અમદાવાદ28 મિનિટ પહેલા
- કૉપી લિંક
ની-રિપ્લેસમેન્ટ સર્જરી બાદ મહિલાના ચહેરા પર ખુશી જોવા મળી.
165 કિલો વજન ધરાવતી સુદાનની 60 વર્ષીય એક મહિલા પર અમદાવાદ ખાતે શેલ્બી હોસ્પિટલમાં ડો.વિક્રમ શાહ અને તેમની ટીમ દ્વારા બંને ઘૂંટણની સફળ ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવી છે. સામિયા અહેમદ નામની મહિલા સુદાનની રાજધાની ખાર્ટુમની રહેવાસી છે અને તેમના પતિ એક બિઝનેસમેન છે. જ્યારે તેમનો એક પુત્ર અને પુત્રી ડોક્ટર છે. તેમનો એક પુત્ર ઇજિપ્તમાં મેડિકલનો અભ્યાસ કરે છે. 2005માં તેમને હાથીપગાની બીમારી થઈ હતી.
સામિયા અહેમદને પગમાં બે વખત ફ્રેક્ચર થયા હતા
સામિયા અહેમદને તેમના પગમાં અગાઉ બે વખત ફ્રેક્ચર પણ થયા હતા. 2012માં તેમને જમણા પગમાં ત્રીજા ટિબિયા બોન (ઘૂંટીથી ઉપરનું હાડકું)માં ફ્રેક્ચર થયું હતું. જ્યારે 2015માં પ્રોક્સિમલ ટિબિયા (ઘૂંટણથી સહેજ નીચેનું હાડકું)માં ફ્રેક્ચર થયું હતું. ભૂતકાળમાં તેમણે આ માટે પાંચ ઓર્થોપેડિક સર્જરીઓ કરાવી હતી. તેમાંથી બે સર્જરી સુદાનમાં, એક UAEમાં અને એક સર્જરી ઇજિપ્તમાં કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક મહિનાથી તેઓ પથારીવશ હતા અને સહેજ હલનચલન કરવામાં પણ ઘૂંટણમાં અસહ્ય પીડા થતી હતી. આ કેસ એટલા માટે અનોખો છે કારણ કે, આ મહિલાને ટ્રોમા અને તીવ્ર સ્થુળતાનો ઇતિહાસ રહ્યો છે. જેના કારણે ઘૂંટણના સાંધા તીવ્ર આર્થરાઈટિક છે.
સર્જરી બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી અપાઈ
અમદાવાદની ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ્સમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં શેલ્બીની સર્જનોની ટીમે આ કેસ વિશે વિગતવાર વાત કરી હતી. દર્દી અને તેના પુત્રોએ પણ કોન્ફરન્સનો ભાગ હતા. કોન્ફરન્સમાં શેલ્બીની ટીમમાં વિશ્વ વિખ્યાત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન અને શેલ્બી હોસ્પિટલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિક્રમ શાહ, શેલ્બીના ગ્રુપ CEO ડૉ. નિશિતા શુક્લા, ગ્લોબલ OPD ડિરેક્ટર ડૉ. ભરત ગજ્જર અને શેલ્બીના સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જનો ડૉ. શ્રીરંગ દેવધર, ડૉ. આશિષ શેઠ અને ડૉ. જયેશ પાટીલ હાજર હતા.
સામિયા અહેમદ હવે તેઓ આરામથી ચાલી શકશે
વિશ્વ વિખ્યાત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. વિક્રમ શાહ અને તેમની ટીમે આ મહિલા પર શેલ્બી ખાતે સફળ સર્જરી કરી છે. તેમણે કહ્યું કે, લોકો કહે છે કે, વજનદાર લોકોમાં ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરવી ન જોઈએ, આ ખોટી વાત છે. અમે 2010માં જોધપુરના એક 162 કિલો વજનના દર્દી પર બન્ને પગમાં સર્જરી કરી હતી. હાલમાં તેઓ 83 વર્ષના છે અને કોઈ તકલીફ નથી. સામિયા અહેમદ પર કરવામાં આવેલી સર્જરી પણ સફળ રહી છે. હવે તેઓ આરામથી ચાલી શકશે. તેમના લોહીનું પરિભ્રમણ થવાના કારણે હાથીપગામાં પણ રાહત મળશે. સ્થુળતા અને ઘૂંટણનું ઓસ્ટીયોઆર્થરાઇટિસ બહુ હેરાન કરે છે. ની-રિપ્લેસમેન્ટ કરાવ્યા પછી તેઓ ચાલી શકશે અને વજન ઘટાડવામાં પણ મદદ મળશે. તેના કારણે દર્દીના આરોગ્યને ઘણો ફાયદો થશે.
