Gujarat Election: અરવિંદ કેજરીવાલ ભગવાન શ્રીકૃષ્ણ વિશે કરેલી ટિપ્પણીને લઈને વિવાદમાં આવ્યા છે. દ્વારકામાં કેજરીવાલે નિવેદન આપ્યુ હતુ કે જ્યારે જ્યારે પૃથ્વી પગરબડ થાય છે ભગવાન શ્રીકૃષ્ણને ઝાડુ ફેરવવુ પડે છે. આ નિવેદનને ભાજપે દ્વારકાધિશનું અને કરોડો હિંદુ ભક્તોનું અપમાન ગણાવ્યુ છે.
ગુજરાતના પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriiwal)ની દ્વારકા મુલાકાત વિવાદમાં આવી છે. કૃષ્ણભૂમિ દ્વારકા(Dwarka)માં અરવિંદ કેજરીવાલે ભગવાન શ્રીકૃષ્ણને લઈને કરેલા નિવેદનને લઈને વિવાદ થયો છે. આ નિવેદન હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે જ્યારે જ્યારે પૃથ્વી પર ગરબડ થાય ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ઝાડુ ફેરવવુ પડે છે. દ્વારકાની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલ પહેલા સંસ્કૃતનો અડધો શ્લોક બોલ્યા હતા. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ(Krishna)ને લઈને વિવાદી ટિપ્પણી કરી.
આ સમયે ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી અને પ્રવિણ રામ સહિતના ગુજરાતની સંસ્કૃતિને જાણનારા નેતાઓ કેજરીવાલ સાથે ઉપસ્થિત હતા. જો કે કોઈએ તેમને ભગવાન શ્રીકૃષ્ણ વિશે બફાટ કરતા અટકાવ્યા ન હતા. અરવિંદ કેજરીવાલે કહ્યુ, જ્યારે જ્યારે પૃથ્વી પર કોઈ ગરબડ થાય છે ત્યારે ભગવાને તેમનુ ઝાડુ ચલાવવુ પડે છે અને ભગવાન તેમનુ ઝાડુ ચલાવે છે.
પ્રભુના અપમાનનો જનતા જવાબ આપશે- ભાજપ
આ અંગે ભાજપના નેતા ભરત ડાંગરે ટ્વીટ કરી અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યો તેમણે જણાવ્યુ કે કેજરીવાલને ભગવદગીતાનો શ્લોક ન આવડે તે સમજી શકાય પરંતુ શ્રીકૃષ્ણના હાથમાં સુદર્શન ચક્ર હોય છે સાવરણો નહીં. ભાજપના ભરત ડાંગરે આરોપ લગાવ્યો કે નિમ્ન કક્ષાની બુદ્ધિ કે સ્વાર્થ માટે ભગવાન દ્વારકાધિશનું અપમાન કરવામાં આવ્યુ. ભાજપના નેતાઓએ કેજરીવાલના આ નિવેદનને ભગવાન શ્રીકૃષ્ણ અને કરોડો ભક્તોનું અપમાન ગણાવ્યુ.
ભાજપના નેતા ભરત ડાંગરે કહ્યુ કે શ્રીકૃષ્ણના હાથમાં સુદર્શન ચક્ર હોય છે તે વાત નાના બાળકો પણ જાણે છે. પરંતુ શ્રીકૃષ્ણના હાથમાં ઝાડુ હોવાની વાત કરીને કેજરીવાલ જાણી જોઈને સમગ્ર હિંદુ સમાજનું અપમાન કરી રહ્યા છે. ભાજપે પ્રહાર કર્યો કે પ્રભુના અપમાનનો જનતા જવાબ આપશે. ભરત ડાંગરે કેજરીવાલને સવાલ કર્યો કે કોને ખુશ કરવા માટે કેજરીવાલે આ પ્રકારનું નિવેદન કર્યુ તેનો ખૂલાસો કરવો જોઈએ.