ઠાકરે અને શિંદેની રેલીના મંચ ઉપર એક-એક ખુરશી ખાલી રાખવાનું કારણ શું?

[og_img]

  • દશેરા પર્વે ઠાકરે અને શિંદેએ અલગ-અલગ રેલીઓ સંબોધી હતી
  • શિંદે દશેરા રેલીના મંચ પર એક ખુરશી ખાલી રખાઈ હતી
  • ઠાકરેની રેલીમાં મંચ ઉપર બે ખુરશીઓ ખાલી રખાઈ હતી

મુંબઈમાં બુધવારે વિજયાદશમીના અવસર પર મહારાષ્ટ્રના રાજકારણના બે દિગ્ગજ નેતાઓએ બે અલગ-અલગ રેલીઓ યોજી હતી. શિવસેનાથી અલગ થયેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બ્રાંડાના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં સંબોધન કર્યું હતું, તો ઉદ્ધવ ઠાકરે દાદરના શિવાજી પાર્કમાંથી શિવસૈનિકોને સંબોધિત કરી રહ્યા હતા. આ બંને રેલીમાં સ્ટેજ પર બે ખુરશીઓ ખાલી રાખવામાં આવી હતી. આ ખાલી ખુરશીઓનું કારણ શું હતું? આ ખુરશીઓ કોના માટે ખાલી રાખવામાં આવી હતી? આ ખાલી રખાયેલી ખુરશીઓનું રહસ્ય પણ જાણવા જેવું છે.

શિંદે દશેરા રેલીના મંચ પર એક ખુરશી ખાલી રખાઈ હતી

વાત જાણે એ છે કે, જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદે એમએમઆરડીએ ગ્રાઉન્ડ પહોંચ્યા તો અહીં તેમણે સૌથી પહેલા ખાલી ખુરશીની સામે માથું ટેકવીને પૂજા કરી. આ ખાલી ખુરશીનું શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના નામથી રખાઈ હતી. શિંદેએ બાળાસાહેબ ઠાકરેની ખુરશી પર શ્રદ્ધાંજલિ આપી હતી. અહીં 51 ફૂટની તલવારની ‘શાસ્ત્ર પૂજા’ પણ કરવામાં આવી હતી. આ માટે ઉત્તર પ્રદેશના અયોધ્યાથી એક મહંતને બોલાવવામાં આવ્યા હતા. શિંદે જૂથનો દાવો છે કે, તેઓ જ અસલી શિવસેના છે અને બાળાસાહેબ ઠાકરેના વિચારો અને આદર્શોને આગળ વધારશે.

ઠાકરેની રેલીમાં મંચ ઉપર બે ખુરશીઓ ખાલી રખાઈ હતી

તો બીજી તરફ દાદરમાં ઉદ્ધવ ઠાકરેની રેલીમાં મંચ પર એક નહીં પરંતુ બે ખુરશીઓ ખાલી રાખવામાં આવી હતી. આમાંથી એક ખુરશી શિવસેનાના નેતા સંજય રાઉત અને બીજી મનોહર જોશી માટે હતી. આ ખુરશીઓની બાજુમાં આદિત્ય ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની ખુરશી મૂકવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે અગાઉ પણ ઉદ્ધવની રેલીઓમાં સંજય રાઉતના નામે ખાલી ખુરશી જોવા મળી હતી. સંજય રાઉત હાલમાં પાત્રા ચાલ કૌભાંડમાં જેલમાં છે.