ભુજ30 મિનિટ પહેલા
- કૉપી લિંક

- પ.કચ્છમાં પાંચ માસમાં હેલમેટના અભાવે 15 લોકોના મોત: હેલ્મેટ કા જયજયકારના નારા લગાવાયા
- પોલીસની ગુજરાતીઓ તરત સમજે એમ લોકજાગૃતિ : ભુજમાં ગરબા રમીને હેલમેટ પહેરવા કરી અપીલ
કચ્છ જિલ્લામાં માર્ગ અકસ્માતના પ્રમાણમાં ઓચિંતો વધારો આવ્યો છે, વાહન સ્લીપ થવાની દરરોજ 10 જેટલી ઘટનાઓ બને છે તેવામાં ફૂલ સ્પીડમાં વાહન ચલાવવાના કારણે મોતના કિસ્સાઓ પણ ચિંતાજનક સ્તરે વધી રહ્યા છે. તાજેતરમાં પશ્ચિમ કચ્છ પોલીસે ચાલુ વર્ષે જિલ્લામાં અકસ્માતથી મોતના કિસ્સાનું તારણ કાઢતા માત્ર પાંચ મહિનામાં 15 જેટલા વ્યક્તિઓના મોત હેલ્મેટ ન પહેરવાના કારણે થયા હોવાનું સામે આવ્યું હતું.જેથી આ આંકડો ઘટે તે માટે જિલ્લામાં જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં લોકો ઘરેથી નીકળે એટલે હેલ્મેટ પહેરીને જાય તેવી આદત પાડે તે પ્રમાણે જાગૃતિ ફેલાવાઈ રહી છે.જિલ્લા ટ્રાફિક પીએસઆઇ મયુર પટેલે જણાવ્યું કે,અકસ્માતના કિસ્સાઓમાં જો વાહન ચાલકોએ હેલ્મેટ પહેર્યા હોત તો તેઓના જીવ બચાવી શકાયા હોત પરંતુ હેલ્મેટ ન પહેરવાના કારણે ચાલુ વર્ષે 15 જેટલા વ્યક્તિઓના મોત થયા છે.કચ્છ જિલ્લા માટે આંકડો વધતો હોઇ ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ અટકાવી શકાય તે માટે ઝુંબેશ શરૂ કરાઈ છે.
મંગળવારે ભુજમાં ટાઉનહોલ ખાતેથી જાગૃતિ રેલીનો પ્રારંભ કરાયો હતો.એસપી સૌરભસિંઘે લીલીઝંડી આપીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું ટાઉનહોલ થી જ્યુબિલિ સર્કલ, વીડી હાઇસ્કુલ, વાણીયાવાડ, હમીરસર થઈને ટાઉનહોલ ખાતે આ રેલી સમાપ્ત થઈ હતી.માર્ગમાં પોલીસ કર્મચારીઓ પગપાળા હેલ્મેટ પહેરીને જોડાયા હતા.
તેમજ લાઉડ સ્પીકર મારફતે હેલ્મેટ પહેરોના સૂત્રોચાર પોકારવામાં આવ્યા હતા.મહત્વની વાત એ છે કે, વાણીયાવાડ પોલીસ ચોકી ખાતે પોલીસ કર્મચારીઓ હેલ્મેટ પહેરીને ગરબે પણ ઘુમ્યા હતા. ભુજની સાથે પશ્ચિમ કચ્છના અલગ અલગ 14 પોલીસ સ્ટેશનોના વિસ્તારમાં હેલમેટ જાગૃતિ રેલી યોજવામાં આવી હતી.
હેલ્મેટ પહેર્યા તેઓ માટે તાળી વગાડાઈ
રેલીના રૂટ દરમિયાન રસ્તા પર જે વાહન ચાલકો હેલ્મેટ પહેરીને પસાર થતા હતા તેઓ માટે રેલીમાં જોડાનારા પોલીસ કર્મચારીઓએ તાળીઓના ગડગડાટ કરીને સન્માન આપ્યું હતું. જે વાતને પણ લોકોએ બિરદાવી હતી.