આણંદ5 મિનિટ પહેલા
- કૉપી લિંક

- ગુણ સહિત 27.12 લાખનો મુદ્દામાલ જપ્ત
આણંદ સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે નાપાડ વાંટા નજીક આવેલા ગોડાઉનમાંથી મિનિટ્રકમાં ચોરી કરેલી તમાકુની ગુણો ભરી લઇ જતાં ચાર શખસને પકડી પાડ્યાં હતાં. તેમની પાસેથી 275 તમાકુની ગુણ ઉપરાંત મિનિટ્રક, મોબાઇલ સહિત કુલ રૂ.27.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જ નવ જેટલી ખળી પરથી ચોરી કરી હોવાનું ખુલ્યું હતું.
સ્થળ પર ચારને પકડી પાડ્યાં
આણંદના ખંભોળજ ગામમાં આવેલી તમાકુની ખળીમાંથી દરવાજાનું તાળું તોડી અંદર મુકેલી તમાકુની 278 ગુણો કિંમત રૂપિયા રૂ.1,94,600ની મતાની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે ખંભોળજ પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં આણંદ એલસીબીને બાતમી મળી હતી કે, પેટલાદના ભારેલ ગામનો ભુપેન્દ્ર પટેલ તેના માણસો સાથે તમાકુની ગુણોની ચોરી કરે છે. આ તમાકુની ગુણો નાપાડ વાટા પંચમશાહ પીરની દરગાહ નજીક મિનિટ્રકમાં ભરી સગેવગે કરી રહ્યા છે. આ બાતમી આધારે એલસીબીએ દરોડો પાડ્યો હતો. જેમાં સ્થળ પર ચાર શખસને પકડી પાડ્યાં હતાં. પોલીસની ટીમને સ્થળ પરથી તમાકુની ગુણો 275 મળી આવી હતી. આ અંગે પુરછપરછ કરતાં તે દસેક દિવસ ઉપર ખંભોળજ સારસા રોડ ઉપરથી તમાકુની ખળીમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આથી, પોલીસે ગુણ, મિનિટ્રક, મોબાઇલ મળી કુલ રૂ.27,12,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ચોરીની કબુલાત કરી
જોકે, પકડાયેલા ચારેય ઈસમો ને પોલીસ મથકે લાવી તેમના નામઠામ પુછતા હોડારામ ઉર્ફે શંકર ગીલારામજી રાણા (રહે.પીજ), ભુપેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ પટેલ (રહે. ભારેલ), વિષ્ણુ જોરાજી રાણા (મારવાડી) (રહે. મેરમાડ વાડા, રાજસ્થાન) તથા ઘનશ્યામભાઈ રામાભાઇ પરમાર (રહે.બોચાસણ) હોવાનું જણાવ્યું હતું. આગવી ઢબે પુછપરછ કરતાં અન્ય ચોરીના પણ ભેદ ઉકેલાયાં હતાં. જેમાં બે વર્ષ ઉપર સંતોકપુરા પાણીના કાસના નાળાની સામે આવેલી તમાકુની ખળીમાંથી 95 ગુણો, ઉઝા નજીક ગંગાનગર, વટવા, રણોલી જીઆઇડીસી વડોદરા, દહેમી, બોદાલ, સારસા અંબાલાલ ધોળીની તમાકુની ખળી તથા મહેળાવ ગામે સ્મશાન નજીક આવેલી તમાકુની ખળીમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ ચારેય આરોપીઓએ દહેમી, સારસા તથા મહેળાવ ગામમાં આવેલી તમાકુની ખળીમાંથી 20થી વધુ વખત ચોરી કરી હતી. જયારે બોદાલ ગામમાં દિનેશભાઈ પટેલની તમાકુની ખળીમાંથી ચારેક વખત ચોરી કરી હોવાની કબુલાત કરી છે.
મજૂરો પાસેથી ટીપ મેળવી ચોરી કરતા હતા
પોલીસની પુછપરછમાં પકડાયેલા ચારેય શખસો તમાકુની ખળીમાં કામ કરતા મજુરોની સાથે સંપર્ક ધરાવી તેમની પાસેથી તમાકુની ગુણોની માહિતી મેળવી લેતા હતા અને તક મળતા મિની ટ્રક મારફતે રાત્રિના સમયે ચોરી કરી લેતા હતા.