અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
અમદાવાદમાં રોડ પર રખડતાં ઢોરની સમસ્યાને લઈ ગુજરાત હાઇકોર્ટે ગંભીર નોંધ લેતાં રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દોડતું થઈ ગયું છે. ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવતા 24 કલાક પેટ્રોલિંગ અને કડક કાર્યવાહીની સૂચના આપતાં મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ અધિકારીઓની મિટિંગ બોલાવી હતી. રોડ પર રખડતાં ઢોર પકડવાની કડકમાં કડક કાર્યવાહી કરવા તેમજ રાત્રે પણ સીએનસીડી વિભાગનાં અધિકારીઓને રાઉન્ડ લેવા તેમજ રાત્રે પણ ઢોર પકડવાની ટીમો કાર્યરત કરવાની તાકીદ કરી હતી. રોડ ઉપર ઘાસચારો વેચનારાની લારીઓ જપ્ત કરાવીને તેમની સામે પોલીસ ફરિયાદ કરવા માટે પણ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.
રસ્તા પર ઘાસચારો વેચનારની લારી જપ્ત થશે
સીએનસીડી વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમેશ મેરજાનો દિવ્ય ભાસ્કરે સંપર્ક કરતાં તેઓએ ફોન ઉપાડ્યો નહોતો હતો. સૂત્રો મુજબ બેઠકમાં કમિશનરે તમામ ઝોનમાં આસિસ્ટન્ટ કમિશનરોને તેમનાં વોર્ડમાં સવારથી રાઉન્ડ લેવા અને જયાં પણ રખડતાં ઢોર માટે ઘાસચારો વેચતાં લારીવાળાઓની લારીઓ જપ્ત કરી લેવા અને તેમની સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરાવવાની સૂચના આપી હતી.
જોકે સૂત્રોએ કહ્યુ કે, અગાઉ ઘાસચારા વેચનારા સામે પોલીસ ફરિયાદ અને ઘાસચારો જપ્ત કરવાની સૂચના અપાયેલી હતી. પરંતુ ઢોરમાલિકોનાં ભયથી કોઇ કાર્યવાહી થતી નથી. રસ્તે રખડતાં ઢોર મૂકનારા પશુ પાલકો સામે પણ પોલીસ ફરિયાદ કરવી જરૂરી છે. જોકે સીએનસીડી વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ અને પોલીસની મિલીભગતથી પોલીસ ફરિયાદ કરવાનું ટાળવા આવે છે.