ઈરફાન પઠાણનું ફિલ્મી પડદા પર ડેબ્યુ, પહેલા જ ટ્રેલરમાં મચાવી ધમાલ

[og_img]

  • ઈરફાન પઠાણની પહેલી ફિલ્મ ‘કોબ્રા’નું ટ્રેલર થયું રિલીઝ
  • ટ્રેલરમાં ઈરફાન 6 થી વધુ વખત જોવા મળ્યો
  • ‘કોબ્રા’ એક તમિલ ફિલ્મ, ’31 ઓગસ્ટે થશે રિલીઝ

ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે એક તમિલ ફિલ્મમાં પોતાના અભિનયની શરૂઆત કરી છે. તેની ફિલ્મ ‘કોબ્રા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલરમાં ઈરફાન 6 થી વધુ વખત જોવા મળ્યો છે. ટ્રેલર જોઈ ઈરફાનના ફેન્સ ખૂબ જ ખુશ થયા છે અને પઠાણની તારીફ થઇ રહી છે.

ઈરફાન પઠાણની ફિલ્મ કોબ્રાનું ટ્રેલર રિલીઝ

ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે હવે પોતાની નવી ઈનિંગની શરૂઆત કરી છે. તેણે ફિલ્મ લાઈનમાં પોતાની ઈનિંગ્સ રમી છે. વાસ્તવમાં, ઈરફાન પઠાણે અભિનયની શરૂઆત કરી છે. તેની નવી ફિલ્મ ‘કોબ્રા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જો કે ઈરફાન પઠાણ ફિલ્મ કોબ્રાનો હીરો નથી, પરંતુ તે તેના ટ્રેલરમાં 6 થી વધુ વખત જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે ફિલ્મમાં તેનો સારો રોલ છે. આ એક તમિલ ફિલ્મ છે, જેનો લીડ હીરો ચિયાન વિક્રમ છે.

ઈરફાન પોલીસ ઓફિસરના રોલમાં

અજય જ્ઞાનમુથુ દ્વારા નિર્દેશિત, ‘કોબ્રા’ 31 ઓગસ્ટે રિલીઝ થશે. આમાં ઈરફાન પઠાણ પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળી રહ્યો છે. ટ્રેલરમાં જોઈ શકાય છે કે ઈરફાન ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળી રહ્યો છે. ઈરફાન જ્યારે પણ ટ્રેલરમાં આવ્યો છે, ત્યારે તે તેમાં એક છાપ છોડતો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં ક્રિકેટના મેદાન પર પોતાનો જુસ્સો દેખાડનાર ઈરફાન ફિલ્મી પડદા પર પણ પ્રભુત્વ જમાવવા માટે તૈયાર છે એમ કહેવું ખોટું નહીં હોય.

રૈનાએ ટ્રેલર શેર કરીને અભિનંદન પાઠવ્યા

પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ પણ ફિલ્મ ‘કોબ્રા’નું ટ્રેલર શેર કર્યું છે. આ સાથે રૈનાએ પણ ઈરફાનને અભિનયમાં ડેબ્યુ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. વીડિયો શેર કરતા રૈનાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, ‘ભાઈ ઈરફાન પઠાણ, તમને કોબ્રા ફિલ્મમાં પરફોર્મ કરતા જોઈને ખૂબ જ આનંદ થયો. આ ફિલ્મ એક્શનથી ભરપૂર લાગે છે. ફિલ્મની સફળતા માટે તમને અને સમગ્ર ટીમને અભિનંદન. ફિલ્મ જોવા માટે હવે રાહ નથી જોવાતી.’

ઈરફાનની શાનદાર ક્રિકેટ કારકિર્દી

ઈરફાન પઠાણે પોતાની ક્રિકેટ કારકિર્દીમાં 29 ટેસ્ટમાં 100 વિકેટ અને 120 વનડેમાં 173 વિકેટ ઝડપી છે. આ સિવાય તેણે 24 T20 મેચમાં 28 વિકેટ ઝડપી છે. ઈરફાન પઠાણે IPLમાં 103 મેચ રમીને 80 વિકેટ લીધી હતી. ઈરફાન પઠાણે ટેસ્ટ મેચમાં સદી પણ ફટકારી છે. તેણે ટેસ્ટમાં 1,105, વનડેમાં 1,544 અને T20માં 172 રન બનાવ્યા છે.

أحدث أقدم