[og_img]
- પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને કેન્દ્રીય મંત્રી રહ્યા હાજર
- કોંગ્રેસ પર વરસ્યા પાટીલ અને પૂર્વ સીએમ વિજય રૂપાણી
- બાઈક રેલીમાં જોડાયા હજારો યુવાનો અને ભાજપના કાર્યકરો
પોરબંદર ખાતે ભાજપની ગુજરાત ગૌરવયાત્રાનું સમાપન કરાયું હતું. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તથા કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં વિશાળ બાઈક રેલી તથા જાહેરસભા પણ યોજાઈ હતી. કૃષ્ણભુમિ દ્વારકાથી નીકળેલી ભાજપની ગુજરાત ગૌરવયાત્રાનું સુદામાભુમિ પોરબંદરમાં આગમન થયું. ત્યારે તેમને આવકારવા જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. રિવરફ્રન્ટ થી સુદામાચોક સુધી આ વિશાળ બાઈક રેલી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
બાઈક રેલી પૂર્ણ થયા બાદ સુદામા ચોક ખાતે જાહેર સભાનું આયોજન કરાયું હતું. જેમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, કેન્દ્રીય મંત્રી ડૉ. ભાગવત કરાડ, યાત્રા ઇન્ચાર્જ ડૉ. ભરત બોઘરા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જીલ્લા પ્રભારી મહેશ કસવાલા, સાંસદો રમેશ ધડુક અને રામ મોકરિયા, ધારાસભ્ય બાબુ બોખીરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ગૌરવયાત્રાને અભૂતપૂર્વ જન સમર્થન- સી. આર. પાટીલ
સી. આર. પાટીલે જણાવ્યું હતુંકે આ યાત્રાએ 900 કી.મીનો પ્રવાસ કર્યો છે અને 22 વિધાનસભા બેઠકોને આવરી લીધી છે. 7 જીલ્લામાંથી પસાર થયેલી આ યાત્રામાં 22 જેટલી મોટી સભાઓ યોજાઈ હતી. એટલું જ નહી, પરંતુ 6 લાખથી વધુ લોકોએ આ સભામાં હાજરી આપીને ભાજપને સમર્થન આપ્યું છે. આ ગુજરાત ગૌરવયાત્રાને ગામડે ગામડે પુરો સહકાર સાંપડયો છે. તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ ઠેર ઠેર કોંગ્રેસના કામ બોલે છે તેવા બેનરો લગાડે છે. પરંતુ, રાજ્યની જનતાને ખબર છે કે કોંગ્રેસના કાંડ બોલે છે.
કોરોના કાળમાં ઉત્તમ કામગીરી: કેન્દ્રીય નાણામંત્રી
કેન્દ્રીય નાણામંત્રી (રાજ્ય કક્ષા) ડૉ. ભગવત કરાડે જણાવ્યું હતું કે ઇ.સ. 2014 પહેલાની ભારતની સ્થિતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરૂઢ થયા પછીની સ્થિતિની સરખામણી કરવામાં આવે તો ચોકકસપણે કહી શકાય કે ભારતે સિધ્ધી અને સમૃધ્ધિના ઉચ્ચ શિખરો સર કર્યા છે. કોવીડની પરિસ્થિતીમાં કોરોના દર્દીઓ માટે દવા ઓકસીજન, તબીબી સુવિધા અને સારવાર ત્યારબાદ રસીકરણ વગેરે જેવી કામગીરી વિશ્વના કોઈ દેશે કરી નથી. ત્યારે ગુજરાતમાં પણ વિધાનસભાની ચુંટણીમાં કમળ ફરીથી ખીલી ઉઠશે તેવી સંપૂર્ણ ખાતરી છે.
પૂર્વ સીએમ વિજય રૂપાણી કોંગ્રેસ પર વરસ્યા
વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ પર વરસતા જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે કોંગ્રેસ ના રાજમાં પોરબંદરની જેલ બંધ કરવી પડી હતી અને સીમાડે “અહીથી લો એન્ડ ઓર્ડર પૂર્ણ થાય છે!”તેવું બોર્ડ મુકવાની ફરજ પડી હતી ભાજપ ના રાજ પોરબંદર ના લોકો શાંતિ અને સલામતી નો અનુભવ કરે છે રાજ્યની ડબલ એન્જીન સરકારને પ્રજાના પ્રેમનું પુરેપુરું ડીઝલ મળ્યું છે અને તેથી ગુજરાતની જનતાને ભાજપ ઉપર પુરો ભરોસો છે.