ગુજરાતમાં (Gujarat) મોટાભાગના વિસ્તારોમાં મતદારોને પોતાની તરફ કરવા હવે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યુ છે. ત્યારે ગુજરાતના ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી OBC અનામત માટે મક્કમ અને કટિબદ્ધ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) હવે ખૂબ જ નજીક આવી રહી છે, ત્યારે ભાજપે (BJP) પણ મિશન 182 સાથે સક્રિયતા વધારી દીધી છે. ગુજરાતમાં (Gujarat) મોટાભાગના વિસ્તારોમાં મતદારોને પોતાની તરફ કરવા હવે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યુ છે. ત્યારે ગુજરાતના ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી OBC અનામત માટે મક્કમ અને કટિબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા નિમાયેલ આયોગ જ્યારે ચર્ચા માટે બોલાવશે ત્યારે મક્કમતાપૂર્વક અમે અનામત માટે રજૂઆત કરીશું.
ચૂંટણી કેમ્પેઈન ઉપર ફોકસ કરવામાં આવ્યુ હતુ
આ ઉપરાંત રાજ્યના ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાલમાં ગુજરાત પ્રવાસે છે, ત્યારે મંગળવારે મોડી રાત સુધી CM ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ચૂંટણીને લઈને બેઠકનો દૌર મળ્યો હતો.બી.એલ. સંતોષની ગુજરાત મુલાકાત બાદ હવે ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે છે. ભાજપમાં એક પછી એક બેઠકોનો દૌર ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યો છે. ભૂપેન્દ્ર યાદવના ગુજરાતમાં આવ્યા બાદ ગઈકાલે રાતથી બેઠકો શરુ થઈ હતી. રાત્રે 9 વાગ્યાથી સીએમ નિવાસસ્થાને બેઠક શરુ થઈ હતી જે લગભગ 12 વાગ્યા સુધી ચાલી હતી. એટલે કે ત્રણ કલાક સુધી મેરેથોન બેઠક ચાલી હતી. આ બેઠકમાં સૌથી વધુ ચૂંટણી કેમ્પેઈન ઉપર ફોકસ કરવામાં આવ્યુ હતુ.
ચૂંટણી કેમ્પેઈન પર ચર્ચા
હાલમાં રાજ્યમાં વરસાદી માહોલ છે, જેના પગલે ચૂંટણી કેમ્પેઈન થઈ રહ્યુ નથી. ત્યારે સોશિયલ મીડિયાથી માંડી ફિઝીકલ રીતે ચૂંટણી કેમ્પેઈન કેવુ હોવું જોઈએ, આખરી ઓપ કેવી રીતે હોવો જોઈએ, તેને લઈને ભાજપની મેરેથોન બેઠકમાં ચર્ચા થઈ છે. આ બેઠકમાં ત્રણ મહત્વના મુદ્દા સામે આવ્યા છે. પહેલો મુદ્દો એ છે કે ઝોન વાઈઝ કેમ્પેઈન કરવામાં આવશે. જેમ કે પૂર્વ ઝોન કે પશ્ચિમ ઝોન કે સૌરાષ્ટ્ર ઝોન છે. આ દરેક ઝોનની અલગ અલગ તાસીર છે. ત્યારે તે પ્રમાણે કેમ્પેઈન શરુ કરવા પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી.
નાની નાની જ્ઞાતિઓને ભાજપ તરફી કરવા બેઠકો
બી.એલ. સંતોષે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન નાની નાની જ્ઞાતિઓને ભાજપ તરફી કરવા માટે બેઠકો કરી કેટલીક જવાબદારીઓ પણ સોંપવામાં આવી હતી. ત્યારે હવે અલગ અલગ વર્ગ અને સમુદાયને લઈને કેમ્પેઈન શરુ કરવામાં આવે તે પ્રકારની ચર્ચા પણ બેઠકમાં કરવામાં આવી હતી. તેની સાથે જ તાલુકાથી માંડી અને પ્રદેશ સ્તર સુધીના અલગ અલગ જે મોરચાઓ છે, તેમાં સંયોજકો, વિસ્તારકોને અને બેઠક વાઈસ પ્રભારીઓનો તાલમેલ જળવાઈ રહે તે માટે ચર્ચા કરવામાં આવી. આ સાથે જ ઈલેક્શન મોડ ઓન થાય અને તેમાં સરકાર હોય કે સંગઠન આ તમામ લોકો એકસાથે પ્રચારમાં અત્યારથી લાગી જાય તે માટે પ્રયત્નો શરુ કરાયા છે.