Monday, August 1, 2022

થેલેસેમિયા મેજર 8 લાખ સગર્ભાના ટેસ્ટિંગ કર્યા, 580 નવા દર્દી જન્મતાં અટકાવી શકાયા | 8 lakh pregnant women tested for thalassemia major, 580 new cases prevented

વડોદરાએક કલાક પહેલાલેખક: કુણાલ પેઠે

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • સમગ્ર દેશમાં થેલેસિમિયાના દર્દીઓનું સરેરાશ આયુષ્ય ગુજરાતમાં સૌથી વધુ 30થી 35 વર્ષ
  • વડોદરામાં હાલ થેલેસેમિયાના 600થી 800 જેટલા દર્દીઓ

ગુજરાતભરમાં થેલેસેમિયાને ફેલાતો અટકાવવા રેડક્રોસ દ્વારા થેલેસેમિયા નાબૂદી અભિયાનનો પ્રારંભ 2008માં કરાયો હતો. જે અંતર્ગત દંપતી પૈકી કોઇ એક પણ થેલેસેમિયા મેજર કે માઇનર હોય તેવી સગર્ભાનું ચેકઅપ કરાય છે. ભ્રૂણનું પરીક્ષણ કરતાં તે થેલેસેમિયાગ્રસ્ત છે તેવું માલૂમ પડે તો પ્રેગ્નન્સી રોકી લેવાય છે.

રેડક્રોસ સોસાયટી દ્વારા 14 વર્ષમાં આવાં 580 જન્મ થતાં અટકાવાયાં છે. સરકાર અને ખાનગી-ટ્રસ્ટ આધારિત સંસ્થાઓના પ્રયાસોથી ગુજરાતમાં થેલેસેમિયાના દર્દીઓનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. 2008માં જ્યારે થેલેસેમિયાનો દર્દી ગુજરાતમાં માંડ 25 વર્ષ જીવતો હતો, જ્યારે આજે તેમની સરેરાશ વય 30થી 35 વર્ષ સુધી પહોંચી છે. હાલમાં વડોદરામાં થેલેસેમિયાના 600થી 800 દર્દીઓ હોવાનો અંદાજ છે.

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાતના પ્રમુખ ડો.પ્રકાશ પરમાર કહે છે કે, અમે થેલેસેમિયા મેજર જે દંપતીને બાળક થવાની શક્યતા હોય તેના ચેકિંગ માટે 8 લાખ ટેસ્ટ કર્યા છે. જેમાંથી થેલેસેમિયાના 580 નવા દર્દી ઉમેરાતાં અટકાવ્યાં છે. રેડક્રોસ સોસાયટીએ ગુજરાતમાં થેલેસેમિયાના ચેકઅપ માટે 14 વર્ષમાં 34 લાખ ટેસ્ટ જેટલા ટેસ્ટ કર્યા છે.

એક દર્દીનો મહિને સરેરાશ ખર્ચ રૂા.6 હજારની આસપાસ
થેલેસેમિયાના દર્દીની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલતી હોય તો તેને ટ્રાન્સફ્યૂઝન અને દવા મફત મળે છે. જો વાલી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવે અને દવા લે તો મહિને સરેરાશ ખર્ચ 6 હજારની આસપાસ થાય છે. જો એક દર્દી સરેરાશ 30 વર્ષ જીવે તો સરેરાશ 600 યુનિટ લોહીની જરૂર પડે છે. થેલેસેમિયાના દર્દીઓને કિલેશનની મફત ગોળી આપવી, નિ:શુલ્ક લોહીનું ટ્રાન્સફ્યૂઝન કરવું, રેડક્રોસ સોસાયટી દ્વારા રૂા. 800થી માંડીને રૂા.1200ના ફીલ્ટર રૂા.100માં આપવા અને બાળકોના ફ્રી ચેકઅપ કેમ્પ યોજવાને લીધે ગુજરાતમાં થેલેસેમિયાના દર્દીઓના આયુષ્યમાં વધારો થયો છે.

લોહાણા, સિંધી અને મુસ્લિમ સમુદાયમાં 15થી 17% કેસો
ગુજરાતમાં લોહાણા, સિંધી અને મુસ્લિમ સમુદાયમાં થેલેસેમિયાનું પ્રમાણ સૌથી વધુ 15થી 17 ટકા હોય છે. જ્યારે અન્ય સમુદાયોમાં 3થી 4 ટકા થેલેસેમિયાના કેસ જોવા મળે છે. તમામ જિલ્લામાં આ પ્રમાણ લગભગ એક સરખું જ છે. જ્યારે થેલેસેમિયા માઇનોર દર્દીઓ લગ્ન કરે ત્યારે તેમનું સંતાન થેલેસેમિયા મેજર થાય છે.

શા માટે દર્દીને લોહીની વધુ જરૂર પડે છે?
લોહીમાં હિમોગ્લોબીન હોય છે, જે લોહી મારફતે વિવિધ અંગોમાં પહોંચે છે. હિમોગ્લોબીનના કણો થેલેસેમિયાના દર્દીમાં તૂટી જાય છે. જેના લીધે ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટે છે. થેલેસેમિયા મેજરમાં આ કણો તૂટી જાય છે, જેથી દર્દીને વારંવાર નવું લોહી ચઢાવવું પડે છે. આ પ્રોસેસમાં લોહતત્ત્વ વધતાં તેને દૂર કરવા કિલેશનની દવા લેવી પડે છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.