રાજય સરકારનો મહત્વનો નિર્ણય, ઈજનેરી અને તબીબી સહિત અન્ય વ્યવસાયિક અભ્યાસક્રમો માતૃભાષા ગુજરાતીમાં તૈયાર કરવા માટે સમિતિની રચના

Gandhinagar: રાજ્યના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી પોતાની કારકિર્દી ઘડી શકે એ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે ઈજનેરી અને તબીબી સહિત અન્ય વ્યવસાયિક અભ્યાસક્રમો માતૃભાષા ગુજરાતીમાં તૈયાર કરવા સમિતિની રચના કરવામાં આવી છે.

રાજય સરકારનો મહત્વનો નિર્ણય, ઈજનેરી અને તબીબી સહિત અન્ય વ્યવસાયિક અભ્યાસક્રમો માતૃભાષા ગુજરાતીમાં તૈયાર કરવા માટે સમિતિની રચના

જીતુ વાઘાણી

રાજ્યના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે અને સારી કારકિર્દી ઘડી શકે તેના માટે રાજ્યસરકાર સતત પ્રયાસરત છે. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિ લક્ષી વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે રાજયના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી પોતાની કારકિર્દી ઘડી શકે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલી નવી શિક્ષણ નીતિ-2020 અંતર્ગત ઇજનેરી, તબીબી અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માતૃભાષા ગુજરાતીમાં તૈયાર કરવા માટે સમિતિની રચના કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે.એમ.વ્યાસની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિમાં કુલપતિઓ, ઇજનેરી અને તબીબી શાખાના શિક્ષણવિદો તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના અધિકારીઓનો સમાવેશ કરાયો છે.

મંત્રીએ ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ નવી શિક્ષણનીતિ-2020 મુજબ વિદ્યાર્થીઓ / અભ્યાસુઓને માતૃભાષામાં શિક્ષણ આપવાથી તમામ વિષયોને સમજવામાં ઘણી જ સરળતા પડે તેમ હોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે.

તેમણે ઉમેર્યું કે, માતૃભાષામાં કોઇ પણ વિષયની અભિવ્યક્તિ એ વિચારોની મૌલિકતા અને નવા વિચારોને પ્રોત્સાહન આપે છે. ગુજરાતમાં માતૃભાષા ગુજરાતીમાં જ શિક્ષણ આપવું તે જરૂરી જ નહી, પરંતુ અનિવાર્ય હોઈ સરકારી અને બિન-સરકારી શૈક્ષણિક સંસ્થાઓ આ નીતિ મુજબ કાર્યવાહી કરે અને વ્યાવસાયિક વિધ્યાશાખાઓ (ઇજનેરી, તબીબી, ફાર્મસી, આર્કીટેક્ચર, એમ.બી.એ., એમ.સી.એ. વગેરે) માટેના તમામ પાઠ્યપુસ્તકો તેમજ અન્ય સાહિત્ય ગુજરાતીમાં તૈયાર થાય તે જરુરી હોઈ આ નિર્ણય કરાયો છે.

તેમણે ઉમેર્યું કે, ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા વ્યાવસાયક અભ્યાસ્ક્રમોનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવા માટે માનદ વેતન આપવામાં આવે છે. આ માટે રાજય સરકારે ચાલુ વર્ષના બજેટમાં નવી બાબત હેઠળ ઇજનેરીના પુસ્તકોનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કરવા માટે રૂ. 50 લાખની ફાળવણી પણ કરી છે. જેની કામગીરી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને સોંપવામાં આવેલ છે.

કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી નવી શિક્ષણ નીતિ-2020 ભવિષ્યની જરૂરીયાતને ધ્યાને રાખીને બનાવાઈ છે. કૌશલ્યની જરૂરીયાત રહેશે. કૌશલ્ય ઘડતર માટે શિક્ષણનીતિમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિ નર્સરીથી કોલેજ કક્ષા સુધી વૈજ્ઞાનિક ઢબે ભણશે.

જૂની શિક્ષણ નીતિમાં રસનો વિષય જાણ્યા વિના જ તબીબ, એન્જિનીયર, વકીલ બનવાની હોડ જામતી હતી. નોકરી માટે જાય ત્યારે ખબર પડે કે જે ભણ્યા હતા તે આ નોકરી માટે જરૂરી જ નથી. નવી શિક્ષણ નીતિની ખાસિયત વર્ણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મલ્ટીપલ એન્ટ્રી એન્ડ એકઝીટ એજ્યુકેશનનો વિકલ્પ આપેલ છે. જેથી ગમે ત્યારે શિક્ષણ મેળવી શકે છે.