ગણેશજીની વિસર્જન કરાયેલ મૂર્તિઓ તળાવમાં ફેંકવાનો વિડીયો વાયરલ

[og_img]

  • દશામાં તળાવમાં શ્રીજીની મૂર્તિઓ ફેંકવાનો વિડીયો વાયરલ
  • કોર્પોરેટરે વિસર્જિત કરાવેલી શ્રીજીની મૂર્તિઓ અન્ય તળાવમાં ફેંકવામાં આવી
  • શ્રીજીની મૂર્તિ ગોત્રી વિસ્તારમાંથી લાવ્યા હોવાની ચર્ચાથી ખળભળાટ

વડોદરા શહેરના દશામાં તળાવમાં શ્રીજીની મૂર્તિઓ ફેંકવામાં આવી રહી હોવાનો વીડિયો વાઇરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે. વીડિયોમાં સ્થળ પર ભાજપના કાઉન્સિલર નીતિન ડોંગાની કાર હાજર હોવાથી અને શ્રીજીની મૂર્તિ ગોત્રી વિસ્તારમાંથી લાવ્યા હોવાનું જણાઈ આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે અને શ્રીજીના અપમાનથી ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.

વડોદરા શહેરના ગોરવા દશામા તળાવ પાસે પાલિકાએ કૃત્રિમ તળાવ બનાવ્યું છે. એની નજીક જ આવેલા તળાવમાં ટ્રેક્ટરમાં લઈને આવેલી શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે વીડિયો બનાવનાર યુવકે મૂર્તિઓ લઈને આવેલા ટ્રેક્ટરચાલકને પૂછતાં તેણે જણાવ્યું હતું કે આ મૂર્તિઓ ગોત્રી સારાભાઈની બાજુમાંથી લઈને આવ્યા છીએ. તદુપરાંત આ ટ્રેક્ટર ખાલી કરવાના રૂ. 800 આપવામાં આવ્યા હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે. આ સમયે ત્યાં વોર્ડ નંબર 10ના કાઉન્સિલર નીતિન દોંગાની પણ કાર હાજર હોવાનું જણાઈ આવતાં ભારે વિવાદ થયો છે.

આ સંદર્ભે નીતિન દોંગાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તેમણે રવિવારે મોડી રાત્રે ફાયરબ્રિગેડની મદદથી દશામા તળાવમાં શ્રીજીની મૂર્તિઓનું પોતાના હાથે વિસર્જન કર્યું છે. તદુપરાંત સોમવારે બપોરે પણ શ્રીજીની મૂર્તિઓને વિસર્જિત કરવા તેઓ આવ્યા હતા, પરંતુ તેમના ગયા બાદ અન્ય કોઈ આ રીતે મૂર્તિ વિસર્જિત કરતું હશે. તેમની કાર ત્યાં હોવાના પ્રશ્ન સંદર્ભે પણ તેમણે જણાવ્યું હતું કે વીડિયો અગાઉથી લીધેલો હોવો જોઈએ. ઉલ્લેખનીય છે કે નીતિન ડોંગાએ તાજેતરમાં જ ગોત્રી સારાભાઈ સોસાયટી સામે કુંડ બનાવ્યો હતો, જેમાં ત્રણ નદીના આ પાણીમાં શ્રીજીની મૂર્તિઓ વિસર્જિત કરાઈ હતી.

أحدث أقدم