રાજકોટ34 મિનિટ પહેલા
- કૉપી લિંક
- લોકમેળામાં રાઈડની ટિકિટ, સમય કે દિવસો વધારવા વહીવટી તંત્રની ના
- અપસેટ પ્રાઈઝથી રૂ.2000 સુધી જ બોલી લાગી, 81 લાખની થઈ આવક
રાજકોટ શહેરમાં લોકમેળો બે વર્ષ બાદ થઈ રહ્યો છે પણ છેલ્લા એક સપ્તાહથી યાંત્રિક રાઈડ સંચાલકોએ હરાજી અટકાવી રાખી ભાવવધારાની માગ કરી હતી પણ તંત્રે મચક ન આપી હરાજી શરૂ કરતા 44માંથી 28 પ્લોટ ફાળવી દેવાયા છે. યાંત્રિક રાઈડના 44 પ્લોટ માટે જુલાઈ માસના અંતમાં હરાજીની તારીખ અપાઈ હતી. જો કે ત્યારે યાંત્રિક રાઈડધારકોએ ટિકિટનો ભાવ જે 30 અને 40 રૂપિયા છે તે વધારવા માટે માગ કરી હતી. અધિકારીઓએ માગ ફગાવી દેતા સંચાલકોએ રજૂઆત કરવા માટે સમય માગ્યો હતો.
સતત 3 દિવસ સુધી મડાગાંઠો બાદ ભાવવધારો અથવા તો અપસેટ કિંમતમાં ઘટાડો, મેળાના દિવસો અને સમયમાં વધારો જેવી પણ માગ કરાઈ હતી. ત્રીજા દિવસના અંતે તંત્ર કંટાળતા એક પણ શરત ન માનીને સીધી હરાજી ચાલુ કરી દીધી હતી આ કારણે કેટલાક સંચાલકોએ હરાજીમાં ભાગ લઈને બોલી લગાવી હતી જો કે તે અપસેટ પ્રાઈઝથી એકથી બે હજાર રૂપિયા જ બોલ્યા હતા અને 44માંથી 28 પ્લોટ આપી દેવાતા 81 લાખની આવક થઈ છે, 16 પ્લોટ હજુ બાકી રહ્યા છે જેની શનિવારે હરાજી કરાશે.
આ નિર્ણયને કારણે તંત્રને હરાજી કરવાનો હરખ થયો છે પણ હકીકતે યાંત્રિક રાઈડધારકોને પણ ફાયદો થયો છે કારણ કે તેમને અપસેટ કિંમતે જ જગ્યા મળી ગઈ છે. જો ટિકિટમાં ભાવવધારો અથવા તો બીજી કોઇ શરત માની લેવાઈ હોત તો હરાજીમાં બોલી ઊંચી જાત પણ આ કિસ્સામા એવું બન્યું નહીં.