40 લાખની ખંડણી માંગવાના આરોપીનો સંદેશના પત્રકાર પર હુમલાનો પ્રયાસ

[og_img]

  • કમિટીના સભ્યોને સસ્પેન્ડ કરવાની ફરિયાદ પરત ખેંચવા માટે માંગી હતી ખંડણી
  • પોરબંદર પાલિકા ટીપી કમિટીના ચેરમેન પાસે માંગી હતી 40 લાખની ખંડણી
  • ખંડણી માંગવા મામલે કથિત આરટીઆઈ એક્ટીવીસ્ટની ધરપકડ

પોરબંદર પાલિકાના ટીપી કમિટીના ચેરમેન પાસે 40 લાખની ખંડણી માંગનાર કહેવાતા આર.ટી.આઈ. એક્ટીવીસ્ટની પોલીસે ધરપકડ કરી હતી. જે અંગે કવરેજ કરવા ગયેલા મીડિયાકર્મી પર પણ આરોપીએ હુમલાનો પ્રયાસ કરતા તે અંગે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદર પાલિકાની ટીપી કમિટીના ચેરમેન કેશુભાઈ સવદાસભાઇ બોખીરીયા(ઉવ 51)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ આશરે એકાદ માસ પહેલાં તેઓ પાલિકા કચેરી એ હતા ત્યારે આર.ટી.આઇ. એક્ટીવીસ્ટ તરીકે ઓળખાણ આપતો પ્રફુલ ભગવાનજીભાઈ દત્તાણીએ તેને ફોન કરી જણાવ્યું હતું કે પોતે ટીપી કમિટીના તમામ સભ્યો વિરુદ્ધ નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નરમાં ટીપી કમિટીની બેઠક રદ કરવા તથા ટીપી કમિટીના તમામ સભ્યોને સસ્પેન્ડ કરવા ફરિયાદ કરી છે. તેથી, જો કેશુભાઈ તેને કમલાબાગ પાસે આવેલ મકાન ખરીદવા રૂ. 40 લાખ આપે તો પોતે કરેલી ફરિયાદ પરત ખેંચી લેશે અને ક્યાંય નડશે નહી તેવી ધમકી આપી હતી.

આથી કેશુભાઈએ તેને પોતાના વિરુદ્ધ કરેલી ફરિયાદ ખોટી હોવાથી પૈસા નથી આપવા તેવું જણાવતા પ્રફુલ ઉશ્કેરાઈ ગયો હતો અને 40 લાખ નહિ આપે તો પતાવી દેવાની પણ ધમકી આપી હતી. ત્યારબાદ, સ્થાનિક અખબારમાં ટીપી કમિટીને સસ્પેન્ડ કરવા અંગે સમાચાર પ્રસિદ્ધ કરાવી કેશુભાઈની ખોટી રીતે બદનામી કરતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પત્રકાર પર હુમલાનો પ્રયાસ

પોલીસે પ્રફુલની અટકાયત કરી હતી જે અંગે સમાચાર કવરેજ કરવા ગયેલા સંદેશ ન્યુઝ ચેનલના ઋષિ થાનકી નામના પત્રકાર પર પણ પ્રફૂલે હુમલો કરતા ઋષિ પાછળ હટી જતા તેનો હાથ કેમેરામાં લાગ્યો હતો. આથી પોલીસે પ્રફુલને પકડી રાખતા ઋષિનો બચાવ થયો હતો. જતા જતા, પ્રફૂલે તેને તથા અન્ય મીડિયાકર્મીઓને પોતાનું શુટિંગ શા માટે ઉતારો છો તેવું કહી પોતાનું કોઈ પણ ન્યુઝ પેપર કે ચેનલમાં આવ્યું તો બધાને પતાવી દઈશ તેવી ધમકી આપી હતી. આથી ઋષિ એ પણ પ્રફુલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાવના પગલે પત્રકારોમાં પણ રોષ જોવા મળ્યો હતો અને આરોપી સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

પ્રફુલ પર અગાઉ પણ ચાર ગુન્હા

સીટી ડીવાયએસપી નીલમ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે પ્રફુલ પર 2017 થી 2022 સુધીમાં કમલાબાગ અને કિર્તીમંદિર પોલીસ મથકમાં મારામારી, એટ્રોસિટી એકટ સહિતના ચાર ગુન્હા નોંધાયા છે. જેમાં, પાલિકાના ચીફ ઓફિસરની ફરજમાં રુકાવટ અંગે પણ અગાઉ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

Previous Post Next Post