- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- Artist Rajbha Gadvi, Dwarka MLA Pabubha Manek, Jamnagar Businessman Meraman Parmar Received Dhirendra Shastri’s Personal Blessings.
રાજકોટ32 મિનિટ પહેલા
- કૉપી લિંક
![](https://images.bhaskarassets.com/web2images/960/2023/06/01/ae-files01-06-2023730-x-54810_1685619598.gif)
રાજકોટમાં બે દિવસથી બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ધામા નાખ્યા છે. આજે સાંજે 6 વાગ્યે તેમનો રેસકોર્સ મેદાનમાં દિવ્ય દરબાર છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને રાજકોટના આયોજક કિશોર ખંભાયતા કિંગ્સ હાઇટ્સના નિવાસસ્થાને ઉતારો આપવામાં આવ્યો છે. જાહેર મંચ પર બાબાને મળવામાંથી બચવા સૌરાષ્ટ્રની મોટી હસ્તીઓ આજે કિંગ્સ હાઇટ્સમાં પહોંચી હતી. લોક સાહિત્યકાર રાજભા ગઢવી, દ્વારકાના ભાજપના ધારાસભ્ય પબુભા માણેક, જામનગરના ઉદ્યોગપતિ મેરામણ પરમાર સહિતના લોકોએ અંગત રીતે બાબાને મળીને આશીર્વાદ લીધા હતા.
તમામ હસ્તીઓ કેમેરામાં કેદ થઈ
કિંગ્સ હાઇટ્સમાં બાબાને મળ્યા બાદ તમામ હસ્તીઓ જ્યારે બહાર આવી ત્યારે કેમેરામાં કેદ થઈ હતી. આ ઉપરાંત રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ પણ બાબા બાગેશ્વરના આશીર્વાદ લીધાનું નજરે પડ્યું હતું. પબુભા માણેક તો લક્ઝુરિયસ રોલ્સ રોયસમાં આવ્યા હતા અને બાબાના આશીર્વાદ લીધા હતા. રાજભા ગઢવી, પબુભા માણેક, મેરામણ પરમારે બાબાના આશીર્વાદ લીધા બાદ સાથે ઉભા રહી ફોટા પણ પડાવ્યા હતા.
![રાજભા ગઢવીએ બાબાના આશીર્વાદ લીધા.](https://images.bhaskarassets.com/web2images/960/2023/06/01/18_1685618678.jpg)
રાજભા ગઢવીએ બાબાના આશીર્વાદ લીધા.
કિર્તીદાન ગઢવી બાબા સાથે જ
સુરતના દિવ્ય દરબારમાં લોક કલાકાર કિર્તીદાન ગઢવીએ બાબાના આશીર્વાદ લીધા હતા. તેમજ ગઈકાલે સોમનાથ મંદિરે બાબા બાગેશ્વરે દર્શન કર્યા ત્યારે પણ કિર્તીદાન ગઢવી તેમની સાથે રહ્યા હતા. સોમનાથ મંદિરે ધ્વજારોહણ બાદ કિર્તીદાન ગઢવીએ બાબા બાગેશ્વરને ‘સોમનાથ મહાદેવ ભોળિયા કરૂ તમારી સેવ..’ ભજન પણ સંભળાવ્યું હતું.
![પબુભા માણેક રોલ્સ રોયસમાં બાબાને મળવા આવ્યા હતા.](https://images.bhaskarassets.com/web2images/960/2023/06/01/19_1685618686.jpg)
પબુભા માણેક રોલ્સ રોયસમાં બાબાને મળવા આવ્યા હતા.
કિશોર ખંભાયતાના ઘરે બાબાનો મુકામ
બાગેશ્વરધામ સમિતિ રાજકોટના આયોજક યોગીન છનિયારાના જણાવ્યા મુજબ ધીરેન્દ્ર શાસ્ત્રીના રાજકોટમાં કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ છે. 30 મેએ રાતે બાબા રાજકોટમાં આવ્યા હતા અને તેમને ઉતારો અમારા સાથી આયોજક અને બાબાના ભક્ત કિશોર ખંભાયતાના ઘરે આપવામાં આવ્યો છે. આજથી એક દોઢ વર્ષ પહેલા બાબાએ કિશોર ખંભાયતાને રાજકોટ તેમના ઘરે આવવાનું વચન આપ્યું હતું માટે તેઓને ઉતારો તેમના ઘરે જ આપવામાં આવ્યો છે.
![રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ બાબાના આશીર્વાદ લેવા આવી પહોંચ્યા હતા.](https://images.bhaskarassets.com/web2images/960/2023/06/01/20_1685618696.jpg)
રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ બાબાના આશીર્વાદ લેવા આવી પહોંચ્યા હતા.
કોણ છે કિશોર ખંભાયતા
કિશોર ખંભાયતા પોતે એક સામાજિક અગ્રણી છે અને સાથે સાથે ઉદ્યોગપતિ પણ છે. તેઓની વિચારધારા રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલી છે. રાજકોટના કિશોર ખંભાયતા મધ્યપ્રદેશની મુખ્ય બાગેશ્વરધામ સમિતિ સાથે પણ જોડાયેલા છે. રાજકોટના મુખ્ય આયોજક યોગીન છનિયારા અને કિશોર ખંભાયતા એક સાથે મુખ્ય મંદિર બાગેશ્વરધામ ખાતે જાય છે અને આવે છે.
![કિંગ્સ હાઇટ્સમાં બાબાના કટ આઉટ લાગેલા છે.](https://images.bhaskarassets.com/web2images/960/2023/06/01/17_1685618767.jpg)
કિંગ્સ હાઇટ્સમાં બાબાના કટ આઉટ લાગેલા છે.
કિશોર ખંભાયતાને બાબા સાથે નજીકનો નાતો
રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ કિશોર ખંભાયતા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે નજીકનો નાતો ધરાવી રહ્યા છે અને કદાચ એટલા જ માટે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના ઘરે રોકાણ કરવાના છે. જો કે, કિશોર ખંભાયતા ખૂબ સરળ સ્વભાવના હોવાથી તેઓ ક્યારે પણ પોતાનો પ્રચાર કરવામાં માનતા નથી માત્ર સનાતન ધર્મ સેવામા તેઓ એક સનાતન હિન્દુ તરીકે જોડાઈ અને તન મન ધનથી સેવા આપી રહ્યા છે.
![રાજકોટના આયોજક કિશોર ખંભાયતા](https://images.bhaskarassets.com/web2images/960/2023/06/01/22_1685618866.jpg)
રાજકોટના આયોજક કિશોર ખંભાયતા
અમે બીજા ફ્લેટમાં રહીએ છીએ
કિશોર ખંભાયતા એ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું છેલ્લા એક દોઢ વર્ષથી ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોડાયેલો છું. હું તેમનો ભક્ત છું અને તેમને મને મારા ઘરે આવવાનું વચન આપ્યું હતું અને એ વચન તેઓ પૂર્ણ કરી મારા નિવાસ્થાને ઉતારો આપ્યો છે. આખા બિલ્ડિંગને શણગારવામાં આવ્યું છે. તેમજ અંદર આખું ઘર પણ શણગારવામાં આવ્યું છે. આ ક્ષણ ખુદ પરમાત્મા અમારા ઘરે આવતા હોય તેવી ખુશી છે જે શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી. અમે અમારા ઘરના તમામ સભ્યો નીચેના માળે બીજા ફ્લેટમાં રહીએ છીએ અને બાબા અને તેમની ટીમ અમારા ફ્લેટમાં આશ્રય લઈ રહ્યા છે.