Tuesday, August 2, 2022

સંજય રાઉતને કોર્ટે 4 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલ્યા

  • ઈડીએ રાઉતના ઘરેથી 11.5 લાખ રૂપિયા રિકવર કર્યા છે
  • સંજય રાઉતની ધરપકડને લઈને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો
  • આદિત્ય ઠાકરેએ કહ્યું, મહારાષ્ટ્રની રાજનીતિમાં અત્યારે રાષ્ટ્રીય સર્કસ ચાલી રહ્યું છે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના નેતા સંજય રાઉતની ધરપકડ કરી છે. હવે કોર્ટે સંજય રાઉતને 4 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે. મુંબઈના પાત્રા ચાલ કૌભાંડ કેસમાં EDએ સંજય રાઉતના ઘરે લગભગ 9 કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન ઈડીએ રાઉતના ઘરેથી 11.5 લાખ રૂપિયા રિકવર કર્યા છે.

કોર્ટમાં હાજર થતા પહેલા સંજય રાઉતનો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રવિવારે પત્રા ચાલ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સંજય રાઉતની ધરપકડ કરી હતી. બીજી તરફ સંજય રાઉતની ધરપકડને લઈને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. લોકસભામાં પણ આ મુદ્દાઓ પર હોબાળો થયો હતો.

સંજય રાઉત વિરુદ્ધ EDની ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે ઉદ્ધવ ઠાકરેનું નિવેદન સામે આવ્યું છે. ઉદ્ધવે સંજય રાઉતનું સમર્થન કરતા કહ્યું કે તેમને રાઉત પર ગર્વ છે. ઉદ્ધવે કહ્યું કે સમય હંમેશા બદલાય છે. જ્યારે અમારો સમય આવશે, ત્યારે વિચારો કે તમારું (ભાજપ) શું થશે. તેમણે વધુમાં કહ્યું કે હવે મહારાષ્ટ્રની જનતા નિર્ણય કરશે. હું મરવા માટે સંમત છું, પણ હું કોઈના આશ્રયમાં નહીં જઈશ. સંજય રાઉતના પરિવારને મળવાની વચ્ચે તેમણે કહ્યું કે સંજય રાઉત ઝૂકશે નહીં.

કોર્ટમાં સંજય રાઉત 3 આધાર પર પોતાનો બચાવ કરી શકે છે.

  1. તેને હૃદય રોગ છે. હૃદયની સારવાર થઈ ચૂકી છે.
  2. તેની સામેના આરોપો પાયાવિહોણા છે.
  3. પાત્રા ચાલ કેસ અને મની લોન્ડરિંગમાં તેની કોઈ સંડોવણી નથી.

સુનીલ રાઉતે કોર્ટમાં પહોંચતાની સાથે જ તેના ભાઈ સાથે વાત કરી હતી. જ્યારે સંજય કોર્ટ રૂમમાં પ્રવેશ્યા ત્યારે તેમના સમર્થકો બહાર સૂત્રોચ્ચાર કરતા રહ્યા. આ દરમિયાન સંજય રાઉતે હાથ જોડીને સમર્થકોનું અભિવાદન કર્યું હતું. કોર્ટ રૂમની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાઉત અને તેમના વકીલોને ED અધિકારીઓ સાથે કોર્ટ રૂમની અંદર લઈ જવામાં આવ્યા હતા અને દરવાજાને તાળા મારી દેવામાં આવ્યા હતા. કોર્ટરૂમમાં પ્રવેશતા પહેલા, સંજય રાઉતે કોર્ટ કોરિડોરમાં સમર્થકોને ખાતરી આપી હતી કે શિવસેનાને તોડવાનો પ્રયાસ સફળ થશે નહીં. સંજય રાઉત તરફથી વરિષ્ઠ વકીલ અશોક મુંદરગી હાજર થયા હતા. સંજય રાઉતની ધરપકડ અંગે આદિત્ય ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં જે પણ થઈ રહ્યું છે. તે લોકશાહીની વિરુદ્ધ છે. આ એક રાજકીય સર્કસ છે.