દ.આફ્રિકા સામે હાર બાદ ભારતની સેમિફાઈનલની રાહ બની મુશ્કેલ, જાણો નવા સમીકરણ

[og_img]

  • સુપર-12માં ગ્રુપ-2નું સમીકરણ બદલાયું
  • 6માંથી 5 ટીમો અંતિમ ચારમાં પહોંચવાની રેસમાં
  • ભારત માટે બાંગ્લાદેશ સામે ‘કરો યા મરો’ મુકાબલો

T20 વર્લ્ડકપ 2022માં રવિવારે રોમાંચક મુકાબલામાં ભારતને આફ્રિકા સામે હારનો સામનો કરવા પડ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને 5 વિકેટે હરાવ્યું હતું. આ પરિણામ બાદ સુપર-12માં ગ્રુપ-2નું સમીકરણ ઘણું બદલાઈ ગયું છે. હવે ગ્રુપ-2ની 6માંથી 5 ટીમો અંતિમ ચારમાં પહોંચવાની રેસમાં આવી ગઈ છે.

નેધરલેન્ડ સેમિફાઇનલની રેસમાંથી બહાર

નેધરલેન્ડની ટીમ રવિવારે પાકિસ્તાન સામે હારી ગઈ હતી. ત્રણ મેચમાં ડચ ટીમની આ સતત ત્રીજી હાર છે. તેઓ ગ્રૂપ 2 ની પ્રથમ ટીમ બની છે જે સેમિફાઇનલની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે.

દક્ષિણ આફ્રિકા મજબૂત સ્થિતિમાં

રવિવારની મેચો પહેલા ટીમ ઈન્ડિયા ગ્રુપ 2માં સૌથી સારી સ્થિતિમાં હતી. ભારત સામેની જીત બાદ હવે દક્ષિણ આફ્રિકાની ટીમ મજબુત સ્થિતિમાં આવી ગઈ છે. દક્ષિણ આફ્રિકાના ત્રણ મેચમાં પાંચ પોઈન્ટ છે. આફ્રિકાની આગામી મેચ હવે પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે છે. જો દક્ષિણ આફ્રિકા આ બંને મેચ જીતે છે, તો તે ટેબલ ટોપર તરીકે 9 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પહોંચશે. જો આફ્રિકા એક મેચ હારે છે, તો પણ દક્ષિણ આફ્રિકા અંતિમ ચારમાં પહોંચી શકે છે. તેનો નેટ રન રેટ 2.772 છે, જે ગ્રુપમાં સર્વશ્રેષ્ઠ છે.

ભારત માટે બાંગ્લાદેશ સામેની મેચ મહત્વપૂર્ણ

ટીમ ઈન્ડિયા હવે બુધવારે બાંગ્લાદેશ સામે મેચ રમવાની છે. ભારત માટે આ મેચ ઘણી મહત્વની બની ગઈ છે. જો ભારતીય ટીમ આ મેચ હારી જાય છે તો પાંચ મેચ પુરી થયા બાદ તેના મહત્તમ 6 પોઈન્ટ થઈ શકે છે. આ માટે પણ ભારતે છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વેને હરાવવું પડશે.

બાંગ્લાદેશ અપસેટ સર્જી શકે છે

જો ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે હારી જાય અને ત્યારબાદની મેચમાં બાંગ્લાદેશ પાકિસ્તાનને હરાવે છે, તો તે દક્ષિણ આફ્રિકા સાથે સેમિફાઇનલમાં પહોંચી શકે છે. જેના કારણે ભારત માટે બાંગ્લાદેશ સામેની મેચ કરો યા મરો જેવી બની શકે છે.

પાકિસ્તાનનું સેમિફાઈનલમાં પહોંચવું મુશ્કેલ

પાકિસ્તાન માટે હવે સેમિફાઈનલમાં પહોંચવું ઘણું મુશ્કેલ બની ગયું છે. જોકે તે અશક્ય નથી. જો ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે હારે છે અને પાકિસ્તાનની ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવે છે તો તેના માટે તક મળી શકે છે. આ સ્થિતિમાં બંને ટીમોના 4-4 પોઈન્ટ હશે અને 6 નવેમ્બરે રમાનાર બંને મેચ ઘણી મહત્વની બની જશે. તે દિવસે ભારતનો મુકાબલો ઝિમ્બાબ્વે અને પાકિસ્તાનનો સામનો બાંગ્લાદેશ સામે થશે. જો તે દિવસે ભારત અને પાકિસ્તાન બંને જીતે તો બંનેના 6-6 પોઈન્ટ હશે અને વધુ સારી નેટ રન રેટ ધરાવતી ટીમ અંતિમ ચારમાં પહોંચી જશે.

બાંગ્લાદેશ-ઝિમ્બાબ્વેને બંને મેચ જીતવી પડશે

બાંગ્લાદેશને સેમિફાઇનલમાં પહોંચવા માટે છેલ્લી બંને મેચ જીતવી પડશે. તેમને ભારત અને પાકિસ્તાન સામે રમવાનું બાકી છે. જ્યારે ઝિમ્બાબ્વેને પણ હજુ બે મેચ રમવાની બાકી છે. જેમાં એક મેચ નેધરલેન્ડ સામે અને બીજી મેચ ભારત સામે રમવાની છે. જો ઝિમ્બાબ્વેને સેમિફાઇનલમાં પહોંચવું હોય તો બંને મેચ જીતવી જ પડશે.

Previous Post Next Post