VIDEO: પાર્ટીનું નામ બદલવા તાંત્રિકની સલાહ : FMના નિશાને KCR

[og_img]

  • નાણામંત્રીએ તેલંગાણાના CM દ્વારા નવો પક્ષ શરૂ કરવા બદલ ટીકા કરી
  • KCRએ તાંત્રિકોની સલાહ પર સચિવાલય જવાનું બંધ કર્યું : સિતારમણ
  • નાણામંત્રીએ આક્ષેપ કર્યો કે, 4 વર્ષ સુધી TRSમાં એક પણ મહિલા મંત્રી નથી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની રાષ્ટ્રીય પાર્ટી શરૂ કરવા બદલ ટીકા કરતાં કહ્યું કે કેસીઆરએ “તાંત્રિકોની સલાહ પર” પોતાની પાર્ટી TRSનું નામ બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) કરી દીધું છે.

કેબિનેટમાં કોઈ મહિલાનો સમાવેશ કરાયો નથી : નિર્મલા

મીડિયા સાથે વાત કરતા સીતારામને જણાવ્યું કે, મુખ્યમંત્રી કેસીઆરે તાંત્રિકો અને અંકશાસ્ત્રીઓની સલાહ પર સચિવાલય જવાનું બંધ કરી દીધું અને ઘણા વર્ષો સુધી મહિલાઓને તેમના કેબિનેટમાં સામેલ ન કરી. હવે તાંત્રિકની સલાહ પર પાર્ટીનું નામ બદલીને BRS કરવામાં આવ્યું છે.

નવો પક્ષ નિષ્ફળ જશે : નિર્મલા

તેમણે કહ્યું કે તેલંગાણા અને તેલુગુ ભાષાના લોકોને નિષ્ફળ કરવા અને દગો આપ્યા બાદ હવે તેમણે બીઆરએસને રાષ્ટ્રીય પાર્ટી તરીકે લોન્ચ કરી છે. નવો પક્ષ નિષ્ફળ જશે.

KCR નિષ્ફળ રહ્યા

સીતારમણે કહ્યું કે ટીઆરએસની રચના તેલંગાણાની ભાવનાને પૂર્ણ કરવા માટે કરવામાં આવી હતી, પરંતુ કેસીઆર તેને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા છે. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે તેલંગાણા રાજ્યની મહત્વાકાંક્ષા માટે નાણાં, પાણી અને નિમણૂક (નોકરી) પ્રાથમિકતા છે. સામાજિક ન્યાય અને મહિલા સશક્તિકરણ થશે તેવું પણ કહેવામાં આવ્યું હતું. પરંતુ, 2014થી 2018 સુધીના ચાર વર્ષ સુધી TRS સરકારમાં એક પણ મહિલા મંત્રી નથી. તેમણે કહ્યું કે TRS ફરી ચૂંટાયા પછી પણ લગભગ એક વર્ષ સુધી કોઈ મહિલા મંત્રી નથી. દેખીતી રીતે કેટલાક તાંત્રિકોની સલાહ પર મહિલાઓને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું ન હતું.

તેલંગાણા પર 3 લાખ કરોડ રૂપિયાનું દેવું

સીતારમણે કહ્યું કે તેલંગાણા પર 3 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. વિવાદાસ્પદ કાલેશ્વરમ લિફ્ટ સિંચાઈ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ રૂ.40,000 કરોડના બજેટ સાથે પૂર્ણ થવાનો હતો, પરંતુ વૃદ્ધિના કારણો અંગે યોગ્ય સ્પષ્ટતા કર્યા વિના બજેટ રૂ.1,40,000 કરોડ સુધી પહોંચી ગયું છે.

ટીઆરએસ સરકારે પોતાનું વચન ન પાળ્યું

નોકરીના વચન પર સીતારમણે કહ્યું કે ટીઆરએસ સરકારે પોતાનું વચન પાળ્યું નથી અને લોકોને છેતર્યા છે. તેમણે કહ્યું, TRS સરકાર ભંડોળ, પાણી અને નોકરીના ત્રણેય મોરચે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે,

KCRએ BRS લોન્ચ કર્યું

KCRએ બુધવારે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ની શરૂઆત કરી, જે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો સામનો કરવા માટે રાષ્ટ્રીય પક્ષ બનવા તરફનું તેમનું પ્રથમ પગલું છે. કેસીઆર દ્વારા નામ પરિવર્તન અને નવા પક્ષનો શુભારંભ હૈદરાબાદમાં પાર્ટીના મુખ્યાલય તેલંગાણા ભવનમાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, એમએલસી અને જિલ્લા સ્તરના સંયોજકો સહિતના નેતાઓની રાજ્ય મહામંડળની બેઠકમાં કરાયો હતો. બેઠકની અધ્યક્ષતા કે.ચંદ્રશેખર રાવે કરી હતી. JD(S)ના નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એચડી કુમારસ્વામી તેમના 20 ધારાસભ્યો સાથે TRS મુખ્યાલય ખાતેના લોંચ ઈવેન્ટમાં સામેલ થયા હતા. TRS એપ્રિલ 2000માં લોન્ચ કરવામાં આવી હતી.

નાણામંત્રીએ શાકભાજી વેચનારાઓ પાસેથી શાકભાજી ખરીદી

દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે તમિલનાડુમાં ચેન્નાઈના માયલાપોર વિસ્તારમાં શાકભાજી વેચનારાઓ પાસેથી શાકભાજી ખરીદતાનો એક વીડિયો શેર કર્યો છે. તેમણે કેટલાક વિક્રેતાઓ સાથે વાતચીત પણ કરી હતી. એમ તેમની ઓફિસ દ્વારા એક ટ્વિટમાં જણાવ્યું હતું. વિડિયોમાં નાણામંત્રીએ જાતે જ શક્કરીયાની ખરીદી કરતા દેખાયા હતા. અગાઉ તેમણે શહેરમાં વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકો માટે એક કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું.