સંજય રાઉતે ED ઓફિસે પહોંચીને કહ્યું- મૈં ઝુકુંગા નહીં, ISIS મોડ્યુલ કેસમાં ગુજરાતમાં ત્રણની NIA અને ATS દ્વારા પૂછપરછ | DivyaBhaskar morning brief: Sanjay Raut at ED office and said - Main Zukunga nahin, 3 suspected in Gujarat questioned by NIA and ATS in ISIS module case

4 કલાક પહેલા

નમસ્કાર,
આજે સોમવાર, તારીખ 1 ઓગસ્ટ, શ્રાવણ સુદ ચોથ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજથી ગુજરાતના 8 મહાનગરમાં જાહેર સ્થળોએ CCTV લગાવવા ફરજિયાત, 30 દિવસના ફૂટેજ સાચવવા પડશે
2) આજે કેજરીવાલ સોમનાથમાં સભા ગજાવશે, રાજકોટમાં રૂદ્રાક્ષના શિવલિંગની સંધ્યા આરતીમાં જોડાશે
3) ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે બીજી ટી-20 મેચ રમાશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ISIS મોડ્યુલ કેસમાં અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં શંકાના આધારે ત્રણની NIA અને ગુજરાત ATS દ્વારા પૂછપરછ
આજે અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં ગુજરાત એટીએસ અને એનઆઈએની ટીમ પહોંચી હતી. હાલ ત્રણની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. એનઆઈએ અને એટીએસની કાર્યવાહીને લઇને ચારેય શહેરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. એનઆઈએ કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. ગુજરાત એટીએસ અને એનઆઈએ દ્વારા દેશભરમાં દેશ વિરોધી ચાલતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ દેશ વિરોધી કૃત્ય કરતા હોય તો તેની તપાસના આધારે તેની પૂછપરછ કરીને કામગીરી કરતી હોય છે.
વાંચો સમાચાર વિગતવાર
2) EDએ સંજય રાઉતની અટકાયત કરી;ઘરેથી ભગવા રંગનો ગમછો લહેરાવી નિકળ્યા શિવસેના સાંસદ, ED ઓફિસે પહોંચીને કહ્યું- મૈં ઝુકુંગા નહીં
શિવસેનાના સાંસદ સંજય રાઉતની લગભગ 9 કલાકની પૂછપરછ બાદ EDએ તેમની અટકાયત કરી છે. તેમના ભાંડુપના બંગલા મૈત્રી પર સવારે સાડા સાત વાગ્યાથી EDની કાર્યવાહી ચાલી રહી છે. 10 અધિકારીની એક ટીમે રાઉત અને તેમના ધારાસભ્ય ભાઈ સુનીલ રાઉતના રૂમની તલાશી લીધી. ટીમે તેમની અને તેમના પરિવારના સભ્યોની પૂછપરછ કરી. તો એક ટીમે તેમના દાદરવાળા ફ્લેટને સીલ કરી દીધો છે. આરોપ છે કે સંજય રાઉતે આ ફ્લેટ જમી કૌભાંડના પૈસાથી ખરીદ્યો છે. રાઉત ઉપરાંત તેમના નજીકના ગણાતા બે લોકોના ઘરે પણ ટીમ પહોંચી છે.
વાંચો સમાચાર વિગતવાર
3) સુરતની સ્કૂલમાં વિદ્યાર્થીને નગ્ન કરી જાતિય સતામણી કરનાર પ્રિન્સિપાલની ધરપકડ, ગુનો નોંધાયા પહેલાં જ ફરાર થઈ ગયો હતો, પત્ની પણ ટીચર
સુરતમાં પુણા ગામની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થી સાથે પ્રિન્સિપાલે જાતીય સતામણી કરી હતી. આ મામલે પુણા પોલીસે પ્રિન્સિપાલને શનિવારે મોડીરાતે પકડી પાડ્યો હતો. પ્રિન્સિપાલ નિશાંતકુમાર વ્યાસ સુરતમાં કોઈને મળવા માટે આવ્યો હતો. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી પ્રિન્સિપાલ નિશાંતકુમાર વ્યાસને પોલીસે પકડી પાડી ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી આચાર્યની પત્ની પણ ટીચર છે.
વાંચો સમાચાર વિગતવાર
4) વડોદરાના આરોપી બિલ્ડર નવલ ઠક્કરની ધરપકડ, પોતાનાથી અડધી ઉંમરની યુવતી પાસે સંમતિથી સંબંધ બાંધ્યાના લેટર લખાવતો
વડોદરા શહેરમાં કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકલાયેલા બિલ્ડરે સમાજની 20 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ મામલે આરોપી બિલ્ડર નવલ ઠક્કરની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી બિલ્ડર પોતાની અડધી વયની યુવતી સાથે શરીર સંબંધ બાંધી મરજીથી આમ કર્યું છે તેવા લેટર લખાવતો હતો.
વાંચો સમાચાર વિગતવાર
5) મોદીએ કહ્યું- ઘર પર ત્રિરંગો જરૂરથી ફરકાવો, આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવી એ સૌભાગ્યની વાત છે; શહીદ ઉધમ સિંહને નમન કર્યું
મન કી બાતના 91મા એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા કહ્યું- આ વખતે મન કી બાત ખાસ છે. આ વખતે સ્વતંત્રતા દિવસ, જ્યારે ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. આપણે બધા અદ્ભુત અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. એ સૌભાગ્યની વાત છે. જો આપણે ગુલામીના યુગમાં જન્મ્યા હોત, તો આ દિવસની કલ્પના આપણા માટે કેવી હોત.
વાંચો સમાચાર વિગતવાર
6) પાટણના રબારી સમાજમાં લગ્ન પહેલાં બોલાવવામાં આવતી ચાંલ્લા પ્રથા સદંતર બંધ, સગાઇમાં બે જોડ કપડાં જ આપવાનું નવું બંધારણ
પાટણ રબારી સમાજે પણ રિવાજોમાં ફેરફાર કર્યા છે. આજે પાટણના ગોપાલક શિક્ષણ સંકુલ માતરવાડી ખાતે રબારી સમાજની સભા મળી હતી. જે સભામાં અનેક રિત-રિવાજમાં ફેરફાર કરાયા છે. જે ફેરફાર કરાયા તે વિગતે જોઇએ. ગુજરાતમાં અનેક સમાજના લોકોએ હાલમાં સામાજિક અને રુઢિગત રિવાજોને તિલાંજલિ આપી શુભ-અશુભ પ્રસંગે કરાતા બિનજરૂરી ખર્ચને કાબુમાં રાખવા આવકારદાયક પગલાં લેવાનું શરૂ કર્યું છે. વાત પાટીદાર સમાજની હોય કે જૈન સમાજની હોય કે રાજપૂત. આ તમામે લગ્ન, મરણ સહિતના શુભાશુભ પ્રસંગે વત્તે-ઓછે અંશે સામાજિક પરિવર્તનને સ્વીકાર્યું છે.
વાંચો સમાચાર વિગતવાર
7) ઝારખંડના કોંગ્રેસ ધારાસભ્યો પાસેથી 48 લાખ રોકડા મળ્યાં, આસામ સાથે તાર જોડાયેલા છે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષની BJPના મોટા નેતા સાથે મીટિંગ થઈ હતી
પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં 3 ધારાસભ્યો પાસેથી 48 લાખની કેશ મળવાથી ઝારખંડ કોંગ્રેસ ઘેરાઈ છે. એક બ્લેક ફોરચ્યુનર કારમાંથી મળેલી કેશને ગણવા માટે મશીન મંગાવવામાં આવ્યું હતું. પોલીસે ત્રણેની પૂછપરછ માટે ધરપકડ કરી છે. ત્રણે ધારાસભ્યોની હાલ પૂછપરછ થઈ રહી છે.
વાંચો સમાચાર વિગતવાર
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) મલેશિયા નજીક હિન્દ મહાસાગરમાં ચીનનું વધુ એક રોકેટનો કાટમાળ પડ્યો; સોશિયલ મીડિયા ઉપર લોકોએ કહ્યું-આ ઘટના ઉલ્કાપિંડના વરસાદ જેવી
2) કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે પાકિસ્તાનને 8 વિકેટથી કારમી હાર આપી, સ્મૃતિ મંધાનાએ 63 રનની ધમાકેદાર ઈનિંગ રમી, 12 ઓવરમાં જ ટાર્ગેટ પાર પાડ્યો
3) સિંગાપોરમાં 8મી સમિટ:વર્લ્ડ સિટીઝ સમિટમાં સુરતના મેયર પહોંચ્યા, અલગ અલગ દેશના મેયરો સાથે કરી મુલાકાત
4) રાજકોટમાં મેટલ અને ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ મોંઘા થતા રમકડામાં 30% ભાવ વધારો, લોકમેળાના સ્ટોલધારકો મૂંઝવણમાં
5) GTUના કુલપતિ નવીન શેઠ અને GSPના અધ્યાપક કશ્યપ ઠુંમરની ભારત સરકારે 20 વર્ષ માટે પેટન્ટ મંજૂર કરી
6) ગાંધીનગર-અમદાવાદને જોડતાં 28 કરોડના ખોરજ બ્રિજનું ગાબડું પુરવાની કામગીરી આખરે શરૂ કરાઈ
7) કેન્દ્ર સરકારના વીજ સુધારણા બિલ મુદ્દે લાખણીમાં ખેડૂતોનો વિરોધ, પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી
8) જમાલપોરમાં દબાણો દૂર કરવાને લઈ મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ભાજપના આગેવાનો સહિત 1100 કાર્યકરોના રાજીનામા
9) ‘નો રિપીટ’ થિયરીની ચર્ચાઓ વચ્ચે વડોદરામાં ભાજપના બે MLA ટિકિટ ન મળે તો પણ ચૂંટણી લડવા તૈયાર, લોક સંપર્ક પણ વધારી દીધો

આજનો ઈતિહાસ
મહાત્મા ગાંધીએ વર્ષ 1920માં આજના દિવસે દેશમાં અસહયોગ આંદોલનનો પ્રારંભ કર્યો હતો

આજનો સુવિચાર
પડકાર એક એવી બાબત છે, જે આપણી ઈચ્છાશક્તિની પરીક્ષા લે છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું…

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم