Ahmedabad: હાઈકોર્ટની ફટકાર બાદ AMC હરકતમાં, ઢોર પકડવાની કામગીરી પર નજર રાખવા 2 અધિકારીને સોંપાઈ જવાબદારી | Ahmedabad: In AMC move after High Court order, 2 officers are given responsibility to monitor cattle catching operations

Ahmedabad: હાઈકોર્ટની ફટકાર બાદ સરકાર સફાળી જાગી છે અને ઢોર પકડવા મામલે યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ છે. જેમા શહેરમાં AMC એ ઢોર પકડવાની કામગીરી યોગ્ય રીતે થાય તે માટે 2 અધિકારીને જવાબદારી સોંપી છે. આ અધિકારીઓ કામગીરી પર સતત નજર રાખશે.

Ahmedabad: હાઈકોર્ટની ફટકાર બાદ AMC હરકતમાં, ઢોર પકડવાની કામગીરી પર નજર રાખવા 2 અધિકારીને સોંપાઈ જવાબદારી

તંત્રની કામગીરી

રાજ્યમાં માથાના દુ:ખાવા સમાન બનેલી રખડતા ઢોરની સમસ્યાનો નિવેડો લાવવા તંત્ર સફાળુ જાગ્યુ છે. જેમા હાઈકોર્ટ (Gujarat High Court) ની ફટકાર બાદ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને (AMC) રખડતા ઢોર પકડવાની કામગીરી યોગ્ય રીતે થાય તે માટે બે અધિકારીઓ (Officers)ને ખાસ જવાબદારી સોંપી છે. જેમા પશ્ચિમ વિસ્તારની જવાબદારી પ્લાનિંગ વિભાગના ડાયરેક્ટર પ્રશાંત પંડ્યાને સોંપી છે. જ્યારે પૂર્વ વિસ્તારની જવાબદારી મેડ વિભાગના ડાયરેક્ટર મનિષ ત્રિવેદીને સોંપી છે. જે બંને અધિકારી CNCD વિભાગની કામગીરીનું સતત નિરીક્ષણ કરશે. તેમજ યોગ્ય કામગીરી થાય તે માટે જરૂરી સુધારા વધારા પણ સૂચવશે. આ બે અધિકારીને આ જવાબદારી સોંપાતા મિટિંગોનો દોર પણ શરૂ થઈ ગયો છે.

મળતી માહિતી પ્રમાણે અને અધિકારીઓના જણાવ્યા મુજબ રખડતા ઢોર મામલે જે કામગીરી શરૂ કરાઈ છે. તેમા ગુરુવારે 72 રખડતા ઢોરને પકડવામાં આવ્યા છે. તેમજ શુક્રવારે બપોરે 2 વાગતા સુધીમાં 49 ઢોર એમ કુલ 121 પશુને AMCના CNCD વિભાગે પકડ્યા છે. આ કામગીરી ત્રણ શિફ્ટમાં 150 જેટલા કર્મચારીઓની 20 ટીમને સોંપાઈ છે. જેમા 8 ટીમને બંદોબસ્ત પોઈન્ટની જવાબદારી સોંપાઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારોને આઈડેન્ટીફાય કરીને ઢોર પકડવાની કામગીરી કરાઈ રહી છે.

2 પશુપાલકો સામે સરકારી કામગીરીમાં અડચણની ફરિયાદ નોંધાઈ

ઢોર પ઼કડતી વખતે કેટલાક પશુપાલકો ઢોરને ભગાડી દેવા માટે AMCની ટીમની સાથે રહી અડચણ ઉભી કરતા હોય છે. આવી રીતે ગુરુવારે રખડતા ઢોર પકડતી વખતે સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરવા અને પશુઓને ભગાડવા સામે AMCએ આંબાવાડી અને અન્ય વિસ્તારમાં બે પશુપાલક સામે ફરિયાદ દાખલ કરી છે. આ અડચણ ઉભી કરતા પશુપાલકોના ફોટો અને વીડિયો લઈને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી પશુ પાલકોસામે કાર્યવાહી કરવા પણ અધિકારીઓએ જણાવ્યુ છે. ઉપરાંત રસ્તે રખડતા ઢોરના RFID ટેગના ફોટો પશુમાલિકોની વિગતો મેળવવા જણાવ્યુ છે. જેમા 35 ઢોરના ફોટો પાડી વિગતો મેળવવામાં આવી છે. આ RFID ટેગના આધારે વિગતો મેળવી ઢોર માલિકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે. પશ્ચિમ ઝોન વિભાગે ડેટા તૈયાર કરી જરૂરી વિભાગને મોકલી આપ્યો છે.

CMCD વિભાગની કામગીરી મુદ્દે બંને અધિકારીને જવાબદારી સોંપ્યા બાદ મિટિંગ પણ મળી હતી. જેમા ટીમની કામગીરી સહિત આજ બપોરથી આવતીકાલ બપોરના ત્રણ વાગ્યા સુધી AMC અને પોલીસના રખડતા ઢોરની કાર્યવાહીના ડેટા તૈયાર કરવા, સ્ટાફ અને વાહનો વધારવા સહિતના મુદ્દાઓ પર ચર્યા કરવામાં આવી. તદ્દઉપરાંત ટાર્ગેટ પ્રમાણે ઢોર પકડવા અંગે પણ ચર્ચા કરાઈ હતી.

ઉત્તર ઝોનમાં 2 અને દક્ષિણ ઝોનમાં 1 ઢોરવાડો બનાવવા વિચારણા

રખડતા ઢોરની સમસ્યાનુ નિરાકરણ લાવવા શહેરમાં વધુ ત્રણ નવા ઢોરવાડા બનાવવામાં આવશે. જેમા દક્ષિણ ઝોનમાં લાંભા ખાતે ઈન્દિરાનગર પાસે ઢોરવાડો બનાવવામાં આવશે. જ્યારે ઉત્તર ઝોનમાં દહેગામ હાઈવે પર ગણેશ હેરિટેજ સામે અને નરોડા દહેગામ રોડ પર વ્રજ રેસિડેન્સી નજીક ઢોરવાડો બનાવવામાં આવશે. આ દરેક ઢોરવાડો 500 પશુઓેને રાખવાની ક્ષમતા અને સુવિધા સાથે બનાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં બાકરોલ અને દાણીલીમડામાં મળીને બે ઢોરવાડા છે. જેમાં બાકરોલના ઢોરવાડામાં 1040 જ્યારે દાણીલીમડાના ઢોરવાડામાં 1548 ઢોર રખાયા છે. જોકે દાણીલીમડાના ઢોરવાડામાં તપાસ કરતા કેટલાક ઢોર બીમાર હોવાનું પણ જણાઈ આવ્યું હતું. જે અંગે પણ અધિકારીએ હાલના ઢોરવાડામાં ધ્યાન અપાઈ રહ્યા હોવાનું જણાવી નવા ઢોરવાડામાં પશુને હાલાકી ન પડે તે રીતે વ્યવસ્થા ઉભી કરાશે તેવી માહિતી આપી હતી.

Previous Post Next Post