અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
અમદાવાદના વેજલપુરના સોનલ સિનેમા પાસેના યાસમીન સોસાયટીમાં આવાલો ગોલ ફ્લેટ ધરાશાયી થયો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્યારે ફાયર જવાનો દ્વારા ત્રણ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જોકે, ઘટનાની જાણ થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ અને વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકોર પણ સ્થળ પર દોડી આવ્યા હતા.
બિલ્ડિંગમાં 23 પરિવાર રહેતા હતા
શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા સોનલ સિનેમા પાસે યાસમીન સોસાયટીમાં આવેલો 50 વર્ષ જૂના જર્જરીત ગોલ ફ્લેટમાં 23 જેટલા પરિવાર રહેતા હતા. જેમાં તમામ લોકોને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઈપણ જાનહાની થઈ નથી. ફસાયેલા ત્રણ લોકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે બાકીના તમામ લોકો અવાજ થતા જ બહાર નીકળી ગયા હતા.
એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા નોટિસ આપવામાં આવી હતી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ જણાવ્યું હતું કે, 50 વર્ષ જૂની આ બિલ્ડિંગ હતી જેમાં 23 પરિવાર રહેતા હતા. ત્રણ લોકો અંદર ફસાયા હતા જેઓને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આ બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી હતી કે કેમ તેની તપાસ કરવામાં આવશે. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી.
ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા
વેજલપુરના સોનલ પોલીસ ચોકી વિસ્તારમાં ગોલ ફ્લેટ આવેલા હતા. જે ખૂબ જ જર્જરીત હાલમાં આવેલા હતા. જે જર્જરીત હોય પડી જતા તેમાં મોટાભાગના પરિવારો પહેલાથી જ બહાર હતા અને જેટલા લોકો અંદર ફસાયા હતા તેમને ફાયર બ્રિગેડ અને પોલીસે વિસ્તાર કોર્ડન કરી બહાર કાઢવામાં આવ્યા હતા.
એસ્ટેટ વિભાગની ટીમે કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા હવે આ ગોલ ફલેટના કાટમાળને ખસેડવાની કામગીરી આખી રાત કરવામાં આવશે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ફ્લેટ વર્ષોથી જર્જરીત હાલતમાં હતો. આજે તમામ લોકો બહાર નીકળી ગયા હતા, પરંતુ કેટલાક લોકો અંદર સામાન લેવા માટે ગયા અને ત્યારે જ આ બિલ્ડિંગ પડી હોવાનું જાણવા મળ્યું છે.