પાવી જેતપુરના ડેરિયા પાસે બાઈક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક યુવકનું મોત, બસમાં આગ લાગતાં બસ ભડથું થઈ | A young biker died in an accident between a bike and a private bus near Deria in Pavi Jetpur, the bus caught fire and the bus broke down. | Times Of Ahmedabad

છોટા ઉદેપુર32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાવી જેતપુર તાલુકાના ડેરિયા ગામ ખાતે ખાનગી બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે અને અકસ્માત બાદ બસમાં આગ લાગતાં બસ આગમાં હાડપિંજર બની ગઈ હતી.

પાવી જેતપુર તાલુકાના ડેરિયા ખાતે બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું મોત થયું છે, બનાવની વિગત એવી છે કે કલારાની તરફથી સજવા તરફ બાઈક લઈને જવા નીકળેલા રામદેવ તારસીંગ કોલચા, ઉ.30 વર્ષ રહે. રાજપુર (ભી) ને કવાંટ તરફથી આવતી ખાનગી બસ સાથે ધડાકાભેર અકસ્માત થતાં બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું.

આ અકસ્માત બાદ બાઈક બસની નીચે ફસાઈ જતાં બસ ચાલક બસને લગભગ 200 મીટર કરતા વધુ દૂર સુધી ઘસડીને જતાં રસ્તા પર બાઈક ઘસાવાને કારણે બાઈકને આગ લાગી હતી અને આ આગ બસને પણ લાગી ગઈ હતી. બસને આગ લાગતા બસમાં બેસેલા મુસાફરો બસમાંથી નીચે ઉતરી ગયા હતા, પરંતુ આગ જોતજોતામાં આખી બસને લપેટમાં લેતા આગમાં બસ હાડપિંજર બની ગઈ હતી.

બસમાં આગ લાગતાં એક તબક્કે રંગલી ચોકડીથી ખાટિયાવાંટ વચ્ચેનો રસ્તો પણ એકાદ કલાક સુધી બંધ કરવાની ફરજ પડી હતી. લોકટોળા ભેગા થઈ ગયા હતા. બસમાં લાગેલી આગને બુઝાવવા માટે બોડેલીથી ફાયર ફાઈટરને બોલાવીને આગ બુઝાવવામાં આવી હતી.