Saturday, September 3, 2022

મતદારોની જાગૃતિ માટે EVM-VVPAT નિદર્શન તાલીમનો કલેક્ટરના હસ્તે પ્રારંભ

[og_img]

  • રાજકોટ જિલ્લા જિલ્લા વહીવટ દ્વારા ચૂંટણી તૈયારીઓ શરૂ
  • જિલ્લામાં 13 કેન્દ્રો, 26 મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન શરૂ કરાઈ
  • વોટિંગ પ્રક્રિયાના લાઈવ નિદર્શનનો લાભ લેવા પણ અપીલ

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી સંબંધિત તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ચૂંટણીમાં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમો ચાલી રહ્યા છે. જે અંતર્ગત આજે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે EVM નિદર્શન કેન્દ્રનું ક્લેક્ટર અરુણ મહેશ બાબુના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું, EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન)નું બટન કેમ દબાવવું, VVPAT (વોટર વેરિફાએબલ પેપર ઓડિટ ટ્રેલ)માંથી પહોંચ કઈ રીતે નીકળે તેનું લાઈવ નિદર્શન પણ આ તકે કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ નાગરિકોને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નામ ઉમેરવા, સુધારવા સહિતની સેવાઓનો લાભ લેવા અપીલ કરી હતી. તેમણે પ્રથમ વખત મતદાન કરતા મતદારોએ EVM નિદર્શન કેન્દ્રોમાં વોટિંગ પ્રક્રિયાના લાઈવ નિદર્શનનો લાભ લેવા પણ અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મતદારોની જાગૃતિ અને મતદાન અંગે નાગરિકોને તાલીમ આપવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આઠ વિધાનસભા મત વિસ્તારોમાં 13 કેન્દ્ર તેમજ 26 મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન કાર્યરત કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે. ખાચરના નિદર્શનમાં ટ્રેઈન્ડ સ્ટાફ દ્વારા આ કવાયત ચાલી રહી છે. રાજકોટ શહેરમાં જિલ્લા કલેક્ટર ઓફિસના જનસેવા કેન્દ્ર ઉપરાંત રાજકોટ સિટી મામલતદાર કચેરી, પૂર્વ, પશ્વિમ, દક્ષિણ તથા ગ્રામ્ય મામલતદાર કચેરી તેમજ જિલ્લામાં જસદણ, વીંછિયા, ગોંડલના સેવાસદન, જેતપુર, જામકંડોરણા, ધોરાજી અને ઉપલેટાની મામલતદાર ઓફિસ વગેરે ખાતે નિદર્શન તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત 26 મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાન દ્વારા 1083 જેટલા પોલિંગ સ્ટેશન વિસ્તારમાં પણ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેર પૂર્વમાં બે, પશ્ચિમમાં 4, દક્ષિણમાં 3 તેમજ રાજકોટ ગ્રામ્યમાં 2 વાન કાર્યરત કરાઈ છે. જયારે જસદણ તેમજ ગોંડલ ખાતે 2, જેતપુર ખાતે 8 તેમજ ધોરાજી ખાતે 3 વાન દ્વારા લોકોને સ્થળ પર EVM તેમજ VVPAT અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. EVM નિદર્શન કેન્દ્રના ઉદ્ઘાટનમાં રાજકોટ સિટી-2 પ્રાંત અધિકારી ડૉ. સંદીપ વર્મા, મામલતદાર એમ. ડી. દવે સહિત ચૂંટણી શાખાના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.