[og_img]
- ભૂતપૂર્વ ક્રિકેટર ટીમ મૂડીનું સ્થાન લેશે બ્રાયન લારા
- લારાને 2023ની સિઝન માટે ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યો
- લારા ડિસેમ્બર 2021માં SRHના બેટિંગ કોચ તરીકે જોડાયો હતો
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ મેનેજમેન્ટે પોતાના જમાનાના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાને 2023ની સિઝન માટે ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યો છે. તે હવે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ટીમ મૂડીનું સ્થાન લેશે. 53 વર્ષના લારા માટે કોઈપણ T20 ટીમના મુખ્ય કોચ તરીકેનો પ્રથમ કાર્યકાળ હશે. નોંધનીય છે કે વેસ્ટ ઇન્ડિઝ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન લારા પાછલા વર્ષે ડિસેમ્બરમા સનરાઇઝર્સ સાથે વ્યૂહાત્મક સલાહકાર અને બેટિંગ કોચ તરીકે જોડાયો હતો.
સોશિયલ મીડિયા પર હૈદરાબાદે પોસ્ટ કરી
સનરાઇઝર્સ હૈદરાબાદે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને બ્રાયન લારાને ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હોવાની જાણ કરી હતી. ફ્રેન્ચાઇઝીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે મહાન ક્રેકેટ ખેલાડી બ્રાયન લારા આગામી આઈપીએલ સિઝન માટે અમારા મુખ્ય કોચ રહેશે. ક્રિકેટ ઇતિહાસમાં સૌથી સફળ બેટ્સમેનોમાં સામેલ લારા 2007માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થયો હતો.
મૂડી સાથે હૈદરાબાદનો કોન્ટ્રાક્ટ પૂરો થયો
મૂડીની આગેવાની હેટળ હૈદરાબાદની ટીમે 2022માં અત્યંત કંગાળ દેખાવ કર્યો હતો. મૂડી સાથેનો પોતાનો કોન્ટ્રાક્ટ પૂરો થવાની જાણ કરતાં હૈદરાબાદની ટીમે જણાવ્યું હતું કે તેમની સાથેનો અમારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ રહ્યો છે. આ પ્રસંગે અમે ટોમ મૂડીને તેમના યોગદાન બદલ ધન્યવાદ આપવાનું પસંદ કરીશું. વર્ષો સુધીની આ સફર શાનદાર રહી છે. અમે તેમને ભવિષ્ય માટે શુભકામના આપીએ છીએ. મૂડીની આગેવાની હેઠળ 2016મા આ ટીમે ખિતાબ પણ હાંસલ કર્યો હતો.