[og_img]
- પેટા-સુરક્ષા એજન્સીઓની કાર્યપદ્ધતીથી શહેરીજનો રોમાંચિત
- પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે પણ નૌસેના પ્રદર્શન શરુ થયું છે
- જાહેર જનતા જહાજની મુલાકાત લઈ શકે તે પ્રકારે આયોજન કરાયું
ડીફેન્સ એક્સ્પો -2022 અંતર્ગત પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે પાંચ દિવસીય નૌસેના પ્રદર્શન શરુ થયું છે. જેના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લઇ સુરક્ષા એજન્સીઓની કામગીરી અને તેઓની આધુનિક સાધનસામગ્રીથી પરિચિત થયા હતા.
પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો હાજર
ગાંધીનગર ખાતે આજે તા 18 થી 22 સુધી ડીફેન્સ એક્સ્પોનું આયોજન કરાયું છે. ત્યારે પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે પણ આજે તા.18 થી નૌસેના પ્રદર્શન શરુ થયું છે જે તા.22 સુધી ચાલશે. આ પ્રદર્શનમાં દરરોજ સવારે 10થી બપોરના 12.30 સુધી તથા બપોરે 2 થી 4.30 સુધી જાહેર જનતા નૌસેના પ્રદર્શન અને જહાજની મુલાકાત લઈ શકે તે પ્રકારે આયોજન કરાયું છે. ત્યારે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શહેરીજનો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. અહીં કોસ્ટગાર્ડના બે આધુનિક શીપ સજગ તથા સાર્થક લોકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. ઉપરાંત નેવીનું આઈ એન એસ બેતવા નામનું શીપ પણ ખુલ્લું મુકાયું છે. અહીં પ્રદર્શનમાં સુરક્ષા એજન્સીઓના જવાનો દ્વારા ઉપયોગમાં લેવાતા રોકેટ લોન્ચર, વિવિધ પિસ્તોલ, ઇન્સાસ સહિતની વિવિધ રાયફલો, હેન્ડ ગ્રેનેડ સહિતના આધુનિક હથિયારો, સર્ચ અને રેસ્ક્યુ માટેની સાધન સામગ્રી, શીપમાં મધદરિયે આગ લાગે અથવા પાણી ભરાવા લાગે તો ઉપયોગમાં લેવાતા સાધનો વગેરે મુકવામાં આવ્યા છે. ઉપરાંત દરરોજ સાંજે 5 થી 6 સુધી લોકોને સર્ચ અને રેસ્ક્યુંના દિલધડક કરતબ પણ બતાવવામાં આવે છે. મધદરિયે સુરક્ષા એજન્સીઓની કપરી કામગીરીથી પરિચિત થઇ શાળાના બાળકો સહીત મુલાકાતીઓ રોમાંચિત થઇ ગયા હતા.