[og_img]
- દક્ષિણ આફ્રિકા સામે જોવા મળશે રોહિત શર્માની તોફાની બેટિંગ
- ટી-20માં દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ રન ફટકારનાર ખેલાડી
- ક્રિકેટમાં 500 સિક્સર ફટકારનાર બીજા નંબરના ખેલાડી બનવાની તક
ઑસ્ટ્રેલિયાની યજમાનીમાં રમાઈ રહેલ ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમ પોતાની ત્રીજી મેચ આવતીકાલે પર્થમાં 30 ઓક્ટોબરના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 4.30 કલાકે શરૂ થશે. ગ્રુપ-2માં ટીમ ઇન્ડિયાએ પોતાની બંને મેચમાં જીત મેળવી છે.
આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની તોફાની બેટિંગ જોવા મળી શકે છે. તેનું કારણ એ છે કે દક્ષિણ આફ્રિકા સામે રોહિતનો રેકોર્ડ ઘણો શાનદાર છે. રોહિત શર્મા દક્ષિણ આફ્રિકન ટીમ સામે ટી-20 મેચોમાં સૌથી વધુ 405 રન ફટકારનાર ભારતીય ખેલાડી છે. સાથે જ રોહિત પાસે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 500 છગ્ગા ફટકારનાર બીજા નંબરના ખેલાડી બનવાની તક પણ છે.
દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ ટી-20 રન બનાવનાર ભારતીય ખેલાડીઓ
- રોહિત શર્મા – 405 રન
- સુરેશ રૈના – 339 રન
- વિરાટ કોહલી – 306 રન
- શિખર ધવન – 233 રન
- દિનેશ કાર્તિક – 215 રન
રોહિત પાસે બીજા નંબરના સિક્સર કિંગ બનવાની તક
રોહિત શર્મા પાસે ઇન્ટરનેશનલ ક્રિકેટ (ટેસ્ટ, વનડે, ટી-20)માં 500 સિક્સર ફટકારનાર બીજા ખેલાડી બનવાની શાનદાર તક છે. રોહિત અત્યાર સુધી 422 ઇન્ટરનેશનલ મેચોમાં 495 સિક્સર ફટકારી છે. દક્ષીણ આફ્રિકા સામે જો રોહિત 5 સિક્સર ફટકારે છે તો તે 500 સિક્સર પૂર્ણ કરી દેશે. આમ તો, વિશ્વમાં સૌથી વધુ 553 સિક્સર ફટકારવાનો રેકોર્ડ વેસ્ટઇન્ડીઝના ક્રિસ ગેલના નામ છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડીઓ
- ક્રિસ ગેલ – 553 છગ્ગા
- રોહિત શર્મા – 495 છગ્ગા
- શાહિદ આફ્રિદી – 476 છગ્ગા
- બ્રેન્ડન મેક્કુલમ – 398 છગ્ગા
- માર્ટિન ગુપ્ટિલ – 383 છગ્ગા
ટી-20 વર્લ્ડ કપમાં ભારત vs દક્ષિણ આફ્રિકા હેડ-ટૂ-હેડ
ટી-20 વર્લ્ડ કપમાં રવિવારે ભારતીય ટીમ પોતાની ત્રીજી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે. જો, રેકોર્ડ પર નજર કરીયે તો ભારતીય ટીમ હંમેશા દક્ષિણ આફ્રિકા સામે ભારે પડી છે. ટી-20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કુલ 5 મેચો રમાઈ છે જેમાંથી 4 મેચોમાં ભારતને જીત મળી છે.
ટી-20 વર્લ્ડ કપમાં ભારત vs દક્ષિણ આફ્રિકા
- કુલ મેચો: 5
- ભારતની જીત: 4
- દક્ષિણ આફ્રિકાની જીત: 1
ભારતીય બોલર્સ પણ આફ્રિકન ટીમ પર પડે છે ભારે
સાઉથ આફ્રિકા સામે ટી-20 મેચોમાં ભારતીય બોલર્સ પણ ભારે પડતા રહ્યા છે. જેમાં, અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ટોપ પર છે. ત્યારબાદ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો નંબર આવે છે જેમણે અનેક વાર આફ્રિકન ટીમને તેસ્તોનાબૂદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આફ્રિકન ટીમ સામે ટી-20માં ભારતીય બોલર્સ
- ભુવનેશ્વર કુમાર – 14 વિકેટ
- આર અશ્વિન – 10 વિકેટ
- હર્ષલ પટેલ – 9 વિકેટ
- યુઝવેન્દ્ર ચહલ – 7 વિકેટ
- ઝહીર ખાન – 6 વિકેટ