પહેલી વનડેમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 9 રને હરાવ્યું

[og_img]

  • સંજુ સેમસન-શ્રેયસ અય્યરની દમદાર ફિફ્ટી એળે ગઈ  
  • ભારતના ટોપઓર્ડરનો ફ્લોપ શો ભારે પડ્યો 
  • રોમાંચક મેચમાં અંતિમ ઓવરમાં ભારતની હાર 

દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી મેચમાં ભારતને હારનો સામનો કરવા પડ્યો હતો. અંતિમ ઓવર સુધી ચાલેલી મેચમાં આફ્રિકાએ ભારતને 9 રને હરાવ્યું હતું. ભારત તરફથી સંજુ સેમસને સૌથી વધુ 86 રન બનાવ્યા હતા, જ્યારે શ્રેયસ અય્યરે ફિફ્ટી ફટકારી મહત્વનું યોગદાન આપ્યું હતું. 40 ઓવરમાં 250 રનનો પીછો કરતા ભારતીય ટીમનો ટોપ ઓર્ડર ફ્લોપ સાબિત થયો હતો અને કેપ્ટન ધવન, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ અને ઇશાન કિશન સાવ સસ્તામાં આઉટ થયા હતા. ભારતના ટોપઓર્ડરનો ફ્લોપ શો ટીમને ભારે પડ્યો હતો. પહેલી મેચમાં જીત બાદ આફ્રિકા સિરીઝમાં 1-0થી આગળ થઇ ગયું છે. 

40 ઓવરમાં 250 રનનો ટાર્ગેટ 

ભારત-દક્ષિણ આફ્રિકાની વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ પહેલા બેટિંગ કરતા 40 ઓવરમાં 249 રન ફટકાર્યા હતા. હેનરિક ક્લાસેને 74 અને ડેવિડ મિલરે 75 રનની દમદાર ઇનિંગ રમી હતી. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે બે જ્યારે કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઈએ એક-એક વિકેટ ઝડપી હતી. પહેલી વનડે મેચ જીતવા ભારતને 40 ઓવરમાં 250 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 

ભારતના બોલરોની શાનદાર શરૂઆત

ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે જેમાં ભારતના બોલરોએ શાનદાર શરૂઆત કરી હતી. શાર્દુલ ઠાકુરે મલાનને 27 રને આઉટ કરી ભારતને પહેલી સફળતા અપાવી હતી. ઠાકુરે કેપ્ટન બાવુમાને આઉટ કરીને બીજી વિકેટ લીધી હતી. બાવુમા માત્ર 8 રન કરીને આઉટ થયો હતો. તો માર્કરમ કુલદીપનો શિકાર થયો હતો અને ઝીરોમાં આઉટ થયો હતો. રવિ બિશ્નોઈએ ઇન્ફોર્મ ક્વિન્ટન ડિકોકને 48 રન પર LBW આઉટ કર્યો હતો.

ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ વનડે મેચમાં ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો આફ્રિકાને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ટીમ ઈન્ડિયા માટે ઋતુરાજ ગાયકવાડ વન-ડેમાં ડેબ્યૂ કરશે.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત: શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સંજુ સેમસન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ અને આવેશ ખાન.

સાઉથ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડિકોક (વિકેટકીપર), જાનેમન મલાન, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, એંડિલે ફેહલુકવાયો, કેશવ મહારાજ, લુંગી એન્ગિડી, કાગિસો રબાડા અને તબરેઝ શમ્સી.