માંડવીના વરઝડી ગામના યુવકે ઉચ્ચપગારની નોકરી છોડીને રાસાયણિક ખાતરના વિકલ્પમાં વર્મી કમ્પોસ્ટ ખાતરનું પ્રોડકશન કર્યું | A young man from Mandvi's Varzdi village quit his high-paying job to produce vermicompost as an alternative to chemical fertilizers. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • A Young Man From Mandvi’s Varzdi Village Quit His High paying Job To Produce Vermicompost As An Alternative To Chemical Fertilizers.

કચ્છ (ભુજ )એક કલાક પહેલા

  • કૉપી લિંક

બી.ટેક રીન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટલ એન્જીનીયરીંગની ડિગ્રી મેળવ્યા બાદ નોકરી દરમિયાન પીએમ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના તથા સ્ટાર્ટઅપ શરૂ કરીને દેશના ગ્રોથ એન્જિનને સહાયક બનવાના વિચારને સાંભળ્યો. આ વિચારને ખેતી સાથે જોડીને કઇ રીતે અમલમાં મૂકી શકાય તે દિશામાં સતત વિચારમંથન કરતા અંતે કચ્છના વરઝડીના યુવાને ઉચ્ચ પગારની નોકરી ત્યજીને પોતાના વતન આવીને ખેડૂતોને રાસાયણિક ખાતરથી મુક્તિ અપાવવા માટે તેના વિકલ્પમાં એવું ખાતર તૈયાર કરવાનું વિચાર્યું જે પ્રાકૃતિક ખેતી માટે જીવતદાન સમાન હોય તથા રાસાયણિક ખેતી કરતા ખેડૂતો પણ વૈકલ્પિક ખાતરના પરીણામ જોઇને તેને વાપરવા મજબૂર બને. માંડવી તાલુકાના વરઝડીના ભાવેશ માવાણીની જે આજે વર્મી કમ્પોસ્ટ ખાતરનું કોર્મિશયલ ઉત્પાદન કરીને કચ્છના અન્ય ખેડૂતો સુધી ખાતરનો જથ્થો પહોંચાડી રહ્યા છે. અથાગ મહેનત, રીસર્ચ અને તાલીમના અંતે તેમને આ સફળતા પ્રાપ્ત થઇ છે.

માંડવી તાલુકાના વરઝડીમાં 8 એકરની જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતા 30 વર્ષીય ભાવેશભાઇ જણાવે છે કે, અભ્યાસ કર્યા બાદ બધાની જેમ એક કંપનીમાં નોકરી શરૂ કરી પરંતુ ખેતીના ક્ષેત્રમાં કંઇક નવું કરવાની ઇચ્છા હતી તેથી અંતે નોકરી છોડીને કંઇ નવું શીખવાની તાલાવેલી જાગી. આ માટે કચ્છ આવીને સરકાર દ્વારા આત્માના માધ્યમથી આયોજિત થતા વિવિધ સેમીનાર, તાલીમ, વિવિધ ફાર્મની મુલાકાત વગેરે લેવાનું શરૂ કર્યું. રાજયપાલશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતીને અપાતા પ્રોત્સાહનને જોઇને મને વિચાર આવ્યો કે, હાલ પ્રાકૃતિક કે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો છાણિયું ખાતર વાપરે છે. જે કોઇપણ પ્રોસેસ વગરનું હોવાથી તેમાં રહેતા બી,છોડના ડાળખા કે અન્ય વસ્તુના કારણે મુખ્ય પાકમાં નિંદામણ તથા અન્ય છોડ ઉગી નિકળવાની સમસ્યા વધી જાય છે. આ સમસ્યા ખેડૂતોને ન થાય તેમજ વધુમાં વધુ કિસાન પ્રાકૃતિક ખેતી તરફ વળે અને જે કરી રહ્યા છે તે છોડી ન દે તે માટે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાનો વિચાર આવ્યો. જેમાં છાણિયુ ખાતર તથા ખેતીનો વેસ્ટ બંને સામેલ હોય છે. જેને અળસિયા બે માસની પ્રક્રિયા બાદ ચાની પત્તી જેવું બારીક ખાતર તૈયાર કરતા હોય છે. જેમાં કાર્બન કન્ટેન્ટ 16 ટકા જેટલું વધારે હોવાથી જમીનની ફળદ્રુપતા વધે છે. જેટલું કાર્બન કન્ટેન્ટ વધારે તેટલી જમીનની ફળદ્રુપતા વધારે કારણ કે ખેતીનો પાયો કાર્બન છે. કાર્બન પોષકતત્વો ઝાડ સુધી પહોંચાડે છે તેથી જમીન ઉપજાઉ છે કે નહીં તેનો મુખ્ય આધાર કાર્બન છે.

