Ahmedabad: નેશનલ ગેમ્સને લઇને નરોડા કોલેજમાં તૈયારીઓ, ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ દેખાયો | Ahmedabad Preparations at Naroda College for the National Games sportsmen showed great enthusiasm

નેશનલ ગેમ્સમાં (National Games) ગુજરાતના ખેલાડીઓ સૌથી સારૂ પ્રદર્શન આપી શકે તે માટે મેદાનમાં સતત તૈયારીઓ કરી રહ્યા છે. ગુજરાતના ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Ahmedabad: નેશનલ ગેમ્સને લઇને નરોડા કોલેજમાં તૈયારીઓ, ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ દેખાયો

નેશનલ ગેમ્સ માટે અમદાવાદમાં નરોડા કોલેજમાં તૈયારીઓ

ગુજરાત (Gujarat) પ્રથમવાર નેશનસ ગેમ્સનું (Nations Games) આયોજન થઈ રહ્યુ છે. નેશનલ ગેમ્સને અત્યાર સુધીની શ્રેષ્ઠ બનાવવા સરકાર પણ મથી રહી છે. તો 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓ સૌથી સારૂ પ્રદર્શન આપી શકે તે માટે મેદાનમાં સતત તૈયારીઓ કરી રહ્યા છે. ગુજરાતના ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદની (Ahmedabad) નરોડા કોલેજમાં ખેલાડીઓને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે અને ખેલાડીઓને અવરોધરૂપ પરિબળોને દુર કરવામાં આવ્યા છે. અહીંના વિદ્યાર્થીઓનું કહેવું છે કે, અમને કોલેજ અને સરકાર તરફથી મદદ મળી રહી છે. નેશનલ ગેમ્સમાં સારુ પરફોર્મન્સ આપીએ તે માટે રોજ ગ્રાઉન્ડ પર પરસેવો પાડી રહ્યા છે.

પોતાની પસંદગી નેશનલ ગેમ્સમાં થઈ હોવાથી અને ગુજરાતના આંગણે જ રમવાનો મોકો મળે તે દરેક ખેલાડીઓ માટે ઉત્સાહની વાત છે. ત્યારે ઘર આંગણે નેશનલ ગેમ્સ રમી ગોલ્ડ મેળવવા ખોખોના ખેલાડી વહેલી સવારથી જ રોજ પ્રેકટિસ કરી રહ્યા છે. તો બીજી તરફ એવા પણ ખેલાડીઓ છે જેમને પરિવાર તરફથી પ્રોત્સાહન કે મદદ મળી ન હતી. પરંતુ પોતાના મનોબળના જોરે આગળ વધ્યા છે. આવી જ અમદાવાદની એક ખેલાડીએ દોડમાં નેશનલ ગેમ્સમાં પોતાની પસંદગી મેળવી અને પરિવારનું નામ રોશન કર્યુ છે. તેમજ 800 મીટર અને 1500 મીટરની દોડમાં નેશનલ ગેમ્સમાં ગુજરાત તરફથી રમશે.

રમતગમતમાં પોતાનું નામ બનાવવું દરેક ખેલાડીઓનું સપનું હોય છે પરંતુ તેમાના કેટલાક લોકો જ આ સ્વપ્ન સાકાર કરી શકે છે, પરંતુ અમદાવાદની કબડ્ડીની ખેલાડી  ઇલા ભરવાડ એવી ખેલાડી છે જેણે સ્પોર્ટસથી સમાજમાં પોતાની નવી ઓળખ ઉભી કરી છે અને પોતાની સાથે દેશનું નામ વધારવાનું સપનું જોયું છે. 36મી નેશનલ ગેમ્સ જેવી રીતે પોતાના ચરણમાં આગળ વધી રહી છે, તેમ ખેલાડીઓની સાથે તેમના સ્પોર્ટસ ટીચર પણ સતત પ્રોત્સાહન આપી રહ્યા છે અને પોતાનો ખેલાડી સ્પર્ધામાં સારામાં સારુ પ્રદર્શન આપી શકે તે માટે મહેનત કરાવી રહ્યા છે.

મહત્વનું છે કે, આગામી 29 સપ્ટેમ્બરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સની શરૂઆત થવા જઇ રહી છે. 29 સપ્ટેમ્બરે PM મોદી નેશનલ ગેમ્સને ખુલ્લી મુકશે. ત્યારે પીએમ મોદીની મુલાકાત પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પહોંચ્યા હતા અને 36મી નેશનલ ગેમ્સને લઈ નિરીક્ષણ કર્યું હતું. ગેમ્સ અંગે સ્ટેડિયમમાં કેવી તૈયારી છે તે અંગે અધિકારીઓ સાથે સમગ્ર કાર્યક્રમને લઇ સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી હતી.