કર્ણાટક સંઘ, અમદાવાદ-ગુજરાત દ્વારા આયોજિત 'કર્ણાટક દર્શન 2022'નો શુભારંભ કરાયો

[og_img]

  • 75મી વર્ષગાંઠ નિમિત્તે હીરક જયંતિ સમારોહના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો
  • આ પ્રસંગે કર્ણાટકના ઉદ્યોગ મંત્રી મુરુગેશ નીરાણી ખાસ ઉપસ્થિત રહ્યા
  • કર્ણાટક અને કન્નડ સંસ્કૃતિ, ખાન-પાન, ઉદ્યોગ-વેપાર સાથેના કાર્યક્રમો યોજાશે

અમદાવાદ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કર્ણાટક સંઘ-અમદાવાદની 75મી વર્ષગાંઠ નિમિત્તે હીરક જયંતિ સમારોહના ભાગરૂપે યોજાયેલો ‘કર્ણાટક દર્શન 2022’નો શુભારંભ યોજાયો હતો.

દેશની આઝાદીના 75 વર્ષ અને કર્ણાટક સંઘ, અમદાવાદને પણ 75મી વર્ષગાંઠ

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હેરિટેજ સિટી અમદાવાદના આંગણે આજે આયોજિત કર્ણાટક દર્શન- 2022ના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહીને આનંદની લાગણી અનુભવું છું. દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવાની સાથે જ કર્ણાટક સંઘ-અમદાવાદની પણ 75મી વર્ષગાંઠ છે જે એક સુખદ યોગાનુયોગ છે. આજે આઝાદી પછી આટલા વર્ષે આપણને એવું સબળ નેતૃત્વ મળ્યું છે કે આજે આપણે બધા પોતાનું ગામ, પોતાનું શહેર કે પોતાના રાજ્ય કરતાં પોતાના દેશને વધુ મહત્ત્વ આપીએ છીએ અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાકાર કરી રહ્યા છીએ. કર્ણાટકથી વર્ષો પહેલા આવીને અહી વસેલા લોકો આજે અહીંયા દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતના અવિરત વિકાસમાં આજે ગુજરાતમાં વસેલા આવા સવાયા ગુજરાતીઓનો પણ ફાળો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં હંમેશાં દરેક રાજ્ય એક થઈને દેશની વિકાસયાત્રામાં સહભાગી બને એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સતત પ્રયત્નશીલ રહે છે.

ટૂંકા ગાળામાં ગુજરાતે નેશનલ ગેમ્સનું આયોજન કર્યું છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે ખૂબ જ ટૂંકા ગાળામાં ગુજરાતે નેશનલ ગેમ્સનું આયોજન કર્યું છે. આટલા ટૂંકા સમયગાળામાં પણ રાજ્યએ દેશભરના રમતવીરોને ઉચ્ચ કક્ષાની સુવિધાઓ પૂરી પાડીને નેશનલ ગેમ્સનું સફળ આયોજન કર્યું છે, જે ગુજરાતના ડેવલપમેન્ટ મોડલ અને સર્વક્ષેત્રે સર્વાંગી વિકાસને લીધે શક્ય બન્યું છે.

Previous Post Next Post