અમરેલી જિલ્લામાં ગણપતિ વિસર્જન માટે સ્થળ, યાત્રાના રૂટ નક્કી કરાશે

[og_img]

  • ગમે ત્યાં વિસર્જન નહીં કરી શકાય, શોભાયાત્રા પણ નિર્ધારિત રૂટમાં જ કાઢી શકશે
  • ગણેશ ઉત્સવમાં વ્યવસ્થાની જાળવણી માટે અધિક કલેક્ટરનું જાહેરનામું
  • લોકોની લાગણી દુભાય તેવી મૂર્તિઓ, ચિહ્નો ઉપર પણ સખત પ્રતિબંધ

અમરેલી જિલ્લામાં હાલમાં શેરીએ શેરીએ દુંદાળા દેવની સ્થાપના કરીને ગણેશ ઉત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિસર્જન માટે અત્યારેથી જ અધિક કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને વિવિધ આદેશ કરવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર દરમિયાન પર્યાવરણની જાળવણી થઈ શકે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેવા હેતુથી અધિક અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ આર.બી.વાળાએ આગામી તા.10/09 સુધી પ્રતિબંધાત્મક આદેશો સાથે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત મૂર્તિની સ્થાપના બાદ નક્કી કરેલા વિસર્જન સ્થળો અને મંજૂર થયા હોય તેવા સ્થળ સિવાય અન્ય કોઈ સ્થળ ખાતે વિસર્જન કરવા પર પ્રતિબંધ ફરવામાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઈ ચિહ્નો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા પર, ખરીદવા કે વેચવા કે સ્થાપના કરવા પર પ્રતિબંધ છે. જિલ્લામાં મૂર્તિના વિસર્જન સરઘસ માટે પરવાનગીમાં દર્શાવવામાં આવ્યા હોય તે રુટ સિવાયના અન્ય રુટ પર શોભાયાત્રા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ છે. મૂર્તિઓને વિસર્જન કર્યા બાદ પાણીમાંથી બહાર કાઢી પરત લઈ જવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ આઈ.પી.સી.ની કલમ-188 હેઠળ સજાને પાત્ર થશે. બીજી તરફ વિસર્જન માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.

أحدث أقدم