિષ્ઠ મહિલાઓની ગળાની ચેન આંચકતા બે જણની વિલેપાર્લે પોલીસે ધરપકડ કરી હતી. આરોપી શાહિદ કાપડિયા અને ભૌમિક ત્રિવેદી વિરુદ્ધ ગુજરાત અને અમદાવાદમાં મોટરસાઈકલ ચોરીના 30 ગુના દાખલ છે. આ બંને આરોપીઓમાં ભૌમિક મુખ્ય સુત્રધાર છે. વિલેપાર્લેમાં રહેતી એક વરિષ્ઠ મહિલા એપ્રિલ મહિનામાં ડોકટર પાસે જતા હતા. એ સમયે અચાનક મોટરસાઈકલ પર આવેલા બે જણ મહિલાના ગળામાં રહેલી સોનાની ચેન આંચકીને નાસી ગયા હતા.
આ ચોરી પ્રકરણે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી. મહિલાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધ્યો અને પોલીસની ટીમે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન આ પરિસરના સીસી ટીવી ફૂટેજની તપાસ કરી. શાહિદ અને ભૌમિક ચોરીની મોટરસાઈકલથી અંધેરી ગયા. ત્યાં મોટરસાઈકલ પાર્ક કરીને એ પછી બાન્દરાથી ગયા, ટેક્સી પકડીને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પહોંચીને સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં વાપી ગયા. વાપીમાં રિક્ષાથી ગયા એમ સીસી ટીવી ફૂટેજમાં દેખાયું. આ બંનેને પકડવા માટે પોલીસે મુંબઈ સેન્ટ્રલ આરપીએફની મદદ લીધી. પોલીસે આ બંનેના ફોટો સિસ્ટમમાં અપલોડ કર્યા.
દિવસના ત્રણ જણને ટાર્ગેટ કરતા
શાહિદ અને ભૌમિક ચોરી કરવા માટે ગુજરાતથી મુંબઈ આવતા. પોલીસને ગેરમાર્ગે દોરવા તેઓ મુંબઈમાં રસ્તાની કોરે પાર્ક કરેલી મોટરસાઈકલ ચોરતા. ચોરીની મોટરસાઈકલ પર સોનાની ચેન આંચકતા. દિવસના ત્રણ જણને ટાર્ગેટ કરીને બંને જણ સોનાની ચેન ચોરી કરતા. સાંજે સૌરાષ્ટ્ર એક્સપ્રેસથી પાછા વાપી જતા રહેતા. ચોરી કરેલી સોનાની ચેન વાપીમાં વેચી નાખતા હતા.