વડોદરા29 મિનિટ પહેલા
વડોદરા શહેરના તરસાલી-જામ્બુઆ હાઇવે પર હત્યા કરાયેલો મૃતદેહ મળવા મામલે આરોપીને ઝડપી લઇ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેમાં પાડોશીએ નહીં પણ ધંધાકીય અદાવતમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી હતી. તેમજ પોલીસથી બચવાના કીમિયા યુ-ટ્યુબ પર સર્ચ કર્યા હતા. તેમજ ન્યાયની માંગણી માટે મૃતદેહ નહીં સ્વીકારવાના વિરોધ પ્રદર્શનમાં પણ તે હાજર રહ્યો હતો.
હત્યાના શકમંદ બન્યા પાડોશી
વડોદરાના મકરપુરા વિસ્તારની ઇંદુયાજ્ઞિક નગરમાં રહેતા દિલિપકુમાર શંભુસરન કુસ્વાહાનો હત્યા કરાયેલો મૃતદેહ ગત રવિવાર સવારે તરસાલી-જામ્બુઆ હાઇવે પર મળી આવ્યો હતો. દિલિપની પત્ની બિન્દુ દેવીએ આક્ષેપ કર્યો હતો કે, તેમણે મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે અયોધ્યા ટાઉનશીપમાં મકાન ખરીદ્યુ છે. તેના બીજા માળનું કામ ચાલે છે. જેની કોમન દિવાલના ખર્ચ અંગે પડોશી સુરેશ જાદવ સાથે વિવાદ ચાલી રહ્યો છે. જેથી સુરેશ જાદવ અને તેની પુત્રીએ દિલિપની હત્યા કરાવી છે. આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં સુરેશ જાદવ અને તેની પુત્રી ખુશ્બુ સામે હત્યાના શકમંદ તરીકે ગુનો પણ દાખલ થઇ ગયો હતો. જ્યારે બીજી તરફ આરોપીઓને ફાંસીની સજાની માંગણી અને એક કરોડ રૂપિયાના વળતરની માંગણી સાથે બિન્દુ અને તેના પરિવારજનોએ સયાજી હોસ્પિટલ ખાતેથી દિલિપનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
પાડોશીની હત્યામાં સંડોવણી જ ન નીકળી
બીજી તરફ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દિલિપ હત્યા કેસમાં તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં પહેલા તો ક્રાઇમ બ્રાન્ચે પાડોશી સુરેશ અને ખુશ્બુની પૂછપરછ કરી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળ્યું કે, જેમના પર હત્યાની શંકા સેવવામાં આવી રહી છે, તેઓ હત્યા થઇ તે દિવસે મહારાષ્ટ્ર હતા અને એ રાત્રે જ પરત ફર્યા હતા. જેથી પોલીસે બીજી દિશામાં પણ તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, દિલિપની હત્યા ધંધાકીય ભાગીદારીમાં રવિકાંત પ્રસાદ અને અડવાણીકુમાર પાસવાને કરી છે.
ધંધાદારી મિત્રએ જ મર્ડરનો પ્લાન ઘડ્યો
વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ACP એચ.એ. રાઠોડે જણાવ્યું હતું કે, દિલિપ અને રવિકાંત શ્રીયોગેન્દ્ર પ્રસાદ (રહે. ઇંદિરાનગર, મકરપુરા એસ.ટી.ડેપો પાછળ, મકરપુરા, વડોદરા) એક જ કંપનીમાંથી લેથ મશીન વર્કના ઓર્ડર લેતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી દિલિપની વધુ ઓર્ડર મળતા હતા. જ્યારે રવિકાંતને ઓછું કામ મળતું હતું. જે અંગે રવિકાંતે અદાવત રાખી દિલિપની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. જેમાં રવિવારે કામ છે તેમ જણાવી દિલિપને ફેક્ટરીમાં બોલાવ્યો હતો. જ્યાં રવિકાંત પ્રસાદ અને તેના સાથીદાર અડવાણીકુમાર પાસવાન (મૂળ રહે. બિહાર)એ દિલિપના માથાના ઘા મારી તેનું ગળું દબાવી હત્યા કરી હતી.
લાશ લઇ જતાં સીસીટીવીમાં કેદ
પોલીસ તપાસમાં જણાવા મળ્યું છે કે, દિલિપ જે બાઇક લઇને આવ્યો હતો તેના પર તેની લાશ તરસાલી લઇ જવામાં આવી હતી. અડવાણીકુમારે બાઇક ચલાવી લીધું હતું, દિલિપનો મૃતદેહ વચ્ચે રાખ્યો અને પાછળ રવિકાંત બેઠો હતો. તેમણે મોકો જોઇને રાતના અંધારામાં દિલિપની લાશને હાઇવેની સાઇડમાં ફેંકી દીધી હતી. પોલીસને બાઇક પર લાશ જવાતી હોવાના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે. હત્યારાઓ બાઇક અને મોબાઇલ પણ ફેંકી દીધા હતા અને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
પોલીસથી બચવાના કીમિયા યુ-ટ્યુબ પર સર્ચ કર્યા
પોલીસે હત્યારા રવિકાંતને ઝડપી લીધા બાદ તેનો મોબાઇલ તપાસતા જણાવા મળ્યું છે કે રવિકાંતે હત્યા બાદ પોલીસથી કેવી રીતે બચવું અને પોલીસને કેવી રીતે ગેરમાર્ગે દોરવી તે અંગે યુ-ટ્યુબ 5 કીમિયા સર્ચ કર્યા હતા. એટલું જ નહીં રવિકાંત સયાજી હોસ્પિટલ ખાતે દિલિપના મૃતદેહ નહીં સ્વીકારવાના વિરોધ પ્રદર્શનમાં સામેલ થયો હતો. તેમજ પોલીસ શું કાર્યવાહી કરી રહી છે તેના પર નજર રાખી રહ્યો હતો. હાલ રવિકાંતની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે સાગરિત અડવાણીકુમાર ફરાર છે.
હત્યારો રવિકાંત રીઢો ગૂનેગાર
રવિકાંત અગાઉ વર્ષ 2007માં મકરપુરામાં જ વાહન ચોરી, ઘરફોડ ચોરી તેમજ હથિયાર રાખવા સહિતના છ ગુનાઓમાં પકડાયો હતો. એટલે કે હત્યારો રીઢો ગૂનેગાર છે અને તેણે પોલીસને ગેરમાર્ગે દોરવા અનેક પ્રયાસ કર્યા હતો. જો કે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સતત 48 કલાક સુધી ઇન્વેસ્ટિગેશન કરી ક્રાઇમ પેટ્રોલ જેવી મર્ડર મિસ્ટ્રીને ઉકેલી નાખી છે.