જામનગરમાં પુત્રવધુના ત્રાસથી ઝેરી દવા પી લેતાં સસરાનું મોત

[og_img]

  • વૃધ્ધે પોલીસ સ્ટેશનની સામે જ ઝેરી દવા ગટગટાવી લેતા પોલીસમાં દોડધામ
  • વૃધ્ધનું પાંચ દિવસની સારવાર બાદ આજે મૃત્યુ નિપજ્યું
  • પોલીસે પુત્રવધુ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો

જામનગર શહેરમાં બેડેશ્વર વૈશાલીનગરમાં રહેતા હિરાભાઈ કેશાભાઈ પરમાર (ઉ. વ. 62) નામના વૃધ્ધે ગત તા. 12ના રોજ પુત્રવધુના ત્રાસથી કંટાળીને એસ.પી.કચેરી નજીક સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે જ ઝેરી દવા પી લેતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગયો હતો.

વૃધ્ધ હિરાભાઈ પરમારને તાત્કાલિક જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં વૃધ્ધના પુત્ર મનિષભાઈ પણ આવી ગયા હતા અને પોલીસમાં નિવેદન આપ્યું હતું કે, તેમના મોટાભાઈના પત્ની અને વૃધ્ધના પુત્રવધુ અમૃતાબેનના ત્રાસથી કંટાળીને માંકડ મારવાની ઝેરી દવા પી લીધાનું જણાવ્યું હતું. પોલીસે જે તે સમયે જાણવા જોગ દાખલ કરી હતી. જે બાદ આજે સારવાર દરમ્યાન વૃધ્ધનું મૃત્યુ નિપજતા પરિવારમાં તેમજ સમાજમાં ભારે શોક વ્યાપી ગયો છે. પોલીસે મૃતક વૃધ્ધના નાના પુત્ર મનિષભાઈની ફરિયાદ પરથી વૃધ્ધના મોટા પુત્રના પત્ની અમૃતાબેન સામે મરી જવા મજબુર કર્યા સહીતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી પુત્રવધુની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.