Patan: કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે. જેમાં DAP ખાતરનો જથ્થો તાત્કાલિક ફાળવવા અંગે રજૂઆત કરી છે. ધારાસભ્યએ જણાવ્યુ છે કે ઉત્તર ગુજરાતના ખેડૂતોને DAP ખાતરનો પૂરતો જથ્થો મળતો ન હોવાથી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે તો સરકાર તાત્કાલિક ખેડૂતોને પૂરતો જથ્થો મળે તેવી વ્યવસ્થા કરે.
પાટણ (Patan) જિલ્લામાં DAP ખાતરની અછતને લઈ કોંગ્રેસ (Congress)ના ધારાસભ્ય કિરીટ પટેલે (Kirit Patel) કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. DAP ખાતરનો વધુ જથ્થો ફાળવવા માટે ધારાસભ્યએ કૃષિમંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરી છે. ખેડૂતોની માગ સામે ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળતો નથી તેવું ધારાસભ્યનું કહેવું છે. મહત્વપૂર્ણ છે કે હાલમાં શિયાળુ વાવેતર માટે DAP ખાતરની તાતી જરૂરિયાત છે. તેવા સમયે DAPખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન મળતા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જેને લઈને ધારાસભ્યએ કૃષિપ્રધાનને રજૂઆત કરી છે.
ઉત્તર ગુજરાતના ખેડૂતોને તાત્કાલિક ખાતરનો જથ્થો ફાળવવા કિરીટ પટેલની રજૂઆત
કિરીટ પટેલે જણાવ્યુ છે કે હાલ સમગ્ર ગુજરાતમાં રાયડાના વાવેતરની સિઝન ચાલુ છે. ઉત્તર ગુજરાતમાં પણ રાયડાનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. એરંડાની અંદર પણ DAP ખાતર આપવુ જરૂરી છે. પરંતુ ઉત્તર ગુજરાતના ખેડૂતોને છેલ્લા 10 દિવસથી DAP ખાતર મળતુ નથી. ખેડૂતો વારંવાર ધક્કા ખાય છે. ખાતર ન મળે તો ખેડૂતોને પાકમાં મોટી નુકસાની જાય તેમ છે. વાવેતર કર્યા બાદ ખાતર મળે તો તેનો કોઈ અર્થ રહેતો નથી. વધુમાં કિરીટ પટેલે જણાવ્યુ કે આ અંગે કૃષિ મંત્રીને પત્ર લખી જાણ કરી છે કે તાત્કાલિક ધોરણે ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાયડાના વાવેતર માટે અને એરંડા માટે DAP ખાતર મળવુ જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યુ કે એકતરફ સરકાર ખેડૂતોના હિતની વાત કરી રહી છે, ત્યારે દર વખતે સિઝન સમયે જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતુ નથી.