Surat: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા(Gujarat Assembly Election 2022) ફરી શિક્ષણ મુદ્દે રાજનીતિ શરૂ થઈ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે આપના નેતાઓને ગુજરાતની શાળાઓ જોવાનુ આમંત્રણ આપ્યુ તો આપના મનિષ સિસોદિયાએ પણ આ આમંત્રણ મુદ્દે તુરંત પ્રતિક્રિયા આપતા કહ્યુ અમે ગુજરાતની શાળાઓ જોવા આવશુ અને શિક્ષણમંત્રીના શહેરથી જ શરૂઆત કરશુ.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા શિક્ષણ અને શાળાઓ મુદ્દે રાજનીતિ તેજ થઈ ગઈ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (C R Patil) સુરત (Surat)ની સભામાં શિક્ષણ મુદ્દે ફરી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર નિશાન તાક્યું. પાટીલે કેજરીવાલના ગતકડા ગુજરાતમાં નહીં ચાલે તેવો પ્રહાર કર્યો. તેમણે કટાક્ષ કર્યો કે કેટલાક લોકો બહારથી આવીને ખુબ સારૂ શિક્ષણ આપવાની વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. પરંતુ સુરત મહાનગરપાલિકાની શાળાઓની સુવિધા અને શિક્ષણકાર્ય જોશે તો તેમને પોતાની ખામીઓ દેખાઈ જશે. સી.આર પાટીલના નિવેદન પર ત્વરિત દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા (Manish Sisodia)ની પ્રતિક્રિયા આવી. સિસોદિયાએ કહ્યું કે ગુજરાતની શાળાઓ જોવાનું આમંત્રણ સ્વીકારૂ છું. શિક્ષણમંત્રીના મત વિસ્તારની શાળા જોવા સી.આર. પાટીલ જે તારીખ અને સમય નક્કી કરે ત્યારે જોવા ચોક્કસ જઈશું. જે બાદ હું દિલ્લીની શાળાઓ પણ તેમને બતાવીશ.
પાટીલના આમંત્રણનો મનિષ સિસોદિયાએ સ્વીકાર કર્યો
પાટીલે તેમની સભા દરમિયાન જણાવ્યુ એ લોકો અહીં આવીને ખૂબ સારુ શિક્ષણ આપવાની વાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હોય છે. પાટીલે જણાવ્યુ કે મારુ તેમને આમંત્રણ છે કે એકવાર અહીં આવીને જુએ તો તેમને તેમની બધી ખામીઓ દેખાઈ જશે. પાટીલે ઉમેર્યુ કે સુરત મહાનગર પાલિકા અને ગુજરાતની અંદર શિક્ષણનું સ્તર જે પ્રકારે છે તે એ પણ જોવા મળશે. પાટીલના આ આમંત્રણનો મનિષ સિસોદિયાએ સ્વીકાર કરતા કહ્યુ કે સી.આર. પાટીલ જણાવે કે ક્યારે આવવાનુ છે. સિસોદિયાએ ઉમેર્યુ કે શિક્ષણમંત્રીના વિસ્તારથી ગુજરાતની શાળાઓ જોવાનુ શરૂ કરશુ. ત્યારબાદ બાકીની શાળાઓ પણ જોઈશુ. આ જોઈ લીધા બાદ પાટિલ સાહેબ પણ દિલ્હી આવે અને અમે પણ તમને દિલ્હીની શાળાઓ બતાવીશું.