તેઓ ઉમેરે છે કે, રાસાયણિક ખાતર વાપરતા ખેડૂતોને સરળતાથી એવું ખાતર મળી જાય જે રાસાયણિક ખાતરનો વિકલ્પ બને તો પ્રાકૃતિક ખેતી કરવી ખેડૂતો માટે વધુ આસાન બની જાય તે વિચાર પાંચ વર્ષની મહેનત બાદ આખરે મૂર્તિમંત થયો છે. છેલ્લા પાંચ વર્ષથી કચ્છના બાગાયતી ખેતી કરતા ખેડૂતો જે પહેલા દાડમ, કેરી જેવા પાકમાં રાસાયણિક ખાતર વાપરતા તે હવે વર્મીકમ્પોસ્ટ ખાતર વાપરતા થયા છે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા કિસાનો માટે આ ખાતર વરદાનરૂપ બન્યું છે. આસાનીથી કચ્છમાં જ ઉપલબ્ધ હોવાથી તેમજ વચ્ચે કોઇ ડીલર ન હોઇ વાડી પરથી સીધું જ વેચાણ થતા સસ્તા ભાવે ખેડુતોને ખાતર મળી રહે છે. જેથી ખર્ચનો બોજ વધતો નથી, નિંદામણની મથામણ થતી નથી તેમજ ઓછી મહેનતે વધુ ઉત્પાદન મળી રહે છે.

વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર થવાની પ્રક્રિયા વિશે ભાવેશભાઇ મણીલાલ જણાવે છે કે, દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી તેઓએ ઓસ્ટ્રેલિયન તથા ભારતીય જાતના એમ બે પ્રકારના અળસિયા ખરીદીને સૌ પ્રથમ પ્રાયોગિક ધોરણે બે બેડ ઉભા કરીને ખાતર બનાવવાની શરૂઆત કરી હતી. જેમાં સફળતા મળતા હાલે બે યુનિટમાં મોટાપાયે ઉત્પાદન કરાઇ રહ્યું છે. દર માસે 30 ટનનું ઉત્પાદન કરવામાં આવે છે.

વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે જરૂરી તમામ કામગીરીમાં તેમનો પરીવાર તેમની સાથે જ કામ કરતો હોવાથી કામદારોની જરૂરીયાત વર્તાતી નથી. રો-મટીરીયલ્સ છાણ, ખેતીનો વેસ્ટ પાંદડા સહિતની ચીજોમાંથી બેડ બનાવી તેમાં અળસીયા મુકવા પડે છે. જેમાં ભેજ જાળવી રાખવા દૈનિક પાણીનો સ્પ્રે કરવો પડે છે. વરસાદ અને તાપથી બચાવ કરવા શેડ બનાવવો જરૂરી છે તેમજ જો વધુ વરસાદ પડે તો ભેજ ન વધી જાય તે માટે બેડ પર કંતાનની બેગ ઢાંકવા સહિતની તકેદારી રાખવી પડતી હોય છે. 2 માસના અંતે તૈયાર થતા ખાતરની 25 કિગ્રાની બેગ તૈયાર કરવામાં આવે છે જેનું રૂ. 175ના ભાવે વેચાણ કરવામાં આવે છે. હાલ કચ્છમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે રાસાયણિક ખેતી કરતા ખેડૂતો જમીનની સુધારણા માટે મોટા પ્રમાણમાં તેની ખરીદી કરે છે.

તેઓ અન્ય કિસાનોને સંબોધીને જણાવ્યું હતું કે, આજે રાસાયણિક ખાતર તથા વિવિધ હાનિકારક દવાના વપરાશના કારણે લોકોમાં વિવિધ રોગો ઘર કરી ગયા છે. ત્યારે કિસાનોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવું અનિવાર્ય છે. સરકાર દ્વારા આ માટે વિવિધ તાલીમ આપવામાં આવે છે જેનો લાભ દરેક ખેડૂતોએ લેવો જોઇએ. તેઓ 12 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે જેમાં રાસાયણિક ખાતર કે કોઇપણ પ્રકારના પેસ્ટીસાઇડનો વપરાશ કરતા નથી. ખાતરથી લઇને જીવજંતુના અટકાવ માટે જીવામૃત, નિમાસ્ત્ર, બીજામૃત તથા અન્ય તમામ પ્રકારની ચીજો તેઓ ખુદ જાતે બનાવે છે. આ માટે આત્મા પાસેથી તેઓના પરીવારે તાલીમ પ્રાપ્ત કરી છે.

أحدث أقدم