રખડતા ઢોર: ગૃહ-શહેરી વિકાસ સચિવો, DGP આવતીકાલે હાઈકોર્ટમાં હાજર થશે

[og_img]

  • રખડતા ઢોરોના ત્રાસના નિવારણ અંગે કામગીરીનો માંગ્યો હતો અહેવાલ
  • અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરને પણ આ તમામ સાથે હાજર થવાનું
  • સરકારે બાંહેધરી આપતાં હાઈકોર્ટે તમામને હાજર થવાનો લેખિત હુકમ ન કર્યો

રખડતા ઢોરોના ત્રાસ અંગેના કેસમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠ આજે રાજયના ગૃહ સચિવ, શહેરી વિકાસ સચિવ, રાજયના ડીજીપી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને અદાલત સમક્ષ રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું હતું. જો કે, રાજય સરકાર તરફથી વિનંતી કરવામાં આવી હતી કે, તેઓ આ તમામ અધિકારીઓને આવતીકાલે કોર્ટમાં હાજર રાખશે, તેથી હાઈકોર્ટ કોઇ હુકમ ના કરે તો સારુ. જેથી હાઇકોર્ટે સરકારપક્ષની આ ખાતરીને રેકર્ડ પર લીધી હતી અને આવતીકાલે આ તમામ અધિકારીઓને હાઇકોર્ટમાં રૂબરૂ હાજર રાખવા રાજય સરકારને સ્પષ્ટ તાકીદ કરી હતી.

રખડતા ઢોરોના ત્રાસના નિવારણ અંગે અમદાવાદ શહેર સહિત રાજભરમાં શું કામગીરી થઇ અને સરકારને આ મામલે શોર્ટ ટર્મ કે લોન્ગ ટર્મ શુ પ્લાન છે. રખડતા ઢોરોના ત્રાસ અંગે કન્ટેમ્પ્ટ પિટિશન અને જાહેરહિતની રિટમાં આજે રાજય સરકાર તરફથી બે અલગ-અલગ સોગંદનામાં રજૂ કરવામાં આવ્યા હતા. જમાં રાજયમાં રખઢતા ઢોર પકડવાની કામગીરી અંગેનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો અને સરકાર આ મામલે ગંભીર હોઇ અસરકારક કામગીરી હાથ ધરાઇ રહી હોવાનો દાવો કરાયો હતો. બીજી બાજુ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ સોંગદનામું રજૂ કરી શહેરના નરોડા વિસ્તારમાં રખડતા ઢોરના કારણે મૃત્યુ પામનાર ભાવિન પટેલ નામના યુવકના વારસોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રાહત ફ્ંડમાંથી બે લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાનો નિર્ણય કરાયો હોવાની હાઇકોર્ટને માહિતી અપાઇ હતી. જેથી અરજદારપક્ષ તરફથી માંગણી કરી હતી કે, માત્ર અમદાવાદના કેસમાં જ શા માટે વળતર હોઇ શકે? અમદાવાદ શહેર સહિત રાજયભરમાં જયાં પણ રખડતા ઢોરોના ત્રાસના કારણે નિર્દોષ નાગિરકોને મૃત્યુ થાય કે ઇજાગ્રસ્ત બને તેવા તમામ કિસ્સામાં યોગ્ય અને પૂરતું વળતર સરકાર અને સત્તાવાળાઓ દ્વારા ચૂકવાવું જોઇએ. હાઇકોર્ટે જણાવ્યું કે, આવતીકાલે સરકારને જરૂરી માહિતી સાથે આવવા દો ત્યારે આ મુદ્દો વિચારણામાં લઇશું.

લઠ્ઠાકાંડમાં પીડિતોને કેટલું વળતર ચૂકવાયુ હતુ?

ગુજરાત હાઇકોર્ટે આ કેસમાં લઠ્ઠાકાંડના પીડિતો અને મૃતકોના વારસોને તેમ જ ઇજાગ્રસ્તોને કેટલું વળતર ચૂકવાયું હતુ તે અંગે પણ પૃચ્છા કરી હતી. જેના પ્રત્યુત્તરમાં ઉપસ્થિત વકીલો દ્વારા કોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, તાજેતરમાં ધોળકા-બાવળા લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકોના આશ્રિાતોને કંપની દ્વારા રૂ.ત્રણ-ત્રણ લાખનું અને ઇજા પામેલાને રૂ.એક-એક લાખનું વળતર ચૂકવાયું હતું.

જિલ્લા કલેકટર, ચીફ ઓફિસરો અને ડીવાયએમસી જવાબદાર ઠરશે

સરકારે રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર સહિત તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં રખડતા ઢોરોના ત્રાસ અંગેની ફરિયાદ નોધવા એક હેલ્પલાઇન નંબર નક્કી કરાયા છે. જે અંગે ફરિયાદ નોંધી સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરાશે. વળી, સરકારે એક બહુ મહત્વના નિર્ણય મારફ્તે, રાજયના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં રખડતા ઢોરોના ત્રાસની સમસ્યા માટે હવે સંબંધિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી નક્કી કરવામાં આવી છે. તેથી હવે કોર્પોરેશન વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા જારી રહેશે તો, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો જવાબદાર ઠરશે. જયારે રાજયના નગરપાલિકા વિસ્તારોમાં આ સમસ્યા માટે ચીફ ઓફિસરોને જવાબદાર બનાવાયા છે. આ જ પ્રકારે જિલ્લાઓમા રખડતા ઢોરના ત્રાસની સમસ્યા માટે જે તે જિલ્લા કલેકટરની જવાબદારી નક્કી કરાઇ છે, તેથી તેઓ જવાબદાર ઠરશે.

Previous Post Next Post