મહિલાને ઘૂંટણ પર અત્યંત પ્રેશર આવતું હતું
આ કેસને સમજાવતા ડો. વિક્રમ શાહે કહ્યું કે, આ મહિલાના વધારે પડતા વજનના કારણે ઘૂંટણ પર અત્યંત પ્રેશર આવતું હતું. જેના કારણે ઓસ્ટીયોઆર્થરાઇટિસની સ્થિતિ વકરી હતી. આ ઉપરાંત તેમને ભુતકાળમાં બન્ને પગમાં ફ્રેક્ચર થયેલા હતા. આથી તેમનો કેસ વધારે જટિલ હતો. અગાઉની સર્જરી વખતે તેમના હાડકામાં પ્લેટ અને ઇમ્પ્લાન્ટ નાખવામાં આવ્યા હતા. જ્યારે આ ઇમ્પ્લાન્ટ બહુ જૂના થઈ જાય ત્યારે તે હાડકાંમાં ભળી જાય છે અને તેને દૂર કરવા બહુ મુશ્કેલ હોય છે. આ ઉપરાંત અમે આ સર્જરીમાં ઓછામાં ઓછી વાઢકાપ કરવા માગતા હતા અને તેથી સ્પેશિયલ રિસરફેસિંગ ટિબિયલ બેઝ પ્લેટ ઇમ્પ્લાન્ટનો ઉપયોગ કર્યો હતો. તેનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે પ્રોક્સિમલ ટિબિયાને અગાઉની સર્જરીના ઇમ્પ્લાન્ટ નડતા હોય છે.
આ ઇમ્પ્લાન્ટ અમારા USA ખાતેના પ્લાન્ટમાં ઉત્પાદિત છે
આ ઇમ્પ્લાન્ટ અમારા USA ખાતેના પ્લાન્ટમાં ઉત્પાદિત છે. ભારતમાં તેનો ઉપયોગ પહેલી વખત કરવામાં આવ્યો છે. સામાન્ય ટોટલ ની-રિપ્લેસમેન્ટ ઇમ્પ્લાન્ટમાં તેને ફિક્સ કરવા માટે કિલ્સનો ઉપયોગ થાય છે. પરંતુ આ સ્પેશિયલ ટિબિયલ બેઝ પ્લેટ કિલ વગરની હોય છે. આ ઇમ્પ્લાન્ટનું ઉત્પાદન શેલ્બી એડવાન્સ ટેકનોલોજીસ દ્વારા કરવામાં આવ્યું છે અને ભારતમાં તેનો ઉપયોગ પહેલી વખત કરવામાં આવ્યો છે.
દર્દીનો પુત્ર પણ ડોક્ટર છે
દર્દીના પુત્ર વાદાહ શમિસુદ્દીને જણાવ્યું કે હું ડોક્ટર છું, મારી બહેન પણ ડોક્ટર છે અને મારો ભાઈ મેડિકલનો અભ્યાસ કરે છે. અમે ડોક્ટર અને હોસ્પિટલની પસંદગી કરવામાં અત્યંત કાળજી રાખી છે. કારણ કે મારી માતાનો કેસ બહુ જટિલ છે. ઘણા લોકોથી વાત કર્યા પછી અમે ડો. વિક્રમ શાહ અને શેલ્બી હોસ્પિટલમાં સર્જરી કરાવવાનો નિર્ણય લીધો. 2010માં 162 કિલો વજન ધરાવતા ગણપત લોઢાએ ડો.વિક્રમ શાહ પાસે ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી હતી. તેઓ આજે 83 વર્ષના છે. તેમણે જણાવ્યું કે મારો કેસ વિશિષ્ટ હોવાના કારણે મેં ઘણી હોસ્પિટલમાં ડોક્ટરો સાથે કન્સલ્ટેશન કર્યું હતું. પરંતુ હું ડો.વિક્રમ શાહને મળ્યો ત્યારે મને વિશ્વાસ બેઠો. મને સર્જરી કરાવ્યા પછી છેલ્લા 12 વર્ષમાં કોઈ તકલીફ પડી નથી.