ગૃહ રાજ્યમંત્રી PM મોદીની ‘નજર’માં, ભાજપ માટે મોદી-શાહ આવે, AAP માટે કેજરીવાલ આવે, પણ કોંગ્રેસ નિવેદનબાજીમાં વ્યસ્ત | Saaheb Meeting ma chhe: In the 'eyes' of Minister of State for Home PM Modi

અમદાવાદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કરના વાચકો માટે અમે દર સોમવારની સવારે એક નવું નજરાણું લઈને આવીએ છીએ, જેનું નામ છે, ‘સાહેબ મિટિંગમાં છે’. આ વિભાગમાં ગાંધીનગર ઉપરાંત રાજ્યભરમાં નેતાજીઓ અને અધિકારીઓની કામગીરી ઉપરાંત ભીતરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે.

દિલ્હીના નેતાઓ તો ઠીક ગુજરાતના નેતાઓ પણ માર્કેટમાં નથી
ગુજરાતમાં રાજકીય ગરમી જામી રહી છે, વિધાનસભા ચૂંટણીને હજુ 5 મહિના બાકી છે પણ રાજકીય પક્ષો તો તનતોડ મહેનત કરવા લાગી ગયા છે. ભાજપ માટે દિલ્હીથી વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને જનતાનું મન જાણીને મત મેળવવા માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તો ગુજરાતના વિપક્ષ કોંગ્રેસના દિલ્હીના નેતાઓ તો ઠીક ગુજરાતના નેતાઓ પણ હજુ માર્કેટમાં નીકળતા જ નથી. ઓફિસમાં બેસીને માત્ર નિવેદનબાજી કરી રહ્યા છે. તો દિલ્હીની આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગપેસારો કર્યા બાદ જોરશોરથી માત્ર પ્રચાર-પ્રસાર જ નહીં સંગઠનની સ્ટ્રેન્થ વધારવા કોશિશ કરી રહી છે. સાથે સાથે આમ આદમી પાર્ટીના સુપ્રીમો પણ દિલ્હીથી વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

‘આપ’ને ગુજરાતમાં લોઢાના ચણા ચાવવા પડે તેવી સ્થિતિ
ગુજરાતમાં ભાજપ 25 વર્ષ કરતા વધુ સમયથી શાસનમાં છે, ગુજરાતના મતદારોની તાસીર પણ ભાજપ અને કોંગ્રેસ બે જ રાજકીય પક્ષો પૂરતી રહી છે. ગુજરાતમાં ત્રીજા પક્ષને ક્યારેય સફળતા મળી નથી, તે સંજોગોમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પણ લોઢાના ચણા ચાવવા પડે તેમ છે. મતદારોના મનથી મત સુધી પહોંચવું આમ આદમી પાર્ટી માટે અઘરું હોવાનું મનાય છે, તેમ છતાં દિલ્હી અને પંજાબમાં સફળ થયેલી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં અલગ જ સ્ટ્રેટેજી સાથે કામ કરી રહી છે.

વખાણેલી ખીચડી નરેન્દ્ર મોદીના જ દાઢે વળગી ગઈ કે શું?
હજુ તો થોડા દિવસ પહેલા જ ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના જાહેરમાં ભરપૂર વખાણ કર્યા હતા અને ફરી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા ત્યારે પટેલ અને પાટીલ પર અકળાયેલા સ્પષ્ટ જણાતા હતા. ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટનાએ સરકારની દારૂબંધીની પોલ તો ખોલી નાખી.

સાથે સાથે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે સમયે જ વિપક્ષને વધારાનો એક મુદ્દો આપી દીધો હતો. હવે ગુજરાતમાં પટેલ અને પાટીલે વડાપ્રધાનની કાતિલ નજરથી બચવા માટે કવાયત તો શરૂ કરી છે, પણ ક્યારે વાતાવરણ સુધરશે તે હજુ કહી શકાય તેમ નથી. ખાસ કરીને એકદમ એક્ટિવ રહેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ નરેન્દ્ર મોદીની નજરમાં આવી તો ગયા જ છે.

‘આપ’ના મફતના પ્રોમિસ સામે ભાજપના 20 વર્ષના વિકાસની રણનીતિ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપને ટક્કર આપવા આમ આદમી પાર્ટી મહેનત કરી રહી છે. આપની દિલ્હી અને પંજાબની સરકારની કામગીરીનો પ્રચાર ગુજરાતમાં કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને દિલ્હી-પંજાબમાં મફતની યોજનાઓના પ્રોમિસ ગુજરાતની જનતાને પણ આપવામાં આવી રહ્યા છે, તો બીજી બાજુ 25 વર્ષથી સળંગ સત્તા ભોગવી રહેલા ભાજપે વિકાસના નામે પ્રચાર શરૂ કર્યો છે. સાથે સાથે ગુજરાત અને કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ ન મળ્યા હોય તેવા લોકોને લાભ અપાવવા આખું ભાજપ કામે લાગ્યું છે. આમ આપના મફત સામે ભાજપનો વિકાસનો મુદ્દો ચાલી રહ્યો છે.

ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન સ્કૂબા ડાઈવિંગ કરી રહ્યું છે
ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન સોશિયલ મીડિયા એજન્સી શોધવા ખૂબ મહેનત કરી રહી છે. છેલ્લા એક વર્ષમાં બે વાર જાહેરાત આપીને એજન્સી નીમવા પ્રયાસ કર્યા. આ અંગે ટુરિઝમ વિભાગના સૂત્રો કહી રહ્યા છે કે ટુરીઝમ કોર્પોરેશનને ફાવે તેવો મુરતિયો નથી મળતો તેથી ફાઈનલ થતું નથી. કોરોનાને પગલે પ્રવાસન ક્ષેત્રને સૌથી વધુ નુકસાન થયું છે, તેવા તેવા સમયે કોઈને ફાયદો કરાવે તેવા નિર્ણય કરતા રાજ્યના પ્રવાસનને લાભ થાય તેવા કામ થાય તેવો મત નિષ્ણાતો પણ વ્યક્ત કરી રહ્યા છે.

એટલું જ નહીં પ્રવાસન ક્ષેત્રે સૌથી વધુ બિઝનેસ કે કામ ઓનલાઇન જ થઈ રહ્યું છે, ત્યારે સરકારને ઓનલાઇન ગુજરાત પ્રવાસન સ્થળોને પ્રમોશન કરવા સોશિયલ મીડિયામાં કામ કરે તેવી કોઈ એજન્સી મળતી નથી તેથી વારંવાર બીડ મંગાવાય છે પરંતુ કામ પોતાના માણસોને આપવાની હિલચાલ હોય તેવું પ્રવાસન ડિપાર્ટમેન્ટના અધિકારીઓમાં ચર્ચા છે.

સિનિયર અધિકારીઓના ઇગો વચ્ચે ઉદ્યોગોના પ્રોજેક્ટ અટવાયા
અધિકારીઓના ઇગો વચ્ચે દોઢ વર્ષે રાજ્યમાં મોટા પ્રોજેક્ટ અંગે નિર્ણય લેવામાં આવ્યો. દિવ્યભાસ્કરે રાજ્યના ચીફ સેક્રેટરી પંકજ કુમાર અને જે તે વખતના એડિશનલ ચીફ સેક્રટરી રાજીવ ગુપ્તા વચ્ચેની ખટરાગ અંગે સૌ પહેલાં જણાવ્યું હતું. જોકે હવે રાજીવ ગુપ્તા રીટાયર્ડ થયા છે ત્યારે તેમની એક્ઝીટ બાદ ચીફ સેક્રટરીએ મોટા નિર્ણય ઉદ્યોગો માટે લીધા. ચીફ સેક્રેટરી પંકજ કુમાર અને નિવૃત એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાની લડાઇમાં દોઢ વર્ષ સુધી સ્ટેટ લેવલ એપ્રુવલ કમિટી-એસએલએસીની બેઠક જ નહોતી યોજાઇ. આખરે હમણાં આ બેઠક યોજાઇ અને બેઠક નિર્ણાયક પણ રહી. સિનિયર આઇએએસ અધિકારી રાજકુમાર હાલમાં તો ઇન્ડસ્ટ્રી વિભાગનો હવાલો સંભાળે છે, ત્યારે આ મોટા ઉદ્યોગોને લાભ આપી રોકાણ આકર્ષવા અંગે નિર્ણય દોઢ વર્ષે લેવાયો છે. આમ રાજકુમાર આવતા ઉદ્યોગોને નવા પ્રોજેક્ટ માટેની લીલીઝંડી કે નવા રોકાણ માટે દરવાજા ખુલતાં મોટા ઉદ્યોગો પણ રાજ્યમાં કહી રહ્યા છે કે, મોડે મોડે પણ કામ તો થાય છે.

ગિફ્ટ સિટીમાં ચેરમેન તરીકે સુધીર માંકડ ચીટકી ગયાની ચર્ચા
રાજય સરકારે ગિફટસીટીની સ્થાપના કરી તે સમયે ખાનગી કંપની સાથે 50-50 ભાગીદારી કરી હતી. જોકે હવે ખાનગી કંપની આઇએલએન્ડએફએસ ડુબી ગઇ છે અને ગિફટસીટી નવા નવા આયામો સાથે તરી રહ્યુ છે. તેવા સંજોગોમાં ગિફટ સીટીના વડા અને જે તે વખતના ચીફ સેક્રટરી સુધીર માંકડ ને પીએમના ફંકશનમાં હાજર જોઇને અધિકારી અને ગિફટસીટીના સ્ટેક હોલ્ડર કહી રહ્યા હતા કે માંકડ હજુ ગિફટસીટીમાં જ છે. જો કે કેટલાક સિનિયર અધિકારી અને જાણકારોએ એમ પણ ટીપ્પણી કરી હતી કે, વર્ષ 2007 થી 2016 સુધી રીટાયર્ડ અધિકારી માંકડે કંઇ કામગીરી કરી જ ન હતી, જે હાલમાં થઇ રહ્યુ છે, તે પાછળ ખુદ ગિફટસિટી જેમનું બ્રેઇન ચાઇલ્ડ છે તે છે.

કેટલાક તો એમ પણ કહેતાં હતા કે માંકડ અહીં ચીટકી ગયા લાગે છે. વર્ષ 2007થી 15 વર્ષ સુધી સુધીર માંકડ ગિફટ સીટીના ચેરમેનનો મહત્વનો હોદ્દો સંભાળે છે, જે સનદી અધિકારીઓમાં પણ લાંબા સમય સુધી નિવૃતી પછી કોઇને મળેલા હોદ્દાનો પણ અનોખો રેકોર્ડ હશે. કેટલાક તો મહત્વના હોદ્દા પર ગુજરાતી અને નાંણાકિય ક્ષેત્રના અગ્રણીઓને ડિરેકટર હોવા જોઇએ તેવા સ્પષ્ટ મત આપી